પ્રસિદ્ધ બંધારણ નિષ્ણાત અને લેખક એ.જી. નૂરાનીનું અવસાન

પ્રખ્યાત વકીલ, બંધારણના નિષ્ણાત અને છ દાયકા સુધી દેશમાં કાયદાકીય વિદ્વતામાં મહત્વનું યોગદાન આપનાર એ.જી. નૂરાનીનું 93 વર્ષની જૈફ વયે અવસાન થયું છે.

પ્રસિદ્ધ બંધારણ નિષ્ણાત અને લેખક એ.જી. નૂરાનીનું અવસાન
image credit - Google images

હિદાયત પરમાર

AG Noorani died: પ્રખ્યાત વકીલ, બંધારણના નિષ્ણાત અને છ દાયકાથી વધુ સમયથી ભારતમાં કાનૂની વિદ્વતા અને રાજકીય વિવરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પ્રસિદ્ધ લેખક એ.જી. નૂરાની(A.G. Noorani) હવે આપણી વચ્ચે નથી રહ્યા. નૂરાનીએ બંધારણીય અને માનવાધિકારના મુદ્દાઓ પરના તેમના સૂક્ષ્મ વિશ્લેષણ માટે વ્યાપકપણે માન મેળવ્યું હતું.

૧૯૩૦માં બોમ્બે (હવે મુંબઈ)માં જન્મેલા અબ્દુલ ગફૂર અબ્દુલ મજીદ નૂરાનીએ ૧૯૫૩માં બોમ્બે હાઈકોર્ટમાં વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. કાયદાની પ્રેક્ટિસ કરતા હોવા છતાં નૂરાનીએ તેમનો મોટાભાગનો સમય કાનૂની, રાજકીય અને ઐતિહાસિક વિષયો પર લખવામાં ફાળવ્યો હતો. તિક્ષ્ણ બુદ્ધિ અને બંધારણીય બાબતોની ઊંડી સમજે તેમને ભારતીય રાજકારણ અને ન્યાયશાસ્ત્રના સમયની માંગ મુજબના વિવેચક બનાવ્યા હતા.

નૂરાનીનું ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, હિન્દુસ્તાન ટાઇમ્સ અને ધ સ્ટેટ્સમેન જેવા અગ્રણી પ્રકાશનોમાં નિયમિત યોગદાન રહ્યું હતું. જો કે, ૧૯૮૦ના દાયકામાં શરૂ થયેલા 'ફ્રન્ટલાઈન' મેગેઝિન સાથેના તેમના જોડાણે તેમના લેખનને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડ્યું. તેમની કૉલમ "બંધારણીય પ્રશ્નો" ત્રણ દાયકાથી વધુ સમય સુધી ચાલી હતી અને તે કોલમ તેમના ઝીણવટભર્યા સંશોધન અને જટિલ કાનૂની મુદ્દાઓના સંતુલિત વિશ્લેષણ માટે જાણીતી હતી.

આ પણ વાંચો: મૌલાના આઝાદઃ  જેમણે દેશને IIT, IIS, UGC, સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ આપી

લેખક તરીકે, નૂરાનીએ ભારતીય બંધારણીય કાયદા, રાજકારણ અને ઇતિહાસના વિવિધ પાસાઓ પર એક ડઝનથી વધુ પુસ્તકો લખ્યા છે. તેમના કેટલાક નોંધપાત્ર કાર્યોમાં ધી કાશ્મીર ડિસ્પ્યુટ (૧૯૬૪), મિનિસ્ટર્સ મિસકન્ડક્ટ (૧૯૭૩), કોન્સ્ટિટ્યૂશનલ ક્વેશ્ચન્સ એન્ડ સીટીઝન્સ રાઈટ (બંધારણીય પ્રશ્નો અને નાગરિકોના અધિકારો) (૨૦૦૬), અને આરએસએસ: અ મેનેસ ટુ ઈન્ડિયા (૨૦૧૯) નો સમાવેશ થાય છે. તેમના લખાણોમાં ઘણીવાર સરકારી અતિરેક અને લોકશાહી ધોરણોના થઈ રહેલ ધોવાણની ટીકા કરવામાં આવતી.

નૂરાની નાગરિક સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાની મજબૂત હિમાયત માટે જાણીતા હતા. તેઓ એવા કાયદાઓના ટીકાકાર હતા જે અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેમની કાનૂની કુશળતાએ તેમને ન્યાયિક સુધારણા અને જવાબદારી પરની ચર્ચાઓમાં આગળ પડતો સન્માનનીય અવાજ બનાવ્યા હતા.

જો કે તેઓ ક્યારેય કોઈ સત્તાવાર હોદ્દો ધરાવતા ન હતા, તેમ છતાં કાનૂની અને રાજકીય વર્તુળોમાં નૂરાનીના મંતવ્યોનું વજન રહેતું. બંધારણીય બાબતો પર તેમની વારંવાર સલાહ લેવામાં આવતી હતી અને તેમના લખાણોને શૈક્ષણિક કાર્યો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં પણ ટાંકવામાં આવ્યા હતા.

નૂરાનીએ બંધારણીય વિદ્વતા અને રાજકીય ભાષ્યનો સમૃદ્ધ વારસો છોડ્યો છે. તેમને એક બૌદ્ધિક તરીકે હંમેશા યાદ કરવામાં આવશે, જેઓ તેમની લાંબી અને વિશિષ્ટ કારકિર્દી દરમિયાન લોકશાહી અને બંધારણવાદના સિદ્ધાંતોના સમર્થક રહ્યા હતા.
પ્રગતિશીલ અને ઉદાર વર્તુળોમાં આદર અને સન્માન મેળવનાર હોવા છતાં, નૂરાનીના ટીકાકારોની પણ કમી ન હતી. કેટલાકને લાગતું કે તેમના મંતવ્યો ખૂબ આદર્શવાદી હતા અથવા બદલાતી રાજકીય વાસ્તવિકતાઓ સાથે જૂના  થઈ ગયા હતા. તેમ છતાં, બંધારણીય મૂલ્યો અને કઠોર વિશ્લેષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ તેમને રાજકીય વર્તુળોમાં આદર મેળવ્યો.

(લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર અને સ્વતંત્ર પત્રકાર છે.)

આ પણ વાંચો: બિના પસીને કી ફસલ યા કવિતા બેમાની હૈ...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.