‘ભાજપવાળા આવે તો જૂતા-ચપ્પલથી ફટકારો’- આકાશ આનંદ

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદે એક જાહેર સભામાં ભાજપ વિરુદ્ધ આપેલા નિવેદનને લઈને તેમના સહિત 35 લોકો સામે કેસ થયો છે.

‘ભાજપવાળા આવે તો જૂતા-ચપ્પલથી ફટકારો’- આકાશ આનંદ
image credit - Google images

પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ખૂલીને પ્રચાર કરી રહેલા બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદ પર ભડકાઉ ભાષણ અને આચારસંહિતા ભંગ બદલ કેસ નોંધાયો છે. તેમની સાથે બીએસપીના 34 કાર્યકરો સામે પણ આચારસંહિતા ભંગ અને ભડકાઉ ભાષણો આપવા મુદ્દે ફરિયાદમાં નામ દાખલ કરવામાં આવ્યા છે. પહેલા દિવસથી જ આકાશ આનંદ જાહેર સભાઓમાં વિરોધીઓ પર બરાબરના વરસી રહ્યાં છે. એક સમયે સૌમ્ય નેતાની છબિ ધરાવતા આકાશ આનંદ આ વખતની લોકસભા ચૂંટણીમાં અનેકવાર વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશના સીતાપુરમાં આયોજિત એક જાહેરસભામાં પણ તેમણે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા, જેને લઈને વિવાદ ઉભો થતા તેમના ભાષણને લઈને તંત્રે આકાશ આનંદ સહિત 35 લોકો વિરુદ્ધ હિંસા ભડકાવવાના મામલામાં કેસ નોંધ્યો છે.

પોલીસ અધિક્ષક ચક્રેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે રાજા કોલેજ મેદાનમાં બસપાની રેલીને મંજૂરી આપવામાં આવી હતી જેમાં આકાશ આનંદ મુખ્ય વક્તા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં ચોક્કસ પક્ષને લઈને ગંભીર ટિપ્પણી કરી છે જેનાથી હિંસા ફેલાવાની આશંકા પેદા થઈ ગઈ છે. આ રેલીમાં તેમણે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો.

પોલીસ અધિક્ષકના જણાવ્યા પ્રમાણે ચૂંટણી રેલીમાં આકાશ આનંદ અને શ્યામ કિશોર અવસ્થી, અક્ષય કાલરા અને આયોજક વિકાસ રાજવંશી સહિત 35 લોકો વિરુદ્ધ ભડકાઉ અને હિંસક ભાષણ, અસંસદીય ભાષાનો પ્રયોગ કરવાને લઈને આચારસંહિતા ભંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર કલમ 171સી, 153બી, 188, 505(2) કલમ 125 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆર નોંધીને આગોતરા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ દાદરા નગર હવેલીમાં BSP ના ઉમેદવાર સાથે પક્ષના જ લોકો ખેલ કરી ગયા

આકાશ આનંદે શું કહ્યું હતું?
રવિવારે સીતાપુર જિલ્લાના રાજા રઘુબર દયાલ ઈન્ટર કોલેજના મેદાનમાં આયોજિત બસપાની જાહેર સભામાં આકાશ આનંદે ભાજપની યુપી અને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “આ લોકોની દાનત જ નથી. તેમની ઈચ્છા જ નથી કે તમે રોજગારી મેળવો. આ એવી સરકાર છે જે કદી રોજગારી પણ નથી આપતી અને ભણવા પણ નથી દેતી. આવી સરકારને કોઈ હક નથી તમારી વચ્ચે આવવાનો. આવા લોકો જો તમારી વચ્ચે આવી જાય તો મતની જગ્યાએ જૂતા અને ચપ્પલ મારજો.” 

આકાશ આનંદે આગળ કહ્યું, “આ સરકારની દાનત રોજગારી આપવાની પણ નથી. પેપર લીક થવાને બહારને તેઓ રોજગારી નથી આપવા માંગતી. આજે દેશમાં મફત રાશનનો ઢોલ પીટવામાં આવે છે. સત્તામાં આવતા પહેલા બે કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો. આ નોકરી મળત તો કમ સે કમ અઢી લાખ રૂપિયા દરેક પરિવારનો યુવાન ચોક્કસ પોતાના ઘરે લાવત. પણ આ સરકાર નોકરીને બદલે વર્ષે ફક્ત 12 હજાર રૂપિયાનું મફત રાશન આપીને બનાવટ કરી રહી છે. તેનાથી આપણી પ્રગતિ નહીં થાય. અમને બહુજન સમાજની પ્રગતિ જોઈએ છે, એટલે નોકરી વિના બહુજન સમાજ કે સર્વ સમાજનું ભલું થવાનું નથી. માટે આવા લોકો જો તમારા મહોલ્લામાં આવે તો તેમને જૂતા-ચપ્પલથી ફટકારજો.”

આગળ વાંચોઃ ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.