સ્ટેજ પર મરઘી કાપી, પછી લોહી પીધું, ગાયક સામે કેસ નોંધાયો
લાઈવ સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન ગાયકે સ્ટેજ પર આ કૃત્ય કરતા હોબાળો મચી ગયો. કાર્યક્રમમાં હાજર અનેક લોકોને કંપારી છુટી ગઈ. પોલીસે કેસ નોંધ્યો.
નોનવેજનો શોખીન માણસ પણ તેની નજર સામે જ્યારે કોઈ મરઘી કે અન્ય જાનવરને કાપવામાં આવે તો એક ક્ષણ માટે ચોક્કસ કમકમાટી અનુભવતો હોય છે. તો વિચારો, કોઈ ગાયક કલાકાર અચાનક સ્ટેજ પર મરઘી મગાવે અને તેનું ગળું કાપીને સ્ટેજ પર જ તેનું લોહી ચૂસવા માંડે તો શું હાલત થાય? આવું ખરેખર બન્યું છે.
મામલો અરૂણાચલ પ્રદેશના પાટનગર ઇટાનગરનો છે. અહીં એક કોન્સર્ટ દરમિયાન, કોન વાય સોન નામના સ્થાનિક કલાકારે સ્ટેજ પર જાહેરમાં એક મરઘીની કતલ કરી અને પછી તેનું લોહી નિચોવીને પી લીધું. આ અંગેની ફરિયાદ પોલીસમાં પહોંચતા ગુનો નોંધાયો હતો.
સંગીતકાર કોન વાય સોન અરુણાચલ પ્રદેશના પૂર્વી કામેંગ જિલ્લાના સેપ્પાનો રહેવાસી છે અને તેના ગીતોને કારણે તે રાજ્યમાં ખૂબ પ્રખ્યાત છે. સોન પોતાના ગીતો પોતે જ લખે છે અને તેનું સંગીત પણ કંપોઝ કરે છે. સ્થાનિક ભાષાના ગાયક સોનની અરુણાચલ પ્રદેશના યુવાનોમાં સારી ફેન ફોલોઈંગ છે.
27 ઓક્ટોબરના રોજ તેના એક લાઇવ સ્ટેજ શો દરમિયાન સોને સ્ટેજ પર એક મરઘીનું ગળું કાપી નાખ્યું અને તેને નિચોવીને લોહી પીવાનું શરૂ કર્યું. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો, ત્યારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ હેઠળ કેસ નોંધ્યો. જોકે ગાયકે આ ઘટના માટે માફી માંગી છે અને કહ્યું કે સ્ટેજ પર જે થયું તે નહોતું થવું જોઈએ, જો તેનાથી કોઈને દુઃખ થયું હોય તો હું તેના માટે માફી માંગુ છું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ વિશ્વભરમાં પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) ઈન્ડિયાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆર દાખલ કર્યા પછી PETA ઈન્ડિયાએ માંગ કરી હતી કે સિંગર સોનની માનસિક તપાસ થવી જોઈએ, સ્ટેજ પર તેમણે જે કર્યું તે તેમની ઉંડી મનોવૈજ્ઞાનિક અસ્વસ્થતા દર્શાવે છે. પ્રાણીઓની સુરક્ષા માટે કામ કરતી સંસ્થા PETAએ અગાઉ પણ ભારત સરકારને લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા માટે સજા વધારવાની અને આકરી સજા આપવાની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: એક ચમાર ગાયક, જેના ગીતો પર આખું પંજાબ ઝૂમી ઉઠતું હતું