એક ચમાર ગાયક, જેના ગીતો પર આખું પંજાબ ઝૂમી ઉઠતું હતું

પંજાબના એલવિસ પ્રેસ્લી કહેવાતા ગાયક અમર સિંહ ચમકીલા પર ઈમ્તિયાઝ અલી દિલજીત દોસાંજ અને પરિણીતિ ચોપડા સાથે ફિલ્મ લઈને આવ્યા છે, જે પંજાબના એ સુપરસ્ટાર ચમાર ગાયકની કથા રજૂ કરે છે જેની જાહેરમાં હત્યા થયેલી.

એક ચમાર ગાયક, જેના ગીતો પર આખું પંજાબ ઝૂમી ઉઠતું હતું
all image credit - Google images

અમરસિંહ ચમકીલા- આજકાલ ફિલ્મરસિયાઓમાં આ નામ સતત ચર્ચાઈ રહ્યું છે. રોકસ્ટાર, જબ વી મેટ, હાઈવે અને જબ હેરી મેટ સેજલ જેવી બોલીવૂડની સૌથી ચર્ચિત ફિલ્મોના ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી તેમની આગામી ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ને લઈને ચર્ચામાં છે. બોલીવૂડના સૌથી જાણીતા ગીતકાર ઈર્શાદ કામિલ અને સંગીતકાર એ.આર. રહમાને પણ ફિલ્મમાં તેમનો જાદુ પાથર્યો છે. સીધી વાત છે કે, ઈમ્તિયાઝ અલી, ઈર્શાદ કામિલ અને રહમાન જે પ્રોજેક્ટ હાથમાં લે તે રસપ્રદ જ હોવાનો. લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. ફિલ્મ નેટફ્લિક્સ પર 12 એપ્રિલે રિલીઝ થવાની છે, જેમાં પંજાબના સૌથી જાણીતા ગાયક અમર સિંહ ચમકીલાની કહાનીને રૂપેરી પડદે દર્શાવવામાં આવી છે. પંજાબી ગાયક દિલજીત દોસાંજ ચમકીલાનો રોલ કરી રહ્યાં છે અને પરિણીતિ ચોપડા તેમની પત્ની અમરજોતના રોલમાં જોવા મળશે. સવાલ એ થાય કે અમરસિંહ ચમકીલા કોણ હતા, શા માટે ઈમ્તિયાઝ અલી જેવા મોટા ગજાના સર્જકને તેમની કહાની રસ પડ્યો અને બહુજન સમાજને તેમની સાથે શું લેવાદેવા છે? ચાલો આ તમામ સવાલોના જવાબ મેળવીએ.

કોણ હતા અમર સિંહ ચમકીલા?
અમર સિંહ ચમકીલા પંજાબના સૌથી મોંઘા ગાયક હતા. દલિતોની ચમાર જાતિમાંથી આવતા અમરસિંહ ચમકીલાની 8 માર્ચ 1988ના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. પંજાબના ઓરિજિનલ રોકસ્ટાર કહેવાતા અમર સિંહ ચમકીલાની લાઈફ કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. નાની ઉંમરમાં પ્રસિદ્ધિની ટોચ પર પહોંચ્યા બાદ અચાનક તેમની હત્યાએ તેમના લાખો ચાહકોને હચમચાવી નાખ્યા હતા. અમર સિંહ ચમકીલાની આ જ કહાનીને ઈમ્તિયાઝ અલી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર લઈને આવ્યા છે. 30 માર્ચ 2024ના રોજ આ ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થવાની છે.

ચમકીલાનો જન્મ 1960માં પંજાબમાં થયો હતો, પણ માત્ર 27 વર્ષની ઉંમરે તેઓ દુનિયાને અલવિદા કહી ગયા હતા. 8 માર્ચ 1988ના રોજ કેટલાક અજાણ્યા હુમલાખોરોએ જ્યારે તેઓ એક સ્ટેજ શો માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. એ વખતે તેમની સાથે તેમની પત્ની અમરજોત અને બેન્ડના બે લોકો પણ હતા તેમની પણ હત્યા કરી દેવામાં આવી હતી. અમર સિંહ ચમકીલા પંજાબના મેહસમપુરમાં પર્ફોર્મન્સ માટે જઈ રહ્યા હતા ત્યારે બપોરના 2 વાગ્યા આસપાસ પોતાની ગાડીમાં રવાના થયા હતા. પરંતુ ગાડી બહાર નીકળતા જ તેમના પર અંધાધૂંધ ગોળીઓ વરસાવવામાં આવી, જેમાં તેમનું મોત થઈ ગયું. આજકાલ કરતા આ ઘટનાને 36 વર્ષ વીતી ગયા છે, છતાં હત્યારાઓની કોઈ ભાળ મળી નથી કે નથી તેમના મોતનું રહસ્ય ઉકેલાયું. કહેવાય છે કે, આ એક મોટું ષડયંત્ર હતું એક ચમાર કોમ્યુનિટીના પ્રસિદ્ધિની ટોચ પર પહોંચી ગયેલા ગાયકને કાયમ માટે શાંત કરી દેવાનું.

આ ગીતોથી મળી હતી સફળતા
અમર સિંહ ચમકીલાના આમ તો બધાં જ ગીતો ફેમસ હતા, પણ તેમના સૌથી લોકપ્રિય ગીતોમાં ‘લલકારે નાલ’, ત્યારબાદ ભક્તિગીત ‘બાબા તેરા નનકાના’ અને ‘તલવારમેં કલગીઘર દી’ સામેલ છે. તેમણે લોકપ્રિય ગીત ‘જટ દી દુશ્મની’ લખ્યું હતું, જેને અનેક પંજાબી કલાકારોએ રેકોર્ડ કર્યું છે. ચમકીલાને તેમના પહેલા રિકોર્ડ કરવામાં આવેલા ગીત ‘તાકુએ તે ટાકુઆ’ પછી સફળતા મળી હતી.

ગીતો લખતા હતા અને પછી જાતે ગાવાનું શરૂ કરી દીધું
ચમકીલા મતલબ જે ચમકે છે. અમરસિંહને આ જ નામથી ઓળખવામાં આવે છે. 21 જુલાઈ 1960ના રોજ પંજાબના લુધિયાણાના પિંડ ડુંગરી નામના દલિત મહોલ્લામાં તેમનો જન્મ થયો હતો. નાનપણ અહીં જ વિત્યું અને જવાની આખા પંજાબમાં. અમરસિંહ ઈલેક્ટ્રિશિયન બનવા માંગતા હતા, પણ પૈસાની તંગીના કારણે કાપડની મિલમાં કામ કરવું પડ્યું. તેમને નાનપણથી જ સંગીતનો જબરો શોખ હતો. આ શોખના લીધે જ તેમણે હાર્મોનિયમ અને ઢોલક વગાડતા શીખી લીધું હતું. કપડાની મિલમાં કામ કરતા કરતા તેઓ ગીતો પણ લખવા લાગ્યા. 18 વરસની ઉંમરમાં અમર સિંહે પંજાબી ગાયક સુરિંદર શિંદા માટે ગીતો લખવાનું શરૂ કર્યું હતું. પણ ઘરનો ખર્ચો કાઢવા માટે તેમણે થોડા જ સમયમાં ગાવાનું પણ શરૂ કરી દીધું. ધીરે ધીરે તેમણે પંજાબી ગાયકીમાં એ જમાનાના દરેક મોટા ગાયકો ગુરદાસ માન, સુરિંદર શિંદા અને કુલદીપ માનકને ક્યાંય પાછળ છોડી દીધા હતા.

કહેવાય છે કે, લોકોને ચમકીલાના ગીતોનું રીતસરનું વ્યસન થઈ ગયું હતું. તેઓ પોતાના ગીતોમાં રોજબરોજની જિંદગીના સંવાદો લઈ આવતા અને લોકો પાગલ થઈ જતા. સામાજિક સમસ્યાઓને તેમના ગીતોમાં ટાર્ગેટ કરતા હતા. અમરસિંહ ચમકીલાએ સ્ટૂડિયોમાં ઘણું રેકોર્ડિંગ કર્યું, પણ તેમનું અને તેમના ચાહકોનું દિલ લાઈવ સ્ટેજ શોમાં વધારે લાગતું હતું. આશરે 5-6 ફૂટનું સ્ટેજ બંધાતું, જેના પર ચડીને ચમકીલા ગાતા અને સામે બેઠેલા લોકો ક્યારેક હસતા, ક્યારેક નાચતા, ક્યારેક હલ્લો મચાવતા અને કોઈ દારૂ પીને ટલ્લી થઈ જતું તો ત્યાં જ તેમની સાથે બાખડી પણ પડતું. અમરસિંહ ચમકીલાએ પોતાના મોટાભાગના ગીતો આવી જ મહેફિલોમાં ગાયા, જેને અખાડા કહેવામાં આવે છે. આ અખાડાઓના કારણે જ ચમકીલા 4-5 વર્ષમાં જ દરેક પંજાબીની જીભ પર ચડી ગયા. કહેવાય છે કે, અમર સિંહ ચમકીલાને લોકો એટલો પ્રેમ કરતા હતા કે પંજાબમાં બીજા ગાયકોને કામ મળવાનું જ બંધ થઈ ગયું હતું.

તેમના ગીતોની શબ્દોની સાથોસાથ તેમની સ્ટેજ પ્રેઝેન્સ પણ ઘણી અલગ હતી. તેમના ગીતોના શબ્દોમાં એ વખતના પંજાબની વાસ્તવિકતા હતી. નશાથી લઈને સ્ત્રીઓ સાથે થતી મારપીટ એમ દરેક વિષય પર ચમકીલા બેધડક ગીતો લખીને ગાતા હતા. ગીતની વચ્ચે તેઓ કોમેન્ટ્રી પણ કરતા હતા, એમાં ક્યારેક લગ્નેત્તર સંબંધોની વાત પણ કરતા. આ સિવાય તેમણે કેટલાક ભજનો પણ ગાયા હતા. તેમના 10 વર્ષના કરિયરમાં તેઓ આખા પંજાબમાં છવાઈ ગયા હતા. તેમનો એકેય દિવસ ખાલી નહોતો જતો. તેઓ વર્ષના 365 દિવસમાં 366 શો કરતા હતા. તેમની ગાયિકી ભારતમાંથી નીકળીને કેનેડા, અમેરિકા અને દુબઈમાં પણ જાણીતી હતી. 80ના દાયકામાં તેઓ એક શો કરવા માટે 4000-4500 રૂપિયા લેતા હતા. જે એ વખતે કોઈ સિંગરને મળતા નહોતા. એંશીના દાયકાની મધ્યમમાં ચમકીલા જાણીતા થયા હતા. એ પંજાબમાં આતંકવાદ અને તણાવનો સમય હતો. ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ ચોતરફ માતમ છવાયેલો હતો. એ દિવસોમાં લોકો ઘરથી બહાર નહોતા નીકળતા. આતંકવાદીઓ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થઈ રહ્યા હતા. રોજ કોઈને કોઈના મરવાના સમાચારો આવતા રહેતા. આવા કપરા સમયમાં પણ ચમકીલાના શોમાં 200-300 લોકો પહોંચી જતા હતા. એ જ બતાવે છે કે, તેઓ લોકોના કેટલા ફેવરેટ હતા.

એ ગોઝારો દિવસ
8 માર્ચ 1988નો દિવસ હતો. જલંધરથી અંદાજે 40 કિમી દૂર મહસામપુરામાં અમરસિંહ ચમકીલાનો એક સ્ટેજ શો હતો. એ દિવસે બપોરે લગભગ 2 વાગ્યે ચમકીલા પોતાની ટીમ સાથે ગાડીમાં શોના સ્થળે પહોંચ્યા હતા. સાથે તેમની પત્ની અને સહગાયિકા અમરજોત પણ હતી. લોકોની ભીડ જમા થઈ. અમરસિંહ ચમકીલા અને અન્ય ત્રણ સંગીતકારો ગાડીમાંથી ઉતર્યા. તેઓ સ્ટેજ તરફ જઈ રહ્યા હતા ત્યારે જ ટોળામાંથી પૂરપાટ ઝડપે મોટરસાઈકલ લઈને ત્રણ લોકો આવી પહોંચ્યા. ત્રણેયના હાથમાં હથિયાર હતા. તેઓ ચમકીલા અને તેમની ટીમ તરફ નિશાન તાકીને અંધાધૂંધ ગોળીઓ વરસાવવા લાગ્યા. આ ફાયરિંગમાં અમરસિંહ ચમકીલા, તેમની પત્ની અમરજોત અને બે અન્ય સંગીતકારોનું મોત થઈ ગયું. લોકો જોતા રહી ગયા અને હુમલાખોરો ગોળીઓ વરસાવીને જે મોટરસાઈકલ પર આવ્યા હતા તેના પર જ ફરાર થઈ ગયા. વાયુવેગે આ સમાચાર સમગ્ર પંજાબમાં પ્રસરી ગયા. એ વખતે પંજાબમાં આતંકવાદ તેની ચરમસીમા પર હતો. ખાલિસ્તાન સમર્થક ઉગ્રવાદીઓનો વિદ્રોહ ચોતરફ ફેલાયેલો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હતી. દરરોજ એન્કાઉન્ટર અને ખૂન થઈ રહ્યા હતા. સ્થિતિ એ હતી કે જેના ગીતો આખા પંજાબમાં સુપરહિટ હતા તેમની ધોળા દિવસે હત્યા થઈ ગઈ હતી, પરંતુ કોઈએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નહોતી કરાવી. અમર સિંહ ચમકીલાના પરિવારજનોને જાણકારી મળી તો તેઓ પોલીસ પાસે ન ગયા. મહસામપુરમાં જ્યાં ચમકીલાની હત્યા કરવામાં આવી હતી ત્યાં પણ કોઈએ કોઈ રિપોર્ટ નહોતો લખાવ્યો. પોલીસ પોતે પણ તેના માટે આગળ ન આવી. અંતે જેમતેમ કરીને પોલીસમાં કોઈ ફરિયાદ થઈ અને તપાસ શરૂ થઈ.

શા માટે ચમકીલાની હત્યા થઈ?
અમરસિંહ ચમકીલા અને તેમની પત્ની અમરજોતની હત્યાને લઈને પોલીસે તપાસ તો શરૂ કરી, પણ ન તો ખૂનીનો કોઈ પત્તો લાગ્યો કે ન હત્યાનું કોઈ કારણ સ્પષ્ટ થયું. માત્ર જાતભાતની વાતો સંભળાવવામાં આવી. એ બધી વાતો વચ્ચે એક મજબૂત કારણ અમરસિંહનું કથિત ઉચ્ચ જાતિની અમરજોત સાથે પ્રેમલગ્નનું જણાય છે. અમરજોત અમરસિંહ ચમકીલાની બીજી પત્ની હતી. બંનેની ઓળખાણ ગીતોથી જ થઈ હતી. અમરજોત ચમકીલાને ટક્કર આપે તેવી જ ગાયિકા હતી. જેના કારણે તેમની જોડી સુપરહિટ થઈ ગઈ હતી. માત્ર પંજાબ જ નહીં, વિદેશમાં પણ આ જોડીના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા હતા. ચમકીલા અને અમરજોતની હત્યાના મામલામાં કહેવાય છે કે આ ઑનર કિલીંગનો મામલો હતો. અમર સિંહ ચમકીલા દલિતોની ચમાર જાતિના હતા અને તેમની પત્ની અમરજોત જાટ શીખ હતી. કહેવાય છે કે, બંનેની હત્યા પાછળ અમરજોતના પરિવારજનો અને ગામનો હાથ હતો. જો કે પોલીસ તપાસમાં ક્યાંય પણ તે સાબિત થયું નથી. પરંતુ સૌ જાણે છે કે, ઑનર કિલીંગની મોટાભાગની ઘટનાઓમાં આવું જ થતું હોય છે, ખાસ કરીને જ્યારે યુવક દલિત જાતિનો હોય અને યુવતી કથિત ઉચ્ચ જાતિની હોય ત્યારે આખો મામલો સો ટકા શંકાના દાયરામાં આવી જાય છે.

ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો હાથ હતો?
એવું કહેવાય છે કે, અમર સિંહ ચમકીલાના અનેક ગીતો પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. માનવામાં આવે છે કે જે રીતે ચમકીલાએ પોતાના ગીતોમાં લગ્ન પછીના સંબંધો, ડ્રગ્સની લત અને ખુલ્લેઆમ દ્વિઅર્થી વાતો કરતા હતા તેનાથી પંજાબની બદનામી થતી હતી. તેમને ધમકી મળવાની વાતો સતત કહેવામાં આવતી હતી. જો કે તેની કદી પુષ્ટિ નહોતી થઈ શકી. આ વાત તદ્દન વાહિયાત જણાય છે, કેમ કે, જો એવું જ હોય તો હનીસિંહ, બાદશાહ જેવા ગાયકો આજે પણ અશ્લિલ ગીતો ગાય છે અને તેમની સામે કોઈ અવાજ નથી ઉઠાવતું.

પંજાબી સંગીતમાં એકચક્રી શાસનને કારણે જીવ ગયો?
અમર સિંહ ચમકીલાના મોતનું એક કારણ તેમની સતત વધતી જતી લોકપ્રિયતા હતી. તેઓ પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના એલ્વીસ પ્રિસ્લી કહેવાતા હતા. જે તેમના પ્રતિસ્પર્ધી સવર્ણ કલાકારોને જરાય ગમતી વાત નહોતી. એટલે તેમનો કાંટો કાઢી નાખવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોવાની વાત પણ વહેતી થઈ હતી. આવ જ કોઈ પ્રતિસ્પર્ધી કલાકારે ચમકીલાની હત્યા કરાવી હોવાની પણ એક થિયરી છે. અમર સિંહ ચમકીલાએ પંજાબી સંગીત જગત પર છેક 1979થી શરૂ કરીને તેમનું ખૂન થયું ત્યાં સુધી એકચક્રી રાજ કર્યું હતું. લોકો તેમને વધુને વધુ સાંભળવા માંગતા હતા. તેમના ગીતો એટલા બધાં લોકપ્રિય થઈ ગયા હતા કે લોકોએ બીજા પંજાબી કલાકારોના ગીતો સાંભળવાનું તદ્દન બંધ કરી દીધું હતું. એક તો અછૂત ગણાતી ચમાર જાતિમાં જન્મેલા અને ઉપરથી આટલી અઢળક લોકપ્રિયતા મળી તે સવર્ણો કલાકારોથી કેમ કરીને સહન થાય? એટલે જ ચમકીલાના ચાહકોનું એ પણ માનવું છે કે, કોઈએ સોપારી આપીને તેમની હત્યા કરાવી દીધી હતી. જો કે આ દાવાના પણ કોઈ પુરાવા મળ્યા નહોતા.

શો સાથે જોડાયેલા વિવાદને કારણે હત્યા થઈ?
એક મત એ પણ છે કે, ચમકીલાને એક શખ્સે પોતાને ત્યાં સ્ટેજ શો માટે બોલાવ્યા હતા પણ તેઓ પહોંચી શક્યા નહોતા. એ બાબતથી નારાજ તે શખ્સે તેમને ગોળી મારી દીધી હતી. જો કે આ દ્રષ્ટિકોણથી પણ અમર સિંહ ચમકીલાની હત્યાનું રહસ્ય ઉકેલાયું નહોતું.

ચમકીલાને કોણ માર્યા અને શા માટે માર્યા? આજ દિન સુધી તેની ભાળ મળી નથી. રહી ગઈ છે ફકત અલગ અલગ પ્રકારની થિયરીઓ, જેની પોલીસ તપાસમાં પુષ્ટિ નથી થતી. ચમકીલાની વાત પોપ્યુલર કલ્ચર કરતું રહે છે. વર્ષ 2018માં એક ફિલ્મ આવી હતી ‘મેહસામપુર’, ફિચર કે ડોક્યુમેન્ટરી ફિલ્મના બીંબામાં પણ ફિટ ન થતી આ ફિલ્મમાં અમર સિંહ ચમકીલા અને નવજોતની હત્યા સાથે જોડાયેલા પ્રશ્નોને ઉઠાવવામાં આવ્યા હતા. આ ફિલ્મની ભારે પ્રશંસા થઈ હતી. હવે ઈમ્તિયાઝ અલી, એ.આર. રહમાન અને ઈર્શાદ કામિલની ત્રિપુટીએ ‘અમર સિંહ ચમકીલા’ની જિંદગીમાં ડોકીયું કરવા પ્રયત્ન કર્યો છે. જોવાનું એ રહેશે કે અન્ય બોલીવૂડ ફિલ્મોની જેમ તેમાં પણ તેમની દલિત ચમાર જાતિ, તેના કલ્ચર, તેમની સાથે થતા ભેદભાવ વગેરેને બતાવવામાં આવે છે કે સદંતર અવગણવામાં આવે છે. ફિલ્મ નેટફ્લિક્સ પર 12 એપ્રિલના રોજ રજૂ થવા જઈ રહી છે, તમે જાતે જ જોઈને અહીં કોમેન્ટ કરીને પોતાનો અભિપ્રાય જણાવજો.

આગળ વાંચોઃ દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.