કચ્છના કકરવા ગામે 16 દલિતો હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ બન્યા

જાતિવાદી હિંદુ ધર્મમાં ગુંગળામણ અનુભવતા ત્રણ પરિવારના 16 સભ્યોએ સ્વેચ્છાએ હિંદુ ધર્મનો ત્યાગ કરી તથાગત ગૌતમ બુદ્ધ અને ડો. આંબેડકરના રસ્તે ચાલવાનું નક્કી કર્યું.

કચ્છના કકરવા ગામે 16 દલિતો હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ બન્યા
image credit - સિંહલ બોધિધર્મનજી

દેશમાં ચોતરફ અરાજકતાનો માહોલ છે. ખાસ કરીને હિંદુત્વવાદીઓ જે રીતે બેફામ બનીને દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને તેમના પર અત્યાચાર ગુજારી રહી છે, તેમના હકો પર તરાપ મારી રહી છે, તે જોતા વધુને વધુ લોકોનો હિંદુ ધર્મ (Hinduism) થી મોહભંગ થઈ રહ્યો છે. તેમને સતત એ અહેસાસ થઈ રહ્યો છે કે, મનસ્મૃતિ (Manusmriti) ના વિચારો પર આધારિત આ ધર્મમાં તેમની જાતિના આધારે તેમની સાથે થયા ભેદભાવો કદી ખતમ થવાના નથી. એટલે જ વધુને વધુ લોકો ડો. આંબેડકર (Dr. Abmedkar) ના રસ્તે ચાલીને તથાગત ગૌતમ બુદ્ધ સ્થાપિત બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે.

ગુજરાતમાં સમયાંતરે બૌદ્ધ દીક્ષા (Buddhist initiation) ના કાર્યક્રમો યોજાતા રહે છે અને આવો વધુ એક કાર્યક્રમ કચ્છમાં યોજાઈ ગયો. જ્યાં ત્રણ પરિવારના 16 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. તારીખ 13.10.2024 રવિવારના સવારે 8.30 થી 11.30 દરમિયાન ભચાઉ (bhachau) તાલુકાના કકરવા ગામે (Kakarwa village) લોઇયા ભવન ખાતે "મહા ગુજરાત બૌદ્ધ સંઘ" (Mahagujarat Buddhist Sangha) દ્વારા "બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘના સંચાલક માનનીય આયુ. સિંહલ બોધિધર્મનજી ના સાન્નિધ્યમાં કુલ 3 પરિવારના 16 સભ્યોને "બંધારણીય બુદ્ધ ધમ્મની દીક્ષા" (Constitutional Buddha Dhamma initiation ceremony) ગ્રહણ કરાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ બુદ્ધ કથામાં બ્રાહ્મણોએ હુમલો કર્યોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ

સૌ પ્રથમ સવારે.8.00 વાગ્યે બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરને ફૂલહાર અર્પિત કરવામાં આવ્યા તેમજ ત્યાની શેરીઓમાં દીક્ષાર્થીઓ તેમજ અન્ય લોકસહયોગ થકી એક પ્રતીક રેલી કાઢવામાં આવી. રેલી પૂર્ણ થયા બાદ તમામ દીક્ષાર્થીઓને શિસ્તબદ્ધ બેસાડવામાં આવ્યા અને એમના હસ્તે તથાગત બુદ્ધને દીપ પ્રજ્વલિત કરી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરવામાં આવ્યું. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરજીની 22 પ્રતિજ્ઞાઓનું પઠન કરી દરેક દીક્ષાર્થીઓને મહા ગુજરાત બૌદ્ધ સંઘના ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રો મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા.

એ પછી વક્તાઓ દ્વારા પંચશીલ (Panchsheel) તેમજ બુદ્ધ ધમ્મ (Buddhism) વિશે જાણકારી આવી હતી અને વ્યસન, વહેમ, વ્યભિચાર, અંધશ્રદ્ધા અને  કુરિવાજોથી દૂર રહેવા કહેવામા આવ્યું. કાર્યક્રમમાં રમેશ જી પરમાર, ભરત જી વાણિયા, વાલજી રાઠોડ, એડવોકેટ ઍન્ડ નોટરી મેરિબેન મેઘવાળ, ભટ્ટી જી વગેરે સહિત ગામના કાર્યકરોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ પણ વાંચોઃ બુદ્ધ પૂર્ણિમાએ ભારતીય બૌદ્ધ ધર્મીઓનું 2300 વર્ષ જૂનું સપનું સાકાર થયું

પૂર્વ કચ્છના પોલીસ વડાના આદેશથી કાર્યક્રમના અંત સુધી પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી. મચ્છોયા બ્રધર્સ લાકડિયા દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ કરી તમામ લોકોને લોઈયા પરિવાર દ્વારા ભોજન આપવમાં આવ્યું હતું. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમનું પૂર્ણ કરવામાં આવ્યો હતો અને તમામ દીક્ષાર્થીઓને મહા ગુજરાત બૌદ્ધ સંઘની ટીમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ દીક્ષા કાર્યક્રમના આયોજક મહા ગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદના આયુ. સિંહલ બોધિધર્મનજીએ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ગુજરાત સહિત દેશભરમાં સતત દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને જે રીતે હિંદુ ધર્મીઓ દ્વારા ભેદભાવ, અસ્પૃશ્યતા દાખવવામાં આવે છે તેનાથી આ સમાજના લોકો ભારે વ્યથિત છે. કાયદો અમલમાં હોવા છતાં જાતિવાદી અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. મનુવાદી વર્ણવ્યવસ્થાની ધરી પર ટકેલા હિંદુ ધર્મમાં દલિતો, આદિવાસીઓ ગમે તેટલાં ભણીગણીને આગળ વધી જાય તો પણ તેમને નિમ્ન સ્તરના ગણીને ઉતારી પાડવામાં આવે છે. એક બાજુ દુનિયાના એઆઈના યુગમાં પહોંચી ગઈ છે, જ્યારે ભારત સતત જાતિ, ધર્મના નામે દલિતો પર અત્યાચાર કરીને અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે. એ સ્થિતિમાં દલિતો સર્વને સમાન માનતા બૌદ્ધ ધર્મ તરફ વળે તેમાં મને કશી નવાઈ નથી લાગતી. આ સ્થિતિ હજુ ચાલુ રહેશે તો હજુ વધુ લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ બનતા અચકાશે નહીં."

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના વઢવાણમાં 8 દલિત પરિવારોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.