AAJ TAK, TIMES NOW નવભારત, NEWS18 INDIA ને નફરતભર્યા શો ચલાવવા બદલ દંડ

મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને, તેમની વિરુદ્ધ લોકોમાં નફરત પેદા થાય અને તેનો ચોક્કસ રાજકીય પક્ષો ફાયદો ઉઠાવી શકે તેવો માહોલ પેદા કરવા માટે કેટલીક રાષ્ટ્રીય ચેનલો દ્વારા ચોક્કસ પ્રકારના કાર્યક્રમો પ્રસારિત કરાતા હોવાની વાતો ઘણાં સમયથી થતી આવી છે. પણ હવે તેનો પુરાવો પણ મળી આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એકે સિકરીની આગેવાની હેઠળની ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (NBDSA) એ આવા નફરતી શો ચલાવતી ત્રણ ન્યૂઝ ચેનલોને દંડ ફટકાર્યો છે. શું હતા એ કાર્યક્રમો, તેનો વિષય શું હતો, શા માટે દંડ ફટકાર્યો, વાંચો આ વિસ્તૃત રિપોર્ટમાં.

AAJ TAK, TIMES NOW નવભારત, NEWS18 INDIA ને નફરતભર્યા શો ચલાવવા બદલ દંડ

મુસ્લિમ સમુદાયને બદનામ કરવા અને દેશભરમાં તેમની વિરુદ્ધ નફરત ફેલાવવા માટે 6 ન્યૂઝ કાર્યક્રમો સામે નોંધાયેલી ફરિયાદોના આધારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એકે સિકરીની આગેવાની હેઠળની ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (NBDSA) એ TIMES NOW NAVBHARAT પર 1,00,000 રૂપિયા, NEWS18 INDIA પર 50,000 રૂપિયાનો દંડ લગાવ્યો છે અને AAJ TAKને ચેતવણી આપી છે. વધુમાં, ઉપરોક્ત ત્રણેય ન્યૂઝ ચેનલોને નફરત ફેલાવતા કાર્યક્રમોના ઓનલાઈન અપલોડ કરાયેલા વીડિયોને 7 દિવસની અંદર ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

NBDSAએ જણાવ્યું હતું કે "લવ જેહાદ" શબ્દનો ઉપયોગ ખૂબ જ સંયમ અને નિર્ણય સાથે થવો જોઈએ કારણ કે ધાર્મિક કટ્ટરવાદ એ આચારસંહિતાનું ઉલ્લંઘન છે અને તે દેશના બિનસાંપ્રદાયિક પોતને નુકસાન પહોંચાડે છે. તેનાથી સમાજને પુરી ન શકાય તેટલું નુકસાન થઈ શકે છે અને તે ધાર્મિક અસહિષ્ણુતા પેદા કરી શકે છે અથવા લોકો વચ્ચે દુશ્મનાવટ પેદા કરી શકે છે. દરેક નાગરિકને, ધર્મને ધ્યાનમાં લીધા વિના તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર છે.

NBDSA એ તેના આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે, "ફક્ત એ કારણે કે કોઈ હિંદુ છોકરીએ બીજા ધર્મના છોકરા સાથે લગ્ન કર્યા છે, તે લવ જેહાદ ગણાશે નહીં, જ્યાં સુધી તે સાબિત ન થાય કે તે છોકરી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અથવા લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું હતું. આવા લગ્નોની કેટલીક ઘટનાઓને કારણે સમગ્ર મુસ્લિમ સમુદાયને કલંકિત કરી શકાય નહીં. હત્યા અને હિંસા માટે થોડા તોફાનીઓને દોષી ઠેરવવાને બદલે સમગ્ર સમુદાયને નિશાન બનાવવા માટે આવી ઘટનાઓનો ઉપયોગ કરવો અયોગ્ય છે. શ્રદ્ધા વોકર હત્યા કેસને 'લવ જેહાદ' સાથે જોડવો અને તેના પર ચર્ચા કરવી અયોગ્ય છે." 


શું હતો આખો મામલો?

કેટલીક ટીવી ન્યૂઝ ચેનલો દ્વારા ફેલાવવામાં આવતી નફરત અને ખોટી માહિતીના મુદ્દે ઈન્દ્રજીત ઘોરપડે નામની વ્યક્તિએ NBDSA ને ફરિયાદ કરી હતી. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “આ 3 ચેનલો(ટાઈમ્સ નાઉ નવભારત, ન્યૂઝ18 ઈન્ડિયા અને આજ તક) સિવાય બીજી ઘણી ચેનલો છે જે મુસ્લિમ સમાજ, ખેડૂતો અને સરકારને પ્રશ્નો પૂછનાર કોઈપણ વ્યક્તિને નિશાન બનાવીને આ પ્રકારનું રિપોર્ટિંગ કરવામાં લાગેલી છે. મેં અગાઉ પણ ઘણી ચેનલો સામે અનેક ફરિયાદો નોંધાવી છે. કમનસીબે, NBDSAની કાર્યવાહી આ ચેનલોને નફરત ફેલાવવાનું બંધ કરવા માટે મજબૂર કરવામાં અસમર્થ છે.”


ઈન્દ્રજીત ઘોરપડેએ વધુમાં જણાવ્યું હતું કે, “1 લાખ રૂપિયા જે NBDSA દ્વારા લાદવામાં આવી શકતો મહત્તમ દંડ છે, જે આ અત્યંત સમૃદ્ધ મીડિયા ગૃહો માટે ખૂબ નાનો છે. જો કે, હું આ કેસો ફાઇલ કરવાનું ચાલુ રાખીશ જેથી ચેનલો દ્વારા કરવામાં આવેલા ઉલ્લંઘનોનો સાર્વજનિક રેકોર્ડ અને દસ્તાવેજીકરણ થઈ શકે. 50-100 વર્ષ પછી જ્યારે કોઈ વ્યક્તિ ફાસીવાદને મજબૂત કરવામાં ભારતીય મીડિયાની ભૂમિકાનો અભ્યાસ કરશે, ત્યારે તેને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા લખાયેલા આ આદેશો કામમાં આવશે.”


તેમણે સુદર્શન ટીવી ન્યૂઝ ચેનલ વિશે કહ્યું, “સુદર્શન નિયમિતપણે ખોટી માહિતી અને દ્વેષપૂર્ણ ભાષણને પ્રોત્સાહન આપવા માટે જાણીતી છે. જો ભારતમાં તમામ તપાસ અને સંતુલન યોગ્ય રીતે કામ કરતા હોત સુદર્શન ન્યૂઝ જેવી ચેનલ ઓન એર ન હોત. પરંતુ અશોક ચવ્હાણકે જે પ્રકારનું રિપોર્ટિંગ કરે છે, તેનાથી એક ચોક્કસ રાજકીય વર્ગને ફાયદો થાય છે, તેથી સુદર્શન ન્યૂઝને છૂટ આપવામાં આવી છે. આ એક કડવું સત્ય છે જે આપણા બધાંની સામે ઉજાગર થયું છે. સુદર્શન NBDSA નો હિસ્સો નથી, તેથી તેમાં તેની વિરુદ્ધ કેસ દાખલ કરવો શક્ય નથી. સુદર્શન સામેની કોઈપણ કાર્યવાહી માટે સીધો પ્રસારણ મંત્રાલય અથવા કોર્ટનો સંપર્ક કરવો પડશે.
NEWS18 INDIA નો મામલો
ન્યૂઝ18 ઈન્ડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલા કુલ 4 શો સામે કાર્યકર ઈન્દ્રજીત ઘોરપડેએ ફરિયાદ કરી હતી. તેમના દ્વારા ફરિયાદમાં દલીલ કરવામાં આવી હતી કે આ ચાર શો છે, જે તમામ લવ જેહાદના વિષયો પર આધારિત છે, જેણે નિષ્પક્ષતા સાથે સંબંધિત આચારસંહિતા અને પ્રસારણના માપદંડો અને દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કર્યું હતું.


NBDSA એ પોતાના આદેશના માધ્યમથી ન્યૂઝ18 ઈન્ડિયા પર ત્રણ શો માટે રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો. આ શો પૈકી બેનું એન્કરીંગ અમન ચોપડા અને બે નું અમિશ દેવગણે કર્યું હતું. આ કાર્યક્રમોમાં શ્રદ્ધા વોકરના કેસને લવ જેહાદ તરીકે રજૂ કરીને સાંપ્રદાયિક સ્વરૂપ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.


AAJ TAK નો મામલો
દેશની સૌથી ઝડપી ચેનલ હોવાનો દાવો કરતી આજ તક પર નફરતી શો માટે કુખ્યાત થઈ ચૂકેલા એન્કર સુધીર ચૌધરીના શો બ્લેક એન્ડ વ્હાઈટ પર એક્ટિવિસ્ટ ઈન્દ્રજીત ઘોરપડેએ ફરિયાદ કરી હતી. તેમણે સુધીર ચૌધરી દ્વારા તેના શોમાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરાતો હોવાની અને તેમની વિરુદ્ધ નફરત અને ભય પેદા કરવા માટે ખોટા નિવેદનો આપવા તરફ ઈશારો કર્યો હતો. ફરિયાદમાં ઘોરપડેએ લખ્યું હતું કે, પ્રસારકોએ દલિતો અને મુસ્લિમો સાથે મોટા પાયે થઈ રહેલા ભેદભાવોથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં મુસ્લિમોને દંગાઈઓ અને મુસ્લિમ વિસ્તારોને મિની પાકિસ્તાન તરીકે ચિત્રિત કરતો એક શો ચલાવ્યો હતો.


NBDSA એ પોતાના આદેશમાં કહ્યું કે, બ્રૉડકાસ્ટરે પોતાના વિશ્લેષણને સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ સુધી સીમિત રાખી હોત તો પ્રસારણમાં કોઈ વાંધો નહોતો, પણ કાર્યક્રમ દરમિયાન દેખાડવામાં આવેલા ટિકર્સ સાવ જુદી જ તસવીર રજૂ કરતા હતા. અમુક તોફાનીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાને એન્કર સુધીર ચૌધરી દ્વારા એક વિશેષ સમુદાયને ટાર્ગેટ કરવા માટે સામાન્યીકૃત કરવામાં આવી હતી.


NBDSA ને 23 જેટલી ફરિયાદો કરવામાં આવી
વર્ષ 2018થી સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થા કેટલીક ન્યૂઝ ચેનલો દ્વારા ચોક્કસ રાજકીય પક્ષોના ફાયદા માટે પક્ષપાતભર્યા એજન્ડાને ફેલાવવાના હેતુથી વિવાદાસ્પદ રીતે પ્રસારિત થનારા સમાચાર કાર્યક્રમો પર સતત નજર રાખી રહી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં માનવાધિકાર સંગઠનો દ્વારા NBDSA માં 23 જેટલી ફરિયાદો નોંધાવવામાં આવી છે. જેમાંથી 8 ટાઈમ્સ નાઉ નવભારત સામે, 3 ઝી ન્યૂઝ સામે, 4 આજ તક સામે અને 2 ટાઈમ્સ નાઉ સામે છે. આ સિવાય નોંધાવવામાં આવેલી ફરિયાદોમાંથી 4માં સુધીર ચૌધરી એન્કર હતો, 2 માં અમન ચોપડા અને 7 શો રાકેશ પાંડે દ્વારા સંચાલન કરવામાં આવેલા હતા.

આ પણ વાંચો : આજ તકના એન્કર સુધીર ચૌધરી પર SC-ST એક્ટ હેઠળ ફરિયાદ, આદિવાસી સમાજ પર કર્યું હતું વાંધાજનક નિવેદન

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.