વર્ષ 2024માં લઘુમતીઓ વિરુદ્ધ હેટ સ્પીચમાં ૭૪ ટકાનો ઉછાળો નોંધાયો

આ તમામ ઉશ્કેરણીજનક ભાષણોમાં ૮૦ ટકા ભાજપ કે તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાંથી અપાયા હતાં. જેમાં પીએમ મોદીનું ભાષણ પણ સામેલ છે.

વર્ષ 2024માં લઘુમતીઓ વિરુદ્ધ હેટ સ્પીચમાં ૭૪ ટકાનો ઉછાળો નોંધાયો
image credit - Google images

અમેરિકા સ્થિત રિસર્ચ ગ્રુપ દ્વારા ભારતમાં અપાતા ઉશ્કેરણીજનક ભાષણો પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં દાવો કરાયો છે કે વર્ષ ૨૦૨૪માં ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ નફરતી ભાષણોમાં ૭૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગત વર્ષે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તે સમયે પણ આવા ભાષણો અપાતા હોવાની નોંધ આ રિસર્ચમાં લેવાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નફરતભર્યા ભાષણોની જે વ્યાખ્યા અપાઈ છે તેને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

ઇન્ડિયા હેટ લેબ દ્વારા કુલ ૧૧૬૫ નિવેદનો અને ભાષણોને રિસર્ચમાં આવરી લેવાયા હતાં જે વર્ષ ૨૦૨૪માં અપાયા હતાં. આ ભાષણો ઉશ્કેરણીજનક કે નફરતભર્યા હોવાનું કહીને ગ્રુપે તેની સરખામણી વર્ષ ૨૦૨૩માં અપાયેલા આવા જ ભાષણ સાથે કરી હતી. વર્ષ ૨૦૨૩માં ઉશ્કેરણીજનક ભાષણોની સંખ્યા ૬૬૮ હતી. એટલે કે એક જ વર્ષમાં ૭૪ ટકાનો વધારો થયો હતો. ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત વર્ષે લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધુ ઉશ્કેરણીજનક ભાષણો અપાયા છે જેમાં મુસ્લિમ સહિતના લઘુમતીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

આ રિપોર્ટ એવા સમયે સામે આવી રહ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જઈને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. અમેરિકન ગ્રુપે નફરતી ભાષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા એક ભાષણનો પણ સમાવેશ કર્યો હતો અને દાવો કરાયો છે કે, નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને ઘુસણખોરો કહ્યા હતાં. સાથે જ દાવો કરાયો છે કે, આ તમામ ઉશ્કેરણીજનક ભાષણોમાં ૮૦ ટકા ભાજપ કે તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાંથી અપાયા હતાં.

ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી હેટ સ્પીચ અંગેની વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. આ વ્યાખ્યા મુજબ હેટ સ્પીચ એટેલ, ‘એવું ભાષણ જેમાં ધર્મ, જાતિ, વંશના આધારે ભેદભાવભર્યા શબ્દોનો પ્રયોગ કરાતો હોય તેને ઉશ્કેરણી કે નફરતભર્યું ભાષણ માનવામાં આવે છે.’

આ પણ વાંચો: ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.