Pa. Ranjithની બોલીવૂડમાં એન્ટ્રી, Birsa Munda પર ફિલ્મ બનાવશે
આંબેડકરવાદી ફિલ્મ ડિરેક્ટર પા. રંજિથે બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારી કરી લીધી છે. તેમની ફિલ્મ બહુજન મહાનાયક બિરસા મુંડા પર હશે. વાંચો આ રિપોર્ટ.
Birsa Munda Film Pa. Ranjith: આંબેડકરવાદી ફિલ્મ નિર્દેશક પા. રંજિથ(Pa. Ranjith) હાલ તેમની સુપરહિટ ફિલ્મ થંગાલન(Thangalaan)ની સફળતાની મજા માણી રહ્યાં છે. હવે રંજિથે તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે તેમની આગામી ફિલ્મ બહુજન મહાનાયક બિરસા મુંડા(Birsa Munda) પર હશે. આ ફિલ્મ તેઓ પહેલીવાર હિંદીમાં બનાવવા જઈ રહ્યાં છે. એ રીતે કબાલી(Kabali), કાલા(Kaala) અને સરપટ્ટા પરમ્બરાઈ(sarpatta parambarai) જેવી પ્રખ્યાત ફિલ્મોના ડિરેક્ટર પા. રંજીત બિરસા મુંડાથી બોલીવૂડમાં ડેબ્યૂ કરશે.
રંજિથ છેલ્લાં ઘણાં વર્ષોથી તેમની પ્રથમ હિન્દી ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા. વચ્ચે આ પ્રોજેક્ટ થોડો વિલંબમાં મૂકાયો હતો પરંતુ હવે ફરીથી તે હાથ પર લેવામાં આવ્યો છે. આ ફિલ્મ ભારતીય સ્વતંત્રતાસેનાની અને સમસ્ત બહુજન સમાજના હીરો બિરસા મુંડા પર આધારિત હશે. જોકે, પા. રંજિથે હજુ સુધી ફિલ્મનો પ્લોટ કે તેને લગતી કોઈ માહિતી આપી નથી. પણ જે રીતે તેઓ આંબેડકરવાદી વિચારધારા અને બહુજન સમાજના મુદ્દાઓ આધારિત ફિલ્મો માટે જાણીતા છે, તે જોતા તેમની પહેલી બોલીવૂડ ફિલ્મ "બિરસા મુંડા" પણ મજબૂતીથી બહુજન સમાજની સંસ્કૃતિ, ત્યાગ, બલિદાન અને સ્વાભિમાનને દર્શાવશે તે નક્કી છે.
પા. રંજીતે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં એ વાતની પુષ્ટિ કરી છે કે તેની આગામી ફિલ્મનું નામ 'બિરસા મુંડા' છે અને તેની સ્ક્રિપ્ટ તેઓ તેમના મિત્ર સાથે મળીને લખી રહ્યાં છે. સ્ક્રીપ્ટ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હાલ ફિલ્મના કલાકારોની પસંદગી કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં તેને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સૂત્રોના મતે આ ફિલ્મ માટે અક્ષય કુમાર(Akshay Kumar) અને રણવીર સિંહ(Ranveer Singh)ના નામની ચર્ચા થઈ રહી છે.
પા. રંજિથ માટે આ ફિલ્મ ખૂબ મહત્વની છે, કેમ કે, તેઓ તેના પર છેક 2019થી મહાનાયક બિરસા મુંડાની બાયોપિક પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ તેમનો પહેલો બિન-તમિલ પ્રોજેક્ટ માનવામાં આવે છે. ફિલ્મનું નિર્માણ નમહ પિક્ચર્સ(namah pictures) દ્વારા કરવામાં આવનાર હતું, જેણે 2018માં ઈરાની ફિલ્મ નિર્માતા માજિદ મજીદી(majid majidi)ની બિયોન્ડ ધ ક્લાઉડ્સ(beyond the clouds)નું સહ-નિર્માણ કર્યું હતું.
આ પણ વાંચો: પા. રંજિથની ફિલ્મ Thangalaan ને ગુજરાતમાં કેમ રિલીઝ થવા દેવાતી નથી?
2019 માં પ્રોડક્શન શરૂ કરવાની યોજના હોવા છતાં, પ્રોજેક્ટ થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યો હતો, જે પછી રંજીથે સરાપટ્ટા પરમબરાઈની સ્ક્રિપ્ટ લખી અને તેનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ પણ ધમાકેદાર સફળતાને વરી હતી. એ પછી તેમણે થંગાલાનનું કામ હાથ પર લીધું હતું અને તે હાલ દુનિયાભરમાં સફળતા મેળવી રહી છે. એ પછી હવે રંજિથે ફરી બિરસા મુંડાની બાયોપિક પરની તેમની બોલીવૂડ ડેબ્યૂ ફિલ્મ પર ફોકસ કર્યું છે, જેમાં તેઓ આદિવાસી મહાનાયકની શૌર્ય કથાને સિનેમાના પડદા પર જીવંત કરશે. રંજિથ તેમની ફિલ્મોમાં બહુજન મહાનાયકોની લાર્જર ધેન લાઈફ છબિને રજૂ કરવા માટે જાણીતા છે ત્યારે બહુજન મહાનાયક બિરસા મુંડાને તેઓ કેવી રીતે રૂપેરી પડદે રજૂ કરે છે તેને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે.
પા રંજિથની આ ફિલ્મ બિરસા મુંડાના જીવન અને સંઘર્ષને દર્શાવશે, જેમણે આદિવાસી સમાજના અધિકારો માટે અંગ્રેજો સામે લડત લડી હતી. તેમના નેતૃત્વમાં થયેલા મુંડા વિદ્રોહ અથવા ઉલગુલાનને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું એક મહત્વપૂર્ણ પ્રકરણ માનવામાં આવે છે.
હાલ પા રંજીથની સાઉથ સુપરસ્ટાર ચિયાન વિક્રમ(chiyaan vikram) અને માલવિકા મોહનન(malavika mohanan) અભિનીત ઐતિહાસિક ફિલ્મ 'થંગાલન'(thangalaan) 15 ઓગસ્ટના રોજ રીલિઝ થયા બાદ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં વ્યાપક પ્રશંસા અને બોક્સ ઓફિસ સફળતા મેળવી છે. આ ફિલ્મને તેના બહુજન સમાજ આધારિત વિષયને કારણે હિન્દી બેલ્ટ અને ગુજરાતમાં રિલીઝ થવા દેવાઈ નથી. આવું અગાઉ પણ બની ચૂક્યું છે અને તેમાં હવે કોઈને નવાઈ નથી લાગતી. કેમ કે રંજિથની ફિલ્મોના ચાહકો ગમે તેમ કરીને પણ તેમની ફિલ્મ જોઈ લેતા હોય છે.
કોણ હતા બિરસા મુંડા?
બિરસા મુંડા એક આદિવાસી સ્વાતંત્ર્યસેનાની, ધાર્મિક નેતા અને છોટાનાગપુર ઉચ્ચપ્રદેશના મુંડા જાતિના લોક નાયક હતા. 19મી સદીમાં, બિરસા મુંડાએ બંગાળ પ્રેસિડેન્સી (હાલના ઝારખંડ)માં આદિવાસી ધાર્મિક સહસ્ત્રાબ્દી ચળવળ શરૂ કરી.
બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર, 1875ના રોજ ઝારખંડના ખુંટી જિલ્લાના ઉલિહાટુ ગામમાં થયો હતો. તેઓ માત્ર ભારતીય સ્વતંત્રતા સંગ્રામના લડવૈયા અને આદિવાસી નેતા ન હતા, પરંતુ એક ધાર્મિક સુધારક પણ હતા.
આ પણ વાંચો: ટુ કિલ અ ટાઈગર- એક હચમચાવી નાખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ
જ્યારે બ્રિટિશ સરકારે છોટાનાગપુરમાં જમીનદારી જેવી નવી જમીન અધિગ્રહણ પ્રથા દાખલ કરી અને સમગ્ર આદિવાસી સમાજને જમીનનો માલિકી હક આપ્યો હતો તે હાલની આદિવાસી પ્રથા 'ખુંટકટ્ટી'ને બદલી નાખી ત્યારે તેની આદિવાસીઓના જીવન અને કામકાજ પર ઊંડી અસર પડી હતી. આ નવી પ્રથાને કારણે બહારના લોકો જેમ કે શાહુકારો, જમીનદારો અને વેપારીઓએ આદિવાસીઓની જમીનો પર કબજો કર્યો અને આદિવાસીઓને જમીન માલિકોમાંથી ભૂમિહીન ખેતમજૂરો બનાવી દીધા હતા. નવા જમીનદારોએ બંધુઆ મજૂરી અને પરાણે મજૂરી પ્રથા દાખલ કરી હતી. એટલું જ નહીં ઘણીવાર આદિવાસીઓને પુરતા વેતન વિના પ્રતિકૂળ પરિસ્થિતિમાં કામ કરવા મજબૂર કર્યા. આ સિવાય જો મુંડા આદિવાસીઓ કોઈ જમીન પર ખેતી કરે, તો જમીનદારો તેમની પાસેથી ઊંચી રકમ વસૂલતા હતા. એ રીતે તેઓ વ્યાજના વિષચક્રમાં ફસાતા જતા હતા.
મુંડા વિદ્રોહ જેને 'ઉલ્ગુલાન' અથવા 'મહાન ઉથલપાથલ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આ જમીન અતિક્રમણ અને બળજબરીથી ધર્મપરિવર્તનની પ્રથાઓ સામેની પ્રતિક્રિયા તરીકે ઉભરી આવ્યો હતો. બિરસાએ 1894થી મુંડા આદિવાસીઓને "દીકુ" કહેવાતા સંસ્થાનવાદીઓ અને બહારના લોકો સામે સંગઠિત કરવાનું શરૂ કર્યું હતું અને 1895માં સ્વતંત્ર 'મુંડા રાજ'ની સ્થાપના કરી હતી. તેમણે સફેદ ધ્વજ પણ અપનાવ્યો અને તેને સ્વતંત્ર મુંડા રાજનું પ્રતીક જાહેર કર્યું. આ જૂથના બળવાખોરોએ ગેરિલા યુદ્ધની રણનીતિ અપનાવી અને ચર્ચો, પોલીસ સ્ટેશનો અને બ્રિટિશ શાસનના અન્ય પ્રતીકો પર સશસ્ત્ર હુમલાઓ કર્યા હતા.
બિરસા મુંડાએ સંગઠનાત્મક અને વક્તૃત્વ કુશળતાથી છોટાનાગપુર, બંગાળ અને ઓડિશાના જંગલોના વિવિધ આદિવાસી સમાજોને એક કર્યા અને ખારિયા, ઓરાઓન સમુદાયોને અંગ્રેજો સામે એક મંચ પર લાવ્યા. જો કે, માર્ચ 1900માં જ્યારે બિરસા અને તેમના સાથીઓ જંગલમાં સૂતા હતા ત્યારે બ્રિટિશ સેનાએ તેમની ધરપકડ કરી હતી. તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને થોડા મહિનાઓ પછી કોલેરાથી તેનું મૃત્યુ થયું.
તેમના મૃત્યુથી આદિવાસી આંદોલનને મોટો ફટકો પડ્યો અને અંગ્રેજોએ નિયમિત વળતા હુમલાઓ દ્વારા તેને દબાવી દીધું. ઘણા બળવાખોરોની ધરપકડ કરવામાં આવી, અનેકને કેદ કરવામાં આવ્યા કે ફાંસી આપી દેવામાં આવી હતી, જેના કારણે ઓગણીસમી સદીના મધ્ય સુધીમાં બળવો સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. જો કે, બળવો દબાવવામાં આવ્યો હોવા છતાં, તેણે અન્યાય સામે લડવાની અને અત્યાચારનો સામનો કરવાની આદિવાસીઓની તાકાતને ઉજાગર કરી હતી. એટલે જ આદિવાસી આંદોલનમાં આજે પણ બિરમા મુંડાને માત્ર મહાનાયક નહીં પરંતુ ભગવાન તરીકે પૂજવામાં આવે છે. એવામાં પા. રંજિથ જેવા આંબેડકરવાદી ફિલ્મ ડિરેક્ટર જ તેમને યોગ્ય અંજલિ આપી શકે તેમ છે તે સ્વીકારવું રહ્યું.
આ પણ વાંચો: કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?