આજ તકના એન્કર સુધીર ચૌધરી પર SC-ST એક્ટ હેઠળ ફરિયાદ, આદિવાસી સમાજ પર કર્યું હતું વાંધાજનક નિવેદન

હિન્દી ન્યૂઝ ચેનલ આજ તકના એન્કર સુધીર ચૌધરી પર એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. શું છે આખો મામલો વાંચો આ રિપોર્ટમાં.

આજ તકના એન્કર સુધીર ચૌધરી પર SC-ST એક્ટ હેઠળ ફરિયાદ, આદિવાસી સમાજ પર કર્યું હતું વાંધાજનક નિવેદન

આજ તકના પત્રકાર સુધીર ચૌધરી સામે ઝારખંડના રાંચીમાં SC/ST એક્ટ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. બુધવારે આદિવાસી સેનાના કેટલાક યુવાનોએ SC/ST પોલીસ સ્ટેશનમાં સુધીર ચૌધરી પર ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ જાતિ વિષયક ટિપ્પણી કરવાનો અને આદિવાસી સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવીને આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આદિવાસી સેનાના મહાનગર અધ્યક્ષ અજિત લકડાએ રાંચીના SC/ST એક્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, દેશની જાણીતી હિન્દી ન્યૂઝ ચેનલ આજ તકના પત્રકાર સુધીર ચૌધરી દ્વારા તેના પ્રાઈમ ટાઈમ શો ‘બ્લેક એન્ડ વ્હાઇટ’માં આદિવાસી સમાજ માટે અભદ્ર અને વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પત્રકાર સુધીર ચૌધરી જાતિ દ્વેષથી પીડિત વ્યક્તિ છે, તેમની નજરમાં આદિવાસી એટલે પછાતપણું અને જંગલીપણું. તેમના દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીથી સમગ્ર આદિવાસી સમુદાય દુઃખી છે.

ફરિયાદી અજિત લકડાએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામા અને ED દ્વારા તેમની ધરપકડ બાદ સુધીર ચૌધરીએ તેના શોમાં કહ્યું હતું કે હેમંત સોરેને 30-40 વર્ષ પહેલાની જેમ હવે જંગલોમાં જઈને એક આદિવાસીની જેમ રહેવું પડશે. આ મામલે અજિત લકડાએ કહ્યું કે આદિવાસી સમાજ જંગલી નથી. દેશની મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ આદિવાસી સમાજમાંથી આવે છે, જેઓ સમગ્ર ન્યાયતંત્રની રક્ષક પણ છે. સુધીર ચૌધરી જાતિવાદી માનસિકતાથી ગ્રસ્ત વ્યક્તિ છે અને તેના પર કડક કાર્યવાહી થવી જોઈએ.

બીજી તરફ સુધીર ચૌધરીની ધરપકડની માંગ કરી રહેલા આદિવાસી સેનાના કાર્યકરોનું કહેવું છે કે, સુધીર ચૌધરીએ આદિવાસી સમાજને જંગલી ગણાવીને પોતાની જાતિવાદી અને ઊંચનીચના ભેદભાવથી ગ્રસ્ત હોવાની માનસિકતાનો પરિચય આપ્યો છે. આવા લોકો પોતાને પત્રકાર ગણાવે છે અને નેશનલ ટીવી પર ખૂલ્લેઆમ આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદનો કરે તે શરમજનક છે. તેના આવા વાંધાજનક અને ધૃણાસ્પદ નિવેદનથી સમગ્ર આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. અમે બંધારણીય અને લોકશાહી રીતે આદિવાસી સમાજને નીચું દેખાડવાના તેના ઈરાદાઓનો વિરોધ કરીએ છે.

આદિવાસી સેનાના પ્રમુખ અજીત લકડા અને તેમના કાર્યકરોએ SC/ST પોલીસ સ્ટેશનના પ્રભારીને સુધીર ચૌધરી સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, જાતિ વ્યવસ્થાના કટ્ટર પક્ષધર તરીકેની છાપ ધરાવતા સુધીર ચૌધરી પર અગાઉ પત્રકારત્વના નામે દલાલી કરવાના આરોપો પણ લાગી ચૂક્યા છે.

સુધીર ચૌધરીએ શું કહ્યું હતું?

એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે આજ તક ચેનલના એન્કર સુધીર ચૌધરીએ પોતાના શોમાં કહ્યું હતું કે, “હેમંત સોરેનને ચાર્ટર પ્લેન અને સુવિધાયુક્ત જિંદગી જીવવાની આદત પડી ગઈ છે. પણ સીએમ પદ જતું રહ્યાં પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે તેમણે જંગલમાં આદિવાસીઓની જેમ રહેવું પડશે, જે રીતે તેઓ 30-40 વર્ષ પહેલા રહેતા હતા. તેમના માટે આ ઘણું મુશ્કેલ હશે.”

સુધીર ચૌધરીએ માફી માંગી

રાંચીમાં એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ થયા બાદ સુધીર ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ મૂકીને માફી માંગી હતી. જો કે, તેમાં પણ તેનો ટોન માફી માંગવા કરતા વધુ પોતાનો મત રજૂ કરવાનો વધુ હતો. સુધીરે પોસ્ટમાં લખ્યું હતું કે, હેમંત સોરેનની ટીકા કરવી આદિવાસીઓની ટીકા કે અપમાન માની શકાય નહીં. સુધીર ચૌધરીની આ પોસ્ટ પણ પછી આદિવાસી સમાજ તેને છોડવાના મૂડમાં નથી એ જોતા સુધીર કાયમ માટે આ પ્રકારની ભાષા વાપરતા પહેલા વિચાર કરશે.

આ પણ વાંચો : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ED સામે SC-SC એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.