સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો અને દબાણોને તોડી પાડવા મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં
image credit - Google images

ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સોમનાથ ખાતે ગેરકાયદે બાંધકામ, દબાણો ઉપર હાથ ધરાયેલ બુલડોઝર એક્શન કેસમાં, આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન અરજદારની ધારદાર દલીલો છતાં સર્વોચ્ચ અદાલતે અરજદાર તરફે કોઈપણ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સરકારી જમીન છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, જમીનનો કબજો આગામી આદેશ સુધી સરકાર પાસે જ રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.

મુસ્લિમ પક્ષ વતી દલીલો રજૂ કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે, આ સંરક્ષિત સ્મારકો છે. કોઈપણ તૃતીય પક્ષના અધિકારો નથી. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે તૃતીય પક્ષના અધિકારો શું છે? આ સરકારી જમીન છે. હાઈકોર્ટ આ બાબતથી વાકેફ છે. સિબ્બલે કહ્યું કે આ તમારા આદેશનું અપમાન છે. સિબ્બલે કહ્યું કે તોડી પાડવાનું કારણ એ છે કે તે સ્મારકો અરબી સમુદ્રની નજીક છે અને જળાશયની તે નજીક હોઈ શકે નહીં. અહીં સંરક્ષિત સ્મારકો તોડી પાડવામાં આવ્યા હતા. શું તમે તમારા આદેશ છતાં તેની કલ્પના કરી શકો છો?

સિબ્બલની આ દલીલ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ત્યાં કોઈ સંરક્ષિત સ્મારક નથી. જસ્ટિસ ગવઈએ કહ્યું કે હાઈકોર્ટનો આ આદેશ ૨૦૧૫માં પસાર કરવામાં આવ્યો હતો. તમે જણાવેલ હેતુઓ માટે જ જમીનનો ઉપયોગ કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટે પણ યથાસ્થિતિ જાળવવા આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.

સોલિસિટર જનરલનું કહેવું છે કે આગળના આદેશ સુધી જમીનનો કબજો સરકાર પાસે રહેશે અને કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં અમને કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જરૂરી લાગતો નથી.

ઉલ્લેખનીય છે કે, ૨૮ સપ્ટેમ્બરના રોજ, ગીર સોમનાથ તંત્રે મુસ્લિમોના કેટલાક ધાર્મિક સ્થાનો, ઘરો અને કબરો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.  તેની સામે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પટની અરજી દાખલ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે બુલડોઝરની કાર્યવાહી રોકવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોટાપાયે ડિમોલિશનનું કામ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સમગ્ર પટણી મુસ્લિમ જમાતે વહીવટીતંત્રની કાર્યવાહી સામે અરજી કરી છે. અરજીમાં તેમણે સુપ્રીમ કોર્ટના ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના આદેશના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પ્રતિબંધ મૂકવા સુપ્રીમનો ઈનકાર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.