સુરેન્દ્રનગરના વઢવાણમાં 8 પરિવારે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
ભંતે પથિક શ્રેષ્ઠીના સાન્નિધ્યમાં યોજાયેલા દિક્ષા કાર્યક્રમે બહુજનોમાં નવી આશા અને ઉર્જા જગાવી.
બહુજન સમાજ ધીમી પણ મક્કમ ગતિએ બૌદ્ધ ધર્મ તરફનો વળી રહ્યો છે. દર અઠવાડિયે રાજ્યના કોઈને કોઈ ખૂણે બૌદ્ધ દિક્ષાના કાર્યક્રમો યોજાતા રહે છે. 14મી એપ્રિલ અને 6ઠ્ઠી ડિસેમ્બરે તો સમગ્ર ભારતમાં સેંકડો લોકો જાતિવાદી હિંદુ ધર્મનો ત્યાગ કરીને મહાનાયક ડો. આંબેડકરના પગલે ચાલીને બૌદ્ધ દિક્ષા ગ્રહણ કરતા હોય છે. જો કે આ સિવાયના સમયગાળામાં પણ આ ક્રાંતિ સતત ચાલતી રહે છે.
આવો જ એક પ્રસંગ ગયા અઠવાડિયા સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક વઢવાણમાં યોજાઈ ગયો. અહીં એક સાથે 8 પરિવારોને બૌદ્ધ ધર્મની દિક્ષા ગ્રહણ કરી હતી.
6 ઓક્ટોબર 2024ના રોજ અમર બૌદ્ધ વિહાર વઢવાણ ખાતે યોજાયેલા આ દિક્ષા કાર્યક્રમમાં ભંતે પથિક શ્રેષ્ઠીએ ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમના સાન્નિધ્યમાં કપિલ શ્રેષ્ઠી, ધર્મેન્દ્ર સુમેસરા સહિત 8 બહુજન પરિવારોએ બંધારણીય બૌદ્ધ ધમ્મ દિક્ષા ગ્રહણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં આયુ. બોધિરાજ બૌદ્ધ (વ્યવસ્થાપક. સમતા બુદ્ધ વિહાર, બોટાદ) દ્વારા બાવીસ પ્રતિજ્ઞા સંઘાયાન આપવામાં આવી હતી. ત્યારબાદ પૂજ્ય. ભંતે પથિક શ્રેષ્ઠી દ્વારા ધમ્મ દેશના આપવામાં આવી હતી. દિક્ષાર્થીઓનું બોધિરાજ બૌદ્ધ દ્વારા બૌદ્ધ સંસ્કૃતિ ધ્વજ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. પૂજ્ય. ભંતે પથિક શ્રેષ્ઠી દ્વારા ધમ્મપદ આપીને બોધિરાજ બૌદ્ધ. વિઠ્ઠલભાઈ બોળીયા, કમલેશભાઈ જાદવ, મુકેશભાઈ મૌર્યનું સન્માન કરવામાં આવેલ. તમામ 8 પરિવારોએ ઉત્સાહપૂર્વક આ પ્રસંગમાં ભાગ લઈ નવજીવન પામ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમને લઈને બોધિરાજ બૌદ્ધે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ પરિવારોનું માનવું છે કે, વર્ણવ્યવસ્થા, મનુવાદ અને આભડછેટ સહિતની બદ્દીઓથી ખદબદતા હિંદુ ધર્મમાં પડ્યાં રહેવું તેનાથી ખરાબ સ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે. તેમને તથાગત ગૌતમ બુદ્ધનો કરુણાનો સંદેશ સ્પર્શી ગયો હતો. તેમને મહાનાયક ડો. ભીમરાવ આંબેડકરે બૌદ્ધ ધર્મ શા માટે અપનાવ્યો તેનો પણ અભ્યાસ કર્યો હતો. એ બધું જાણ્યાં-સમજ્યાં પછી તેમણે સ્વયંભૂ બૌદ્ધ દિક્ષા ગ્રહણ કરી છે. આગામી દિવસોમાં આ પરિવારોમાંથી પ્રેરણા લઈને બીજા પણ અનેક લોકો તથાગત ગૌતમ બુદ્ધ અને મહામાનવ આંબેડકરના રસ્તે ચાલી નીકળશે.
આ પણ વાંચો: બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Bhikhabhai muljibhai zalaNamo budhhay jay bhim