રામલીલાના રામનું સ્ટેજ પર હાર્ટ એટેક આવતા મોત

રામલીલામાં રામનું પાત્ર ભજવતા કલાકારને મંચ પર હાર્ટ એટેક આવતા છાતીમાં દુખાવાને કારણે મોત થઈ ગયું.

રામલીલાના રામનું સ્ટેજ પર હાર્ટ એટેક આવતા મોત
image credit - Google images

Ram Leela's Ram died of a heart attack on stage : રાજધાની દિલ્હીના શાહદરા વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન રામલીલા દરમિયાન ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા કલાકારનું શનિવારે રાત્રે સ્ટેજ પર જ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. અચાનક બનેલી આ દુ:ખદ ઘટનાથી સ્ટેજ પર અરાજકતા સર્જાઈ હતી. આ સાથે જ રામલીલા જોવા આવેલા કલાકારો અને લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકનું નામ સુનીલ કૌશિક છે, જે વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો.

સુશીલ કૌશિક ભગવાન રામનો ભક્ત હતો અને છેલ્લા 20-25 વર્ષથી દર વર્ષે વિશ્વકર્મા નગરની રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવતો હતો. શનિવારે રાત્રે તેને રામલીલાના મંચ પર અચાનક છાતીમાં તીવ્ર દુ:ખાવો થયો, જેના પછી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુઃખદ સમાચારથી રામલીલા જોવા આવેલા લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સુનીલ કૌશિક તેના પરિવાર સાથે ઘર નંબર 203 શિવ ખંડ, વિશ્વકર્મા નગરમાં રહેતો હતો.

મોત પહેલાનો વીડિયો સામે આવ્યો
રામલીલાના મંચ પર મૃત્યુ પહેલાની આ દુ:ખદ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સુનીલ કૌશિક ભગવાન રામની ભૂમિકા ભજવતા અને તેમના ડાયલોગ્સ બોલતા જોઈ શકાય છે. આ દરમિયાન અચાનક તેની છાતીમાં દુખાવો થાય છે અને તે તેના હૃદય પર હાથ રાખે છે અને પછી અચાનક સ્ટેજની પાછળ જાય છે. એ પછી તેમને દવાખાને લઈ જવાયા હતા, જ્યાં આ ઘટના ઘટી હતી.

આજે અંતિમવિધિ થશે
વિશ્વકર્મા નગરમાં રામલીલાનું આયોજન કરતી જય શ્રી રામલીલા સમિતિ ઝિલમિલે રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "વિશ્વકર્મા નગરમાં રામનું પાત્ર ભજવનાર અમારા મોટા ભાઈ સુશીલ કૌશિકનું રામનું પાત્ર ભજવતી વખતે સ્ટેજ પર હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. તેમના અંતિમ સંસ્કાર આજે શાહદરાના જ્વાલા નગર સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે."

આ પણ વાંચોઃ વ્યાસપીઠ પરથી ભજન લલકારી રહેલા કથાકારને હાર્ટ એટેક આવતા મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.