રબારીકામાં ગુસ્સે ભરાયેલા ગોર મહારાજે યજમાનને ધક્કો મારતા મોત

રાજકોટના જેતપુર તાલુકાના રબારીકા ગામમાં એક ગોર મહારાજે તેમના યજમાનને ધક્કો મારતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને મોત નીપજ્યું હતું.

રબારીકામાં ગુસ્સે ભરાયેલા ગોર મહારાજે યજમાનને ધક્કો મારતા મોત

ધર્મના નામે પોતાના ધંધા ચલાવતા લોકોનો ગુજરાતમાં તોટો નથી. અભણ અને અશિક્ષિત પ્રજામાં જાગૃતિના અભાવે ધર્મના નામે પોતાની દુકાનો ચલાવતા લોકોને ક્યાંય પણ તનતોડ મહેનત કરીને કમાવા જવાની જરૂર પડતી નથી. ઉલટાનું ધર્મના નશામાં ડૂબેલી પ્રજા સામેથી આવા લોકોનું ઘર ચલાવી દેતી હોય છે. લોકો મનુવાદીઓમાં પોતાના સર્વશ્રેષ્ઠ ગણતા લોકોને પૂજનીય માનવા લાગતા હોય છે અને એ લોકો પછી પોતાને સૌથી ઉપર સમજી ધાકધમકી આપવાથી કે મારામારી કરવા સુધીમાં પાછી પાની કરતા નથી. આવું જ કંઈક હાલ સૌરાષ્ટ્રના એક ગામમાં બન્યું છે. અહીં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના એક ગામમાં ગુસ્સે ભરાયેલા ગોર મહારાજે યજમાનને ધક્કો મારતા તેમનું મોત નિપજ્યું હતું.

કર્મકાંડ કરવા ન બોલાવતા યજમાનને ધક્કો માર્યો

મામલો રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રબારીકા ગામનો છે. અહીં સામાન્ય બાબતમાં ગોર મહારાજનો પિત્તો ગયો હતો અને તેમણે યજમાન સાથે માથાકૂટ કરતા બંને વચ્ચે તડાફડી બોલી ગઈ હતી. ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજને ત્યાં પરંપરાગત કર્મકાંડ કરતા ગોર મહારાજને હવન કરવા ન બોલાવાતા તેમણે ગુસ્સે થઈને યજમાન સાથે બોલાચાલી કરી તેમને ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે ટકરાતા તેનું મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો: ડાકોરના રણછોડજી મંદિરમાં મંગળા આરતી વખતે ભક્તો વચ્ચે મારામારી

મૃતક રવજીભાઈ રાઠોડની ફાઈલ તસવીર

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવાર દ્વારા ચૈત્ર માસ નિમિતે પિતૃ હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ હતાં. હવન ચાલુ હતો એ દરમિયાન રાજકોટ રહેતા અને ખાંટ સમાજમાં પેઢી દર પેઢી ગોરબાપા તરીકે કામ કરતા અમૃતલાલ શિવશંકર દવે કે જે રબારીકા ગામના ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતાં હતા, તેઓ હવન સ્થળે આવી પહોંચ્યા હતા અને મને હવન કરવા કેમ ન બોલાવ્યો કહીને બોલાચાલી કરવા લાગ્યાં હતા.

યજમાને સમજાવટ માટે હાથ પકડ્યો, ગોર મહારાજે ધક્કો મારી દીધો?

આ વયોવૃદ્ધ ગોરમહારાજને પરિવારજનોએ જણાવ્યું હતું કે, તમને અનેકવાર કહેણ મોકલ્યું પરંતુ તમે કર્મકાંડ કરવા ન આવ્યા એટલે ફરજિયાત બીજા ગોરને બોલાવવા પડયા. જે વાતથી અમૃતલાલ દવે ગુસ્સે ભરાયા હતા અને યજમાન રવજીભાઈ સાથે રકઝક કરી હતી. એ દરમિયાન અમૃતલાલ દવેએ યજમાન રવજીભાઈ પાસેથી દક્ષિણામાં રૂ. 11 હજારની માંગણી કરી હતી. જે યજમાનને વધુ લાગતા ગોર મહારાજ વધુ ઉગ્ર બની ગયા હતા.

એ દરમિયાન યજમાન ગોર મહારાજને શાંત કરવા માટે હાથ પકડી રૂમમાં લઈ જતા હતા એ દરમિયાન ગુસ્સે ભરાયેલા અમૃતલાલ દવેએ ધક્કો મારતાં રવજીભાઈનો હાથ છુટી ગયો હતો અને તેઓ ઓસરીમાં આવેલી પાણીયારી નીચેની સિમેન્ટની ચોકડી સાથે અથડાયા હતા, જ્યાં તેમને ચોકડીની કોર માથાના ભાગે વાગતા જમીન પર પટકાયા હતા અને તેમને માથાના પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ લાગી જતાં બેભાન થઈ ગયાં હતા. આથી તેઓને તરત જ સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવતા ફરજ પરના ડોકટરે રવજીભાઈને મૃત જાહેર કર્યા હતાં. મૃતકના મોતનું મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો હતો. જ્યારે ગોર મહારાજ સામે આઇપીસી કલમ ૩૦૪ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: કચ્છમાં ખટલા ભવાની મંદિરનો પૂજારી રૂ. 36 હજારના ગાંજા સાથે ઝડપાયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.