ડાકોરના રણછોડજી મંદિરમાં મંગળા આરતી વખતે ભક્તો વચ્ચે મારામારી
ડાકોરના રણછોડજી મંદિરમાં ગઈકાલે સવારે મંગળા આરતી વખતે જગ્યાને લઈને ભક્તોના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
હિંદુ ધર્મના પવિત્ર યાત્રાધામ ગણાતા ડાકોરના રણછોડજી મંદિરમાં ગઈકાલે સવારે આરતી દરમિયાન ભક્તોના બે જૂથ બાખડી પડ્યા હતા. મંગળા આરતી દરમિયાન મંદિરના ઘુમ્મટમાં જગ્યાને લઈને બે ભક્તો વચ્ચે ચકમક જરી હતી અને પછી મામલો છુટ્ટા હાથની મારામારી સુધી પહોંચી ગયો હતો.
યાત્રાધામ ડાકોરમાં દરરોજ સેંકડો ભક્તો રણછોડરાયજીના દર્શન માટે આવતા હોય છે. ભક્તોમાં સવારની મંગળા આરતીનું વિશેષ મહત્વ રહેલું છે. ભક્તો આ આરતીમાં ભાગ લેવા માટે વહેલી સવારે મંદિર પરિસરમાં પહોંચી જતા હોય છે. જો કે, ગઈકાલે વહેલી સવારે થયેલી મંગળા આરતી દરમિયાન ભક્તો મંદિરમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાનો બળાપો કાઢતા અંદરોઅંદર બાખડી પડ્યા હતા. જેને પગલે મંદિર સત્તાવાળા અને પોલીસ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા હતા.
શું થયું હતું?
ગઈકાલે ડાકોર મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા હતા. એ દરમિયાન વૈષ્ણવોના એક જૂથે જગ્યાને લઈને અન્ય ભક્તો સાથે બોલાચાલી કરી હતી એ પછી મંદિરના ઘુમ્મટમાં જ કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. તેના ફોટા પણ સામે આવ્યા છે. ભગવાનની મૂર્તિની સામે જ જગ્યાને લઈને વૈષ્ણવોના ટોળાએ મારામારી કરતા મંદિર પરિસરમાં હોબાળો મચી ગયો હતો. બે જૂથો વચ્ચે જગ્યાને લઈને શરૂ થયેલો વિવાદ આગળ જતા છુટા હાથની મારામારીમાં પરિણમ્યો હતો.
જેને લઈને અન્ય દર્શનાર્થીઓમાં અફડાતફડી મચી ગઈ હતી. કેટલાક દર્શનાથીઓ અણધારી આ ઘટનાથી હેબતાઈને મંદિરની બહાર નીકળી ગયા હતા. મંદિરના ઘુમ્મટમાં જ મારામારીના દ્રશ્યો સર્જાતા અને પરિસ્થિતિ થાળે ન પડતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મારામારીમાં કેટલાક ભક્તને સામાન્ય મૂંઢ માર વાગ્યો હતો. કોઈ મોટી ઈજાના કે અન્ય કોઈ વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર નથી. પોલીસે હુમલાખોરો કોણ હતા તેને લઈને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ડાકોરના ઠાકોરના મંગળા આરતીમાં દર્શન કરવા ભક્તોમાં ભારે પડાપડી રહેતી હોય છે. તાજેતરમાં ફાગણી પૂનમના મેળામાં લાખો યાત્રીઓએ મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો. ત્યારે આજરોજ મંગળા આરતીના દર્શન દરમ્યાન વૈષ્ણવોમાં થયેલ મારમારીને કારણે સામાન્ય ભક્તોમાં રોષ વ્યાપ્યો હતો અને મંદિર સત્તાવાળા તેમજ પોલીસ દ્વારા દર્શનાર્થીઓ માટે વધુ સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી.
આ બાબતે ડાકોર પીઆઈ વી.ડી.મંડોરા જણાવ્યું કે, નિયમિત દર્શનાર્થીઓ અને બહારથી આવેલા દર્શનાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મંદિર પરિસરના ઘૂમ્મટમાં જ બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો છુટાહાથની મારામારી સુધી પહોંચતા બે પૈકી બહારથી આવેલા વૈષ્ણવ દર્શનાર્થીએ ડાકોર પોલીસમાં અરજી આપી છે. અમે આ અરજીના આધારે બંને પક્ષોને બોલાવી નિવેદનો લઈશું.
જ્યારે આ બાબતે ડાકોર મંદિરના મેનેજર જગદીશભાઈ દવેએ જણાવ્યું હતું કે, વહેલી સવારે આગળની હરોળમાં ઉભા રહેવા સ્થાનિક ભક્તો જોડે બહારથી આવેલા વૈષ્ણવોને માથાકૂટ થઈ હતી. રણછોડજી મંદિર દ્વારા આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે. મંદિરના સિક્યુરિટીએ તેનો રિપોર્ટ પણ રજૂ કર્યો છે. રિપોર્ટના આધારે આવા તત્વો સામે કાર્યવાહી કરવા મંદિરે આદેશ આપ્યો છે. ડાકોર પોલીસને લેખિતમાં જાણ કરી આવા તત્વો સામે પગલાં લેવા વિનંતી કરી છે. આગામી દિવસોમાં આવી ઘટના ન બને તે અંગે તકેદારી રખાશે. લડાઈ કરનાર બંન્ને ટોળાને રણછોડ સેના અને પોલીસે છોડાવ્યા હતા.
આ પણ વાંચોઃ ભગવાનને ચઢાવાયેલા નવ લીંબુ હરાજીમાં રૂ. 2.36 લાખમાં વેચાયા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.