તાજમહેલને ઈતિહાસ ગણીએ તો તેના શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં છે?

ભારત સહિત અનેક દેશોમાં ઈતિહાસના પાઠ્યપુસ્તકોમાં રાજકારણીઓ મનઘડંત ફેરફારો કરી રહ્યાં છે, ત્યારે વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં કેટલાક પાયાના સવાલો ઉઠાવે છે.

તાજમહેલને ઈતિહાસ ગણીએ તો તેના શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં છે?
image credit - Google images

ચંદુ મહેરિયા

ઈતિહાસ આમ તો લિબરલ આર્ટ્સનો વિષય છે પરંતુ કોઈપણ દેશકાળના રાજનેતાઓની અડફેટે તે ચડતો રહે છે અને પોલિટિકલ બની જાય છે. આપણા દેશના રાજનેતાઓ ઈતિહાસને તોડી મરોડીને ભણાવાય તેના ખેલ કરવામાં પહેલાં કે અપવારૂપ નથી. દુનિયાના ઘણાં દેશોમાં ઈતિહાસના પાઠ્યપુસ્તકો અને પાઠ્યક્રમમાં રાજકર્તાઓની મરજી મુજબના ફેરફારો કરવામાં આવે છે. શાળાકીય શિક્ષણમાં ઈતિહાસ એક મહત્વનો વિષય છે પરંતુ બાળકો-કિશોરોને ભણાવાતા ઈતિહાસમાંથી રાજનેતાઓની રાજકીય વિચારધારા, સમજ કે ઈચ્છા મુજબ વિલોપન થતા રહે છે. ઈતિહાસમાં ભૂતકાળની ઘટનાઓનું સાધાર આલેખન થતું હોય છે. જોકે કોઈનેય પોતાનો કલંકિત ભૂતકાળ મિન્સ ઈતિહાસ ગમતો નથી. સાચો-ખોટો ગૌરવાન્વિત ઈતિહાસ જ ગમે છે અને તે જ બીજાઓને કહેવો છે.

વિશ્વયુધ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા નગર પર અણુબોમ્બ ફેંકી વિનાશ વેર્યો હતો. જેની અસર હજુ ગઈ નથી. પણ અમેરિકાના ઈતિહાસમાંથી આ બાબતની હંમેશા બાદબાકી કરવામાં આવે છે. બ્રિટિશ સામ્રાજ્યનો ઈતિહાસ આક્રમક, વિસ્તારવાદી અને રંગભેદનો છે. જેણે વિશ્વના ઘણાં દેશોમાં અન્યાય, અત્યાચાર, યુધ્ધ અપરાધ અને હિંસા આચરી હતી. બ્રિટિશ બાળકોને બ્રિટિશ સામાજ્યનો આ ઈતિહાસ ભણાવાતો નથી. બ્રિટનના પાઠ્યપુસ્તકોમાં ગાંધીજીનું આલેખન હંમેશા પડકારજનક અને કસોટી કરનારું રહ્યું છે. પાકિસ્તાનના શાળાકીય અભ્યાસક્રમના ઈતિહાસના પુસ્તકોમાં પાકિસ્તાનના ઈતિહાસનો આરંભ આઠમી સદીથી જ થાય છે.

શાસકો પાકિસ્તાનનો ઈતિહાસ આઠમી સદીમાં મોહંમદ બિન કાસિમે સિંધ પર આક્રમણ કર્યું, તે જીત્યું અને તેનો શાસક બન્યો તેનાથી કરવામાં ગૌરવ સમજે છે. પાકિસ્તાનના વિદ્યાર્થીઓને જે ઈતિહાસ ભણાવાય છે તેમાં હિંદુ રાજાઓ અને હિંદુઓને એ હદે ખરાબ દર્શાવ્યા છે કે નાનપણથી જ બાળકોના મનમાં નફરતના બીજ રોપાય છે. રાજકારણીઓને આધાર-પુરાવા વિનાના પણ લોકો વાહવાહી કરે અને તેનું ખરું-ખોટું ગૌરવ લેતા ફરે તેવો જ ઈતિહાસ ભણાવવો છે. આમ કરવા પાછળ તેમની રાજકીય ગણતરીઓ હોય છે. બાળ કે કિશોર વયે વિદ્યાર્થીઓ જો આ પ્રકારનો ઈતિહાસ ભણે તો મોટપણે નાગરિક કે મતદાતા તરીકે રાજકર્તાઓની રાજકીય વિચારધારાને અનુરૂપ વર્તે છે.

આ પણ વાંચો: મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?

ભારતમાં પણ ૨૦૧૪થી એનસીઈઆરટી(NCERT)ના ઈતિહાસના પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકોમાં થતી બાદબાકી અને ઉમેરણ રાજકીય હોવાનો વિવાદ થતો રહ્યો છે. એ વિવાદમાં કેટલું તથ્ય છે તેની ચર્ચા ઘડીભર બાજુએ રાખીને ભણતરનો ભાર ઓછો કરવાના બહાને આપણે વિદ્યાર્થીઓને કઈ કઈ ઐતિહાસિક બાબતોથી અજાણ રાખવા માંગીએ છીએ તે જાણીએ તો આંચકો લાગે છે. લીલા ભેગુ સૂકું બળતું હશે કે ચોક્કસ ગણતરીસર હશે પણ ગયા વરસે એનસીઈઆરટીએ વિદ્યાર્થીઓ પરનો બોજો ઘટાડવા ઈતિહાસના પાઠ્યપુસ્તકમાંથી ઔદ્યોગિક ક્રાંતિ ભણાવવી રદ કરી હતી. છેલ્લી પચાસીના મહત્વના જનઆંદોલનોમાં દલિત પેન્થર(Dalit Panthar), ચિપકો આંદોલન(Chipko Movement), માહિતી અધિકાર આંદોલન(RTI) અને નર્મદા બચાવ આંદોલન(Narmada Andolan)ને પણ પાઠવટો મળ્યો હતો.

ઈતિહાસ વિજેતાઓનો, વિજેતાઓ દ્વારા અને વિજેતાઓની નજરે લખાતો હોવાની છાપ છે. પરંતુ એમ કરવા જતાં તેમના પરાજયો પર સાવ જ ઢાંકપિછોડો કરવાનો? ઈતિહાસનો એક અર્થ હિંદીમાં  સાહિત્ય સંદર્ભે છે. તેનો અર્થ એ નહીં કે કવિતાઓ અને કિવદંતિઓ પરથી ઈતિહાસ લખવો. આ પ્રકારનું ઈતિહાસ લેખન મિથકોનું જાણે કે ઈતિહાસમાં રૂપાંતર કરે છે. આપણે આપણા પૂર્વજો અતીતમાં શું હતા તેનો ઈતિહાસ જાણવા, સમજવા, લખાવવાના બદલે આપણો ઈતિહાસ શું હોવો જોઈએ તે દ્રષ્ટિથી ઈતિહાસને જોઈએ છીએ.

સ્વતંત્રતા પછી ભારતમાં ઈતિહાસને તર્કસંગત, સાધાર અને વૈજ્ઞાનિક બનાવવાના ગંભીર પ્રયાસો થયા છે. જાણીતા ઈતિહાસકારો પાસેથી શાળા શિક્ષણના પુસ્તકો લખાવવામાં આવ્યા છે. પરંતુ હવે તેમાં રાજકીય વિચારધારાને અનુલક્ષીને ફેરફારો થઈ રહ્યા છે. ઘણાં ઈતિહાસકારો આ છેડછાડ અંગે અસંમત અને નારાજ છે પણ રાજનેતાઓ સામે લાચાર છે. એટલે વિદ્યાર્થીઓ પર બોજ ઘટાડવાના કારણ હેઠળ ઈતિહાસમાંથી અમુક પસંદગીની બાબતો રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ખેલદિલીનાં રમત મેદાનો કે ભેદભાવનાં ભારખાનાં?

રાજા-મહારાજાઓ, તેમના જયપરાજય અને સાલવારી એટલે ઈતિહાસ એવી વ્યાપક અને ઘણી સાચી છાપ છે. ઈતિહાસમાં સબાલ્ટન હિસ્ટ્રીના પ્રવેશ પછી લોકોનો પ્રવેશ થયો છે. હવે રાજાઓ, નવાબો, અમીરો, રાણીઓ, યુધ્ધો, રાજદરબારો અને સાહ્યબીનો નહીં પણ જનસામાન્યના સુખ-દુખ ઈતિહાસનો ભાગ બન્યા છે કે જે વાસ્તવિક ઈતિહાસ છે.

ઈતિહાસને જોવાના, આલેખવાના અને મૂલવવાના કાટલાં પણ અગત્યના છે. જેવી દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ તેવો ઈતિહાસ. કાળનું મનહૂસ અને ભવ્ય ચિત્રપટ એ જો ઈતિહાસ છે તો માનવતા, કોમીસોહાર્દ, લોકો વચ્ચેનો આપસી ભાઈચારો ઈતિહાસનો ભાગ બનવો જોઈએ. રાજાની સાથે રૈયતનો ઈતિહાસ જો ન લખાય તો તે અપૂર્ણ ઈતિહાસ ગણાવો જોઈએ. આપણે શાહજહાં-મુમતાઝના પ્રેમના પ્રતીક એવા તાજમહેલને ઈતિહાસ ગણીએ તો આ સંગેમરમરનો જાદુ સર્જનારા અનેક કારીગરો અને શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં?  તેવો સવાલ ઉઠવો જોઈએ. 

ઐતિહાસિક પાત્રો અને ઘટનાઓનો ઈતિહાસ તેમાં રહેલા વિરોધાભાસો સાથે આલેખાવો જોઈએ. નમૂના દાખલ ઈંગ્લેન્ડને ફાસીવાદથી બચાવનાર ચર્ચિલે ભારતમાં બ્રિટિશ રાજવટ હેઠળના બંગાળના લોકોને દુકાળમાં મરવા દીધા હતા કે મારી નાંખ્યા હતા. સ્વતંત્રતાના રક્ષકનો દાવો કરનાર અમેરિકા મધ્યપૂર્વના દેશોના શાસકોની તાનાશાહીનું સમર્થક છે અને આ એવા શાસકો છે જે ધાર્મિક કટ્ટર છે, ઉદારવાદનો તેમનામાં છાંટો પણ નથી અને મહિલા અધિકારોના વિરોધી છે. ગાંધીજી(Gandhiji) ધાર્મિક સહિષ્ણુતા અને સમાનતાના સમર્થક હતા તેનો કોઈ ઈન્કાર કરી શકે નહીં પણ તેમના દલિત અધિકારો માટે લડનારા ડો. આંબેડકર(Dr. Ambedkar) સાથેના મતભેદો અને  વિવાદો કે તેમના ખિલાફતને સમર્થનના વિરોધાભાસ વિના ગાંધીજીનું ઈતિહાસમાં આલેખન પૂર્ણ હોઈ શકે નહીં. ઈતિહાસના પુસ્તકોમાં વર્ણવ્યવસ્થા કે જ્ઞાતિ પ્રથાના આલેખનમાં જ્ઞાતિગત ક્રૂરતા અને સંસાધનો પર કોઈ એક જ જ્ઞાતિના આધિપત્ય અંગેના કુતર્ક ભણાવવામાં આવે છે. જ્ઞાતિવ્યવસ્થાનો પક્ષપાતપૂર્ણ ઈતિહાસ વિધ્યાર્થીઓને જ્ઞાતિગત ભેદભાવોથી મુક્ત રાખે તે રીતે લખાતો નથી.

ઈતિહાસનું જીવનમાં ખૂબ મહત્વ છે. ભૂતકાળની ઘટનાઓમાંથી સબક મેળવીને વર્તમાન અને ભવિષ્યને ઘડવાનું છે. શાળા કોલેજોના અભ્યાસક્રમ હેઠળ ભણાવવામાં આવતો ઈતિહાસ એકાંગી ન હોવો જોઈએ. પાઠ્યપુસ્તકો તો સરકારનો સત્તાવાર સરકારી દસ્તાવેજ છે. તે ભેદભાવથી મુક્ત અને સરકારની સત્તા-શક્તિથી પર હોય તેવો ઈતિહાસ જો નહીં ભણાવાય તો વિધ્યાર્થીઓના મનમસ્તિષ્ક પર ભૂતકાળની ખોટી છાપ છોડશે.

maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Arvind Dabhi
    Arvind Dabhi
    आपका ये चेनल ये सोशल मिङीया से जो हमे बोहत सारा ज्ञान ऐव जो वर्तमान की खबरे देकर सोये हु समाज को जगाने का काम कर रहे हो वो वंदनीय है आपकी महेनत को सेलुयट करता हु।
    7 months ago