ભૂવાએ સારવારના નામે આંકડાનું પાણી પીવડાવતા મહિલાનું મોત

દુઃખાવાથી પીડાતી મહિલાને તાંત્રિકે વિધિ બાદ આંકડાના મૂળનું પાણી પીવડાવતા મોત થયું.

ભૂવાએ સારવારના નામે આંકડાનું પાણી પીવડાવતા મહિલાનું મોત
image credit - Google images

તાંત્રિકો, ભૂવા-ભારાડીઓને ધર્મની આડમાં મળેલી બેફામ છૂટનો ભોગ સેંકડો લોકો બનતા હોય છે. સમસ્યા એ છે કે સત્તા ખુદ મતબેંકની લાલચમાં આવા લોકોની ઓંથ લેતી હોવાથી લેભાગુ બાવા-ધુતારાઓ અને તાંત્રિકો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના ધતિંગો કરી, અંધશ્રદ્ધા ફેલાવી લોકોના જીવ સાથે પણ રમત કરી લેતા ખચકાતા નથી. પરિણામે ક્યારેક કોઈનો જીવ પણ જતો રહેતો હોય છે.

આવો જ એક કિસ્સો હાલ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાંથી સામે આવ્યો છે. અહીં પીપરાણા પંથકના એક ભૂવા દ્વારા શરીરે દુઃખાવાની પીડાતી એક મહિલાને તાંત્રિક વિધિથી સાજી કરી દેવાનો વાયદો કરી વિધિ કર્યા બાદ આંકડાના મૂળનું પાણી પીવડાવતા મહિલાના શરીરમાં તેનું ઝેર ફેલાતાં તબીયત લથડતા મોડાસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાંથી મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ જવામાં આવી હતી ત્યાં રસ્તામાં તેનું મોત નીપજયું હતું. 

મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે માલપુરના સરકારી દવાખાને લવાયો હતો. અને જે ભુવાના પાપે આ મહિલા મોતના મુખમાં ધકેલાઈ હતી તે ભૂવા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ હતી.

મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના ખાનપુર ગામની ૨૧ વર્ષિય મહિલાને શરીરે દુઃખાવાની સમસ્યા રહેતી હોવાથી સગા સંબંધીઓ તેને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પીપરાણા પંથકના એક ભુવા પાસે લાવ્યા હતા. આ ભુવાએ તાંત્રિક વિધી હેઠળ મહિલાને આંકડાના મૂળનું પાણી પીવડાવતાં મહિલાની તબીયત લથડી હતી.

એ પછી તેના પરિવારે તેને લુણાવાડા, વડોદરા અને ત્યાર બાદ સારવાર અર્થે મોડાસા લઈ ગયો હતો. જો કે શરીરમાં આંકડાના મૂળનું વ્યાપક પ્રમાણમાં ઝેર પ્રસરી જતાં આ મહિલાને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાઈ હતી. જયાં તેનું મોત નીપજયું હતું. મૃતકના પરીવારજનો દ્વારા પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને લઈ જવાયો હતો અને ભૂવા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવા તજવીજ હાથ ધરાઈ હતી. આ ઘટનામાં એટલો બોધપાઠ ચોક્કસ લેવાનો કે, ભૂવા-ભારાડીઓ કદી તમારા શરીરની સમસ્યાઓ દૂર ન કરી શકે. તેના માટે ડોક્ટર પાસે જઈને યોગ્ય સારવાર કરાવવી રહી.

આ પણ વાંચોઃ વાસ્તુદોષ દૂર કરવાની વિધિના બહાને તાંત્રિકે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.