કોણ છે લોકસભાની ચૂંટણી લડનાર સૌથી નાની ઉંમરની દલિત મહિલા ઉમેદવાર?

લોકસભાની ચૂંટણીનો માહોલ દેશભરમાં જામી રહ્યો છે ત્યારે અહીં એક એવી મહિલા ઉમેદવારની વાત કરીએ જે લોકસભા ચૂંટણી લડનાર સૌથી નાની ઉંમરની દલિત મહિલા છે.

કોણ છે લોકસભાની ચૂંટણી લડનાર સૌથી નાની ઉંમરની દલિત મહિલા ઉમેદવાર?
image credit - Google images

ઉનાળાની ગરમી સાથે લોકસભાની ચૂંટણીની ગરમીનો પારો પણ સતત ઉંચે ચડી રહ્યો છે. સવર્ણ ગોદી મીડિયા સતત એકતરફી સમાચારો ચલાવીને સત્તાપક્ષની તરફેણમાં માહોલ બનાવવા પ્રયત્ન કરી રહ્યું છે. જેના કારણે બીજા કોઈપણ પક્ષના લાયક ઉમેદવારોની પણ મીડિયામાં કોઈ ચર્ચા થતી નથી. આ પરિસ્થિતિનો સૌથી વધુ ભોગ દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના ઉમેદવારો બને છે. અહીં આપણે એક એવી જ મહિલાની વાત કરવી છે જે આ વર્ષે લોકસભાની ચૂંટણી લડનાર સૌથી નાની ઊંમરની મહિલા ઉમેદવાર હોવા છતાં અભ્યાસ અને લાયકાતમાં કહેવાતા મોટા નેતાઓ પણ તેની આસપાસ આવી શકે તેમ નથી.

વાત છે બિહારની એલજેપી રામવિલાસ પક્ષના ક્વોટાની એક મહિલા ઉમેદવારની જેણે ચૂંટણીમાં સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. ગઈકાલે એલજેપી રામવિલાસે લોકસભા ચૂંટણી માટે પોતાના ભાગની તમામ પાંચ સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ચિરાગ પાસવાન પિતા રામવિલાસ પાસવાનની પરંપરાગત હાજીપુરથી લોકસભા ચૂંટણી લડશે. તેમણે આ ચૂંટણીમાં જમુઈ સીટથી તેના બનેવી અરૂણ ભારતીને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પરથી ચિરાગ પાસવાન બે વખત સાંસદ રહી ચૂક્યા છે.

બીજી તરફ જેડીયુ સરકારમાં મંત્રી રહેલા અને નીતિશકુમારની કોર ટીમમાં સામેલ અશોક ચૌધરીની દીકરી સાંભવી ચૌધરીને સમસ્તીપુર સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી છે. ચિરાગ પાસવાનના પિતરાઈ ભાઈ અહીંથી સાંસદ છે. તેમણે કાકા પશુપતિ પારસ સાથે મળીને ચિરાગ પાસવાન સામે બળવો કરી દીધો હતો. હવે આ અનામત સીટ પર સાંભવી ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.

અશોક ચૌધરીની દીકરી સાંભવી ફક્ત 25 વર્ષ 9 મહિનાની છે. તે લોકસભા ચૂંટણી લડનારી સૌથી નાની ઉંમરની દલિત મહિલા ઉમેદવાર છે. તેના દાદા મહાવીર ચૌધરી કૉંગ્રેસમાંથી બિહારના પૂર્વ મંત્રી હતા. તેના પિતા પણ પહેલા કૉંગ્રેસમાં હતા. પણ પછી કેટલાક એમએલસી અને ધારાસભ્યો સાથે મળીને નીતિશકુમારની જનતાદળ યુનાઈટેડમાં સામેલ થઈ ગયા હતા.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સાંભવીએ કહ્યું હતું કે, “ફક્ત 25 વર્ષની ઉંમરે લોકસભાની ચૂંટણી લડવાની તક મળવાને કારણે હું સન્માનનો અનુભવ કરું છું. તેનાથી મને મારી જવાબદારીઓનું ભાન થાય છે. મારા પિતા અને દાદાને રાજકારણમાં કીર્તિમાન સ્થાપિત કર્યા છે. હું મારા સસરા આચાર્ય કિશોર કુણાલના યોગદાનથી પણ પરિચિત છું, જેમણે વર્ષો પહેલા બિહારના મંદિરોમાં દલિત પૂજારીઓને સામેલ કરીને સામાજિક સુધારણાનું બીડું ઉઠાવ્યું હતું.”

સાંભવી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી સમાજશાસ્ત્રમાં અનુસ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ બિહારની રાજનીતિમાં લિંગ અને જાતિ વિરોધાભાસ વિષય પર પીએચડી કરી રહી છે. તેણે લેડી શ્રીરામ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેના લગ્ન પૂર્વ આઈપીએસ અધિકારી આચાર્ય કિશોર કુણાલના દીકરા સાયન કુણાલ સાથે થયા છે. કિશોર કુણાલને બિહારના મંદિરોમાં અનેક દલિત પૂજારીઓને નિયુક્ત કરવાનું શ્રેય જાય છે.

અહીં એ પણ યાદ કરવું રહ્યું કે, તત્કાલિન પ્રધાનમંત્રી વી.પી.સિંહએ કિશોર કુણાલને વિશ્વ હિંદુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટી વચ્ચે મધ્યસ્થતા માટે નિયુક્ત કર્યા હતા. હવે તેમની પુત્રવધુ રાજકારણમાં આગળ આવી છે ત્યારે જોવાનું એ રહે છે કે, જનતા તેને કેટલો અને કેવો પ્રતિસાદ આપે છે.

ઉલ્લેખનીય છે કે, રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી હવે તેમના દીકરા ચિરાગ પાસવાન અને ભાઈ પશુપતિ પારસ વચ્ચે વહેંચાઈ ગઈ છે. ચિરાગ અને પશુપતિ બંને ભાજપના ટેકાવાળા એનડીએ જૂથમાં સામેલ છે. એક સમયે ભાજપે પશુપતિને આગળ કરીને ચિરાગ પાસવાનનું રાજકારણ ખતમ કરી દેવાનો પ્લાન બનાવ્યો હોવાનું કહેવાય છે. પરંતુ ચિરાગ પિતા રામવિલાસની જેમ હોંશિયાર રાજકારણી સાબિત થયા છે અને હવે તેઓ પિતાના વારસાને આગળ ધપાવી રહ્યાં છે. તેઓ તેમની પરંપરાગત હાજીપુર સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ રાજકીય પાવરહાઉસ ગણાતી અમદાવાદ પશ્ચિમ SC અનામત બેઠક પર ‘મકવાણા Vs. મકવાણા’નો જંગ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.