બોલીવૂડમાં કોણ ક્યાં બેસશે, શું ખાશે તે જાતિ મુજબ નક્કી થાય છે...
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમે મોટાભાગે જાતીય શોષણ, કાસ્ટિંગ કાઉચ વિશે સાંભળ્યું હશે. પણ પહેલીવાર એક અભિનેત્રીએ જાતિવાદ વિશે ખૂલીને વાત કરી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોણ ક્યાં બેસશે? શું ખાશે? એ બધું અભિનેતા-અભિનેત્રીની જાતિના આધારે નક્કી થાય છે. અમુક અભિનેતા-અભિનેત્રીઓ તો જાતિ અને ધર્મના આધારે પણ ભારે ભેદભાવ દાખવે છે. - આ નિવેદન કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ બોલીવૂડ અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી અભિનેત્રી કોંકણા સેન શર્મા (Konkana Sen Sharma)એ આપ્યું છે. કોંકણા તેના દમદાર અભિનયની સાથે સત્ય કહેવાની પોતાની હિંમતના કારણે પણ જાણીતી છે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યૂ (Interview) માં બોલીવૂડ (Bollywood) માં ચાલતા જાતિવાદ (Racism- Castism) ની પોલ ખોલીને સૌ કોઈના મોં બંધ કરી દીધાં છે.
કોંકણાએ કહ્યું કે, બોલીવૂડમાં સ્પષ્ટ રીતે જાતિ અને ધર્મના આધારે ભેદભાવ થાય છે. (Discrimination on the basis of caste and religion) તેણે કહ્યું કે, અહીં તમે ક્યાં બેસશો, શું કામ કરશો તે બધું તમારી જાતિના આધારે નક્કી થાય છે.
છેલ્લા 20 વર્ષથી હિન્દી અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી અભિનેત્રી કોંકણાએ કહ્યું કે સેટ પર છોકરીઓ સાથે ગંદી વાતો થાય છે અને આ કૃત્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા લોકો કરે છે. તેથી જ તેમની સામે ક્યારેય કોઈ અવાજ ઉઠાવવા સક્ષમ નથી. એટલું જ નહીં જાતિના આધારે પણ લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે.
જાતિના આધારે નક્કી થાય છે કોણ ક્યાં બેસશે
કોંકણાએ સુચરિતા ત્યાગીને આપેલા ઈન્ટરવ્યુમાં હેમા કમિટીના રિપોર્ટ (HEMA Committee Report) વિશે વાત કરતા કહ્યું કે, 'ફિલ્મના સેટ પર જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry) માં જાતિ અને વર્ગ (caste and class) ના આધારે લોકો સાથે ભેદભાવ (Discrimination) કરવામાં આવે છે. કોને ક્યાં બેસવાનું છે? બેસવાની છૂટ છે કે નહીં? કોણે શું ખાવું? કોનું બાથરૂમ ક્યાં હશે? આ બધું જાતિના આધારે નક્કી થાય છે.
કોંકણાએ વધુમાં કહ્યું કે, "મોટા મોટા કલાકારો અન્ય કલાકારો સાથે તેમની જાતિ અને ધર્મના આધારે ભેદભાવ દાખવે છે. અમુકના તો બાથરૂમ પણ અલગ હોય છે. ફિલ્મોના સેટ પર અને ઈન્ડસ્ટ્રીમાં માત્ર મહિલાઓના આધારે જ નહીં પરંતુ જાતિ, વર્ગ અને લિંગના આધારે પણ ભારે ભેદભાવ થાય છે. આ સમસ્યાગ્રસ્ત, પિતૃસત્તાત્મક અને ખરાબ છે. અહીં ઘણો ભેદભાવ છે. એ ત્યાં સુધી કે સ્ટાર્સ નાના કલાકારોને સાથે બેસીને ખાવા પણ નથી દેતા. કોને ક્યાં બેસવાની છૂટ છે અને કોને નથી? કોને શું ખાવાની છૂટ છે? કોનું બાથરૂમ ક્યાં છે? આ બધું જે તે કલાકારની જાતિના આધારે નક્કી થાય છે."
અભિનેત્રીઓને 'ફર્નિચર' ગણવામાં આવે છે
કોંકણા સેને એ પણ કહ્યું કે, બોલિવૂડમાં મહિલા કલાકારોને ઘરના ફર્નિચર જેવી ગણવામાં આવે છે. તે માત્ર દેખાડવાની ચીજ છે. ફિલ્મના સેટ પર સિનિયર કલાકારોને જ સન્માન મળે છે. બાકીના લોકો ‘ફર્નિચર’ જેવા ગણાય છે. નાના કલાકારોને અહીં ધક્કો પણ મારવામાં આવે છે. નાની નાની બાબતો પર અપમાનનો સામનો કરવો પડે છે. એ વાતાવરણમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે."
કોંકણાએ આગળ કહ્યું, 'જો તમે એક સિનિયર અભિનેત્રી નથી તો તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. તમને 'ફર્નિચર' ગણવામાં આવે છે. આવા વાતાવરણમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. હું કલ્પના પણ કરી શકતી નથી કે આ બધું સહન કરવું કેટલું મુશ્કેલ હશે.'
શું છે હેમા કમિટિનો રિપોર્ટ?
વર્ષ 2017માં એક મલયાલમ અભિનેત્રી પર બળાત્કાર થયો હતો. આ ઘટનાથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Malayalam Film Industry) માં હલચલ મચી ગઈ હતી. આવી સ્થિતિમાં કેરળ સરકારે જસ્ટિસ કે. હેમાની અધ્યક્ષતા (Justim K. HEMA Committee) માં એક સમિતિની રચના કરી અને તપાસનો આદેશ આપ્યો હતો. સમિતિએ બે વર્ષ સુધી મલયાલમ ફિલ્મ ઉદ્યોગ પર સંશોધન કર્યું અને 2019માં સરકારને રિપોર્ટ સુપરત કર્યો. પરંતુ સરકારે આ રિપોર્ટ બહાર આવવા દીધો ન હતો. જ્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટો અને પત્રકારોએ દબાણ કર્યું, ત્યારે આ અહેવાલ ઓગસ્ટ 2024 માં સાર્વજનિક કરવામાં આવ્યો અને આ અહેવાલે મલયાલમ ફિલ્મ ઉદ્યોગની કાળી બાજુને ઉજાગર કરી દીધી હતી.
આ પણ વાંચો: ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે