"સારા વિસ્તારમાં રહેવાનું મારું સપનું તૂટી ગયું છે..."

વડોદરામાં એક મુસ્લિમ મહિલાનો હિંદુઓએ મુખ્યમંત્રી આવાસ યોજનામાં મળેલા તેના ઘરને લઈને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.

"સારા વિસ્તારમાં રહેવાનું મારું સપનું તૂટી ગયું છે..."
image credit - Google images

વડોદરામાં મુસ્લિમોના વિરોધનું એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક મહિલા સામે ફક્ત તેના મુસ્લિમ હોવાના કારણે મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા હિંદુઓએ વિરોધ નોંધાવ્યો છે. એન્ટરપ્રેન્યોરશીપ એન્ડ સ્કિલ ડેવલોપમેન્ટ મંત્રાલયમાં કામ કરતી 44 વર્ષીય મુસ્લિમ મહિલાને વર્ષ 2017માં વડોદરાના હરણી વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવ્યું હતું. જો કે, તે નવા ઘરમાં રહેવા જાય એ પહેલા જ આવાસ યોજનાના બહુમતી હિંદુઓએ મળીને આ એકમાત્ર મુસ્લિમ મહિલાનો વિરોધ કરવો શરૂ કરી દીધો હતો.

462 મકાનો ધરાવતી આ આવાસ યોજનાના 33 રહેવાસીઓએ કલેક્ટર અને અન્ય અધિકારીઓને લેખિત ફરિયાદ કરીને ‘મુસ્લિમ’ મહિલાને સોસાયટીમાં રહેવા સામે વાંધો ઉઠાવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે મહિલા આ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એકમાત્ર મુસ્લિમ છે. આ મામલે વડોદરાના કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અને સોસાયટીના અધિકારી નિલેશ પરમારે કશું કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

મહિલાનું કહેવું છે કે આ વિરોધ સૌપ્રથમ 2020માં શરૂ થયો હતો, જ્યારે અહીંના રહેવાસીઓએ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને પત્ર લખીને તેમના ઘરની ફાળવણીને અમાન્ય કરવાની માંગ કરી હતી. જો કે, ત્યારબાદ હરણી પોલીસ સ્ટેશને તમામ સંબંધિત પક્ષકારોના નિવેદનો નોંધ્યા હતા અને કેસનો નિકાલ કર્યો હતો. આ જ મુદ્દે ફરી આ મહિને 10 જૂને વિરોધ થયો હતો.

સારા વિસ્તારમાં રહેવાનું મારું સપનું તૂટી ગયું

આ મામલે મહિલાએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું વડોદરાના મિશ્ર વિસ્તારમાં મોટી થઈ છું. હું હંમેશા ઇચ્છતી હતી કે મારો પુત્ર વધુ સારા વિસ્તારમાં ઉછરે, પરંતુ મારું એ સપના તૂટી ગયું છે. છેલ્લાં છ વર્ષથી હું જે સંઘર્ષનો સામનો કરી રહ્યો છું તેનો હજુ પણ કોઈ ઉકેલ આવ્યો નથી. મારો દીકરો હવે 12મા ધોરણમાં છે અને આ શું ચાલી રહ્યું છે તે સમજવા માટે સક્ષમ છે. આ ભેદભાવ તેને માનસિક રીતે અસર કરશે.”

આ પણ વાંચો: ‘Al Jazeera તરફથી હું વાએલ અલ-દાહદૌહ...’ Gazaમાં પત્રકાર રિપોર્ટિંગમાં વ્યસ્ત રહ્યાં, બીજી તરફ આખો પરિવાર ઈઝરાયલના હુમલામાં મોતને ભેટ્યો!

ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર, મેયર, VMC કમિશનર તેમજ વડોદરાના પોલીસ કમિશનરને સુપરત કરવામાં આવેલી ફરિયાદમાં 33 સહી કરનારાઓએ આ મુસ્લિમ મહિલાને ફાળવવામાં આવેલા નિવાસને “અમાન્ય” ઠેરવવા અને તેને બીજી આવાસ યોજનામાં શિફ્ટ કરવાની માંગ કરી છે.

મોટનાથ રેસીડેન્સી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસીસ સોસાયટી લિમિટેડના મેમોરેન્ડમમાં લખ્યું છે, “VMC એ માર્ચ 2019માં લઘુમતી (મુસ્લિમ મહિલા)ને ઘર નંબર K204 ફાળવ્યું છે. અમે માનીએ છીએ કે હરણી વિસ્તાર હિંદુ બહુમતી શાંતિપૂર્ણ વિસ્તાર છે અને લગભગ ચાર કિલોમીટરના મુખ્ય વિસ્તારમાં મુસ્લિમોની કોઈ વસાહત નથી. VMC દ્વારા આ ફાળવણી 461 પરિવારોના શાંતિપૂર્ણ જીવનમાં આગ લગાડવા સમાન છે.”

હિંદુઓ ખૂલીને વિરોધ કરી રહ્યાં છે છતાં તંત્ર મૌન

અરજીમાં એક સહીકર્તાએ કહ્યું છે કે, “VMCની ભૂલ છે કે તેણે ફાળવણી દરમિયાન ઓળખપત્રને ક્રોસ-ચેક નથી કર્યા. અમે બધાંએ આ વસાહતમાં ઘરો બુક કરાવ્યા છે કારણ કે તે હિન્દુ વિસ્તાર છે અને અમે અન્ય ધાર્મિક અને સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડના વ્યક્તિઓ અમારી વસાહતમાં રહે તે પસંદ નથી કરતા.”

મહિલા હાલમાં તેના માતા-પિતા અને દીકરા સાથે વડોદરાના અન્ય વિસ્તારમાં રહે છે. મહિલાએ કહ્યું કે “હું માત્ર આ વિરોધને કારણે મારી મહેનતથી કમાયેલી મિલકત વેચવા માંગતી નથી. હું રાહ જોઈશ. મેં વસાહતની મેનેજિંગ કમિટી પાસે વારંવાર સમય માંગવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેઓ જવાબ આપતા નથી. હાલના વિરોધના બે દિવસ પહેલાં તેમણે મને મેન્ટેનન્સના બાકી લેણાંની માંગણી માટે ફોન કર્યો. મેં કહ્યું કે જો તેઓ મને એક નિવાસી તરીકેનું પ્રમાણપત્ર આપે, પણ તેમણે આપ્યું નથી. VMC એ પહેલાથી જ તમામ રહેવાસીઓ પાસેથી વન-ટાઇમ મેઇન્ટેનન્સ ચાર્જ તરીકે રૂ. 50,000 લીધાં છે.”

કેટલાક હિંદુઓ મુસ્લિમ મહિલાના સમર્થનમાં આવ્યા

હિંદુઓના આ મુસ્લિમ મહિલાઓ સામેના વિરોધની બીજી તરફ કોલોનીના કેટલાક રહેવાસીઓએ લાભાર્થી મહિલાને સમર્થન આપતા કહ્યું છે કે, “જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે કારણ કે મુસ્લિમ મહિલા સરકારી યોજનાની લાભાર્થી છે અને તેને કાયદાકીય જોગવાઈઓ અનુસાર ફ્લેટ ફાળવવામાં આવ્યો છે.”

આ પણ વાંચો: ભાજપ ચૂંટણી પ્રચારમાં ડો. આંબેડકરને યાદ કરે છે, પરંતુ ભારતીય દૂતાવાસોમાં તેમની કોઈ તસવીર નથી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોટાં શહેરોની પોશ સોસાયટીઓમાં મકાન મેળવતા પહેલાં નાતજાત અને ધર્મના પુરાવા આપવા પડે છે અને ધર્મના આધારે ઘણી વખત ઘર નથી પણ મળતું. પણ વડોદરામાં તો સરકારી આવાસ યોજનામાં પણ ધાર્મિક ભેદભાવ રાખીને મકાન મેળવનાર મુસ્લિમ મહિલાનો લોકો વિરોધ કરી રહ્યા છે. મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવાયા પછી આ મુસ્લિમ મહિલાની મુસીબતો વધી ગઈ છે. છેલ્લા ચાર વર્ષથી સોસાયટીના હિન્દુ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને તેને બીજે ક્યાંક મકાન ફાળવવા તંત્રમાં માગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાના પડોશમાં મુસ્લિમ ધર્મની વ્યક્તિ ઇચ્છતા નથી. જ્યારે મહિલાનું કહેવું છે કે તે આ મકાનમાં જ રહેવા માગે છે.

અમદાવાદમાં દલિતો, મુસ્લિમો, ઓબીસીને કથિત સવર્ણોની સોસાયટીમાં ઘર નથી મળતું

ધર્મના આધારે મકાન ન ફાળવવાનો આ મામલો ભલે વડોદરાનો હોય પરંતુ અમદાવાદ જેવા શહેરમાં પણ સ્થિતિ તેનાથી જુદી નથી. અહીં કથિત સવર્ણોની સોસાયટીઓમાં દલિતો, ઓબીસી સમાજની ઠાકોર, રબારી, ભરવાડ કોમને પણ મકાન નથી લેવા દેવામાં આવતા. હમણાં ગાંધીનગરના વિખ્યાત ગિફ્ટ સિટીમાં જે.પી. મોર્ગન જેવી મલ્ટિનેશનલ કંપનીના ઉચ્ચ અધિકારીને પણ જાતિવાદી તત્વોએ મકાન લેવા દીધું નહોતું. અમદાવાદ શહેરમાં તો પોષ ગણાતા પશ્ચિમ વિસ્તારની મોટી સોસાયટીઓમાં કથિત સવર્ણો સિવાય કોઈને પણ મોં માંગ્યા પૈસા આપવા છતાં ઘર મળતું નથી. બિલ્ડરો જો કોઈ દલિત, મુસ્લિમ કે ઓબીસી સમાજની (રબારી, ભરવાડ કે ઠાકોર) વ્યક્તિ ઘર ખરીદવા જાય તો પહેલા તેની જાતિ જાણવા પ્રયાસ કરે છે. જો તે કથિત સવર્ણો પૈકીની ન હોય તો તેને ઘર ખરીદવા દેવામાં આવતું નથી. આશ્ચર્યની વાત એ છે કે, બિનસાંપ્રદાયિક દેશમાં આ મામલે કાયદો હોવા છતાં ખૂલ્લેઆમ આ પ્રકારના ભેદભાવો ચાલી રહ્યાં છે અને તંત્ર કોઈ જ પગલાં નથી લઈ રહ્યું.

આ પણ વાંચો: જે પી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટને જાતિવાદ નડ્યો, ગિફ્ટ સિટીમાં જાતિવાદીઓએ ફ્લેટ ન ખરીદવા દીધો?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.