Syeda Anwara Taimur: દેશનાં પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી, જેમને મળી હતી સળગતા આસામને સંભાળવાની જવાબદારી
દેશના પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી સૈયદા અનવરા બહુ ઓછા સમય માટે મુખ્યમંત્રી રહ્યાં, પણ તેમણે કરેલા કાર્યોને આસામ હજુ યાદ કરે છે.
શું તમે જાણો છો કે દેશના પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા, તે રાજ્ય કયું હતું, કઈ પાર્ટીએ તેમને મુખ્યમંત્રી બનાવ્યા, તેમણે શું કામ કર્યું, છેલ્લા શ્વાસ ક્યાં લીધા - આ પ્રશ્નોમાં અમે "?" મૂક્યું નથી, કારણ કે આ પ્રશ્નો ક્યારેય પુછાયા જ નથી. વાસ્તવમાં આપણે એવા લોકો વિશે બહુ ઓછું જાણીએ છીએ જેમના વિશે જાણવું જોઈએ. આપણે તેમના વિશે વાત પણ કરતા નથી. આપણે તેમના સારા-ખરાબ કાર્યોની ચર્ચા પણ નથી કરતા.
25 નવેમ્બરે દેશની પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી સૈયદા અનવરા તૈમૂરનો જન્મદિવસ હતો. 1936માં જન્મેલા બેગમ અનવરાએ પોતાનું વ્યક્તિત્વ જાતે ઘડ્યું હતું. જેમને દેશની સૌથી જૂની પાર્ટી દ્વારા આસામ રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ 1980ના ડિસેમ્બરમાં થયું હતું, તે લગભગ છ મહિના રાજ્યના મુખ્યમંત્રી હતા. આ ટૂંકા કાર્યકાળમાં પણ તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોને દેશે ભૂલવા ન જોઈએ. જ્યારે આસામ ધગધગતું હતું ત્યારે તેમણે સત્તા સાંભળી હતી. અનવરાજીએ આસામના લોકોના હૃદય પર એવી અસર કરી કે તેમણે લીધેલા દરેક પગલા સાથે શાંતિ પાછી આવવા લાગી.
અનવરાજી ચાર વખત આસામ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હોવા છતાં સૌથી ખાસ વાત એ હતી કે તેમનું વ્યક્તિત્વ આગવું હતું. જ્યારે તેઓ રાજકારણમાં નહોતા ત્યારે ગર્લ્સ કોલેજમાં અર્થશાસ્ત્રના શિક્ષિકા હતા. તેમના વિષય પર તેમની મજબૂત પકડ હતી. વિદ્યાર્થીઓને તેમણે માતૃપ્રેમ આપ્યો હતો, જે તેમણે પછીથી રાજકારણમાં આપ્યો. દરેક વ્યક્તિ પોતાની વ્યથા અને વેદના તેની સામે વ્યક્ત કરી શકતી.
તેઓ ઘણા વર્ષો સુધી રાજ્યના PWD મંત્રી પણ હતા. આ મંત્રાલયમાં રહીને તેમણે આસામમાં ઐતિહાસિક કામ કર્યું, ઘણી ઇમારતો, પુલ અને રસ્તાઓ બનાવ્યા. તે ખૂબ જ મિલનસાર મહિલા હતા, જ્યારે તેની પ્રતિભાની અસર રાજ્યમાં દેખાવા લાગી ત્યારે સરકારને સમજાયું કે કેન્દ્રને તેમની જરૂર છે. પછી 1988માં તેમને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા.
અનવરા તૈમૂરજી અને તેમની ટીમે મળીને આસામમાં ઐતિહાસિક કામ કર્યું. જો કે વચ્ચે પક્ષ અને તેમની વચ્ચે અણબનાવ થયો અને તેમણે પછીના દિવસોમાં પક્ષ છોડી દીધો. આ બંને માટે અભિશાપ સાબિત થયું, જોકે ભોગવવાનું આસામ રાજ્યના ભાગે આવ્યું. તેમણે પાર્ટી છોડી દીધી પરંતુ પાર્ટીએ ક્યારેય એમને હૃદયમાંથી દૂર કર્યા નહીં. બાદમાં તેઓ તેમના પુત્ર સાથે રહેવા ઓસ્ટ્રેલિયા ગયાં. અફસોસની વાત એ છે કે તેમણે સપ્ટેમ્બર 2020માં વતન આસામ અને ભારતથી દૂર રહીને અંતિમ શ્વાસ લીધા.
કહેવાય છે કે ઓસ્ટ્રેલિયામાં તેમનું ઘર મિની ઈન્ડિયા હતું. જેમાં તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હતી. ભારતના રાષ્ટ્રીય તહેવારો પર તેઓ તેમની પૌત્રી સાથે વિવિધ પ્રકારના ભોજન બનાવતાં, પડોશીઓને મિજબાની આપતા અને તેમને ભારતીય સંસ્કૃતિના ઉદાહરણો બતાવતાં. અનવરાજીને પોતાની ધરતી અને દેશ પ્રત્યે ઘણો પ્રેમ હતો.
તેમણે ઘણી શાળાઓ ખોલી, રસ્તાઓ બનાવ્યા અને કૃષિ માટે કામ કર્યું. ગામડે ગામડે ફર્યા, લોકોને અભ્યાસ માટે તૈયાર કર્યા. પોતાનો વિકાસ કરવાની પ્રેરણા આપી અને સમજાવ્યું કે તમારામાં વિશ્વાસ રાખો, પ્રામાણિક બનો, સખત મહેનત કરો, લોકોને ટેકો આપો, નબળાઓને આગળ લાવો, નિરાધારોને ટેકો આપો અને આગળ વધો.
અફસોસની વાત છે કે સૈયદા અનવરા તૈમૂર જેવું વ્યક્તિત્વ આપણી વાતચીતમાંથી ગાયબ છે. આજે કોઈ કલ્પના પણ ન કરી શકે કે આસામે આ દેશને પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી આપ્યા હતા. હજી બે દિવસ પહેલાં જ એમનો જન્મદિવસ ગયો એ નિમિત્તે એમને રાષ્ટ્ર વતી, ખિરાજ-એ-અકીદત, વંદન અને શ્રદ્ધાંજલિ. તેમણે કરેલા કાર્યને, તેઓએ સ્થાપિત કરેલા દાખલાઓ અને તેમની ભાવનાને સલામ.
આગળ વાંચોઃ 2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ