ધર્મ પરિવર્તન ચાલુ રહ્યું તો બહુમતી લઘુમતી થઈ જશેઃ અલ્હાબાદ હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટના એક જજે ધર્મ પરિવર્તન મામલે ચૂકાદો આપતા કહ્યું કે, જો આ જ રીતે ધર્મ પરિવર્તન ચાલું રહેશે તો બહુમતી લઘુમતી થઈ જશે.
ધર્મ પરિવર્તનના એક મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના એક જજે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો આ જ રીતે ધર્મ પરિવર્તન ચાલુ રહ્યું તો એક દિવસ બહુમતી સમાજ લઘુમતીમાં ફેરવાઈ જશે. તેમનો ઈશારો હિંદુ ધર્મમાંથી અન્ય ધર્મોમાં થતા પરિવર્તન મુદ્દે હતો.
અલ્હાબાદ હાઈકોર્ટે ધર્મ પરિવર્તનના કેસની સુનાવણી કરતી વખતે કહ્યું કે દેશમાં એસસી એસટી અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોનું મોટા પાયે ધર્માંતરણ થઈ રહ્યું છે. આને તાત્કાલિક બંધ કરવું જોઈએ. જો ધાર્મિક સભાઓમાં લોકોને પૈસાની લાલચ આપીને આ રીતે ધર્મ પરિવર્તન કરાવવાનું ચાલુ રહેશે તો એક દિવસ ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે.
જજે કહ્યું કે, દેશના નાગરિકોનું ધર્માંતરણ કરવા માગતી મીટિંગો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. કલમ ૨૫માં ધર્માંતરણની કોઈ જોગવાઈ નથી. આ સાથે જ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે ધર્મ પરિવર્તન કેસના આરોપી કૈલાશની જામીન અરજી ફગાવી દીધી હતી. વાસ્તવમાં ફરિયાદી રામકલીએ હમીરપુરના મૌદહાના રહેવાસી કૈલાશ વિરુદ્ધ તેના માનસિક રીતે બિમાર ભાઈનું ધર્મ પરિવર્તન કરવાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આરોપીએ જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટના ગુનામાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છેઃ બોમ્બે હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે હિંદુઓને ખ્રિસ્તી બનાવવાના આરોપી મૌદહા, હમીરપુરના કૈલાશની જામીન અરજી ફગાવી દીધી હતી. રામકલી પ્રજાપતિએ એફઆઈઆર નોંધાવતા કહ્યું હતું કે તેનો ભાઈ માનસિક રીતે બીમાર છે. આરોપી તેને એક અઠવાડિયા માટે દિલ્હી લઈ ગયો હતો. પરિવારજનોને તેણે કહ્યું હતું કે, સારવાર કરાવ્યા બાદ તેઓ તેમને ગામ પાછા મોકલી દેશે. પણ તેનો ભાઈ પાછો આવ્યો ન હતો. અને જ્યારે તે પાછો ફર્યો, ત્યારે તેણે ગામના અન્ય લોકો જેઓ દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ગયા હતા તેમની સાથે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો.
ફરિયાદીની દલિલો સાંભળ્યા બાદ અલ્હાબાદ હાઈકોર્ટે બંધારણનો ઉલ્લેખ કર્યો કરતા જણાવ્યું હતું કે બંધારણ કોઈપણ વ્યક્તિને સ્વેચ્છાએ ધર્મ પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ તે કોઈ પણ વ્યક્તિને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવાની મંજૂરી આપતું નથી. કોર્ટે કહ્યું કે કોઈના ધર્મનો પ્રચાર કરવાનો અર્થ એ નથી કે કોઈ અન્ય વ્યક્તિને પોતાનો ધર્મ અપનાવવા લલચાવવા. જો આ જ રીતે ધર્મ પરિવર્તન ચાલતું રહ્યું તો, એક દિવસ બહુમતી લઘુમતી બની જશે.
આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટ જાહેર સ્થળે થતા ગુનામાં જ લાગુ થશે અલ્હાબાદ હાઈકોર્ટ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
KishorbhaiGood