જે પી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટને જાતિવાદ નડ્યો, ગિફ્ટ સિટીમાં જાતિવાદીઓએ ફ્લેટ ન ખરીદવા દીધો?

દુનિયાભરમાં વિકાસના એન્જિન તરીકે જેને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે તે ગિફ્ટ સિટીમાં જાતિવાદની એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. જે.પી. મોર્ગન જેવી મલ્ટિનેશનલ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ જેવા ઉચ્ચ હોદ્દા પર રહેલી વ્યક્તિને GIFT City પાસેની એક સોસાયટીના ચેરમેન અને મેનેજમેન્ટે ફક્ત તેમની જાતિના કારણે ઘર ખરીદવા નહોતું દીધું. આ ઘટનાના ભારતભરમાં પડઘા પડ્યાં છે. વાંચો આ અહેવાલ.

જે પી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટને જાતિવાદ નડ્યો, ગિફ્ટ સિટીમાં જાતિવાદીઓએ ફ્લેટ ન ખરીદવા દીધો?
image credit - Google images, X

ગુજરાતમાં ચાલતો જાતિવાદ આમ તો જગજાહેર છે પરંતુ આ વખતે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યો છે. વિકાસના પ્રતિક તરીકે જેનો દુનિયાભરમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે તે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં એક પ્રતિષ્ઠિત કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ જેવા ઉચ્ચ હોદ્દા પર રહેલી વ્યક્તિને તેની જાતિના કારણે ફ્લેટ મળી શક્યો નથી. જાતિવાદના આ વકરેલા સ્વરૂપથી ચોંકી ઉઠેલા એ વ્યક્તિએ આખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

ઘટના શું છે?
મિડીયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી મળતી માહિતી પ્રમાણે જેપી મોર્ગનના વાઈસ પ્રેસીડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે એક સનસનાટી મચાવતો દાવો કર્યો છે. તેમણે પોતાના X એકાઉન્ટ પર ગુજરાતમાં જાતિ આધારિત ભેદભાવ થયાની ફરિયાદ કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું કે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં તેમણે એક ફ્લેટ ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સોસાયટીના લોકોએ તેમની જાતિના કારણે તેમને ફ્લેટ ખરીદવા દીધો નહોતો.

તેમણે તો ત્યાં સુધી દાવો કર્યો છે કે સોસાયટીના ચેરમેન સહિત 30 જેટલા લોકો દ્વારા તેમને ઘેરી લઈને ધમકાવવામાં આવ્યા હતા કે જો તેમની મરજી વિરુદ્ધ અહીં ફ્લેટ ખરીદશો તો જોવા જેવી થશે, તમને અને તમારા પરિવારને શાંતિથી જીવવા નહીં દઈએ. આ મામલે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, ગુજરાત પોલીસ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વડાપ્રધાન કાર્યાલય, ગાંધીનગર પોલીસ, ગાંધીનગર એસપી, ગુજરાતના ડીજીપી ઉપરાંત ગુજરાતની વિવિધ ન્યૂઝ ચેનલો અને આમ આદમી પાર્ટીના એક્સ હેન્ડલને પણ ટેગ કર્યા છે. ત્રણ દિવસ પહેલા મૂકાયેલી આ પોસ્ટને 6 લાખથી વધુ લોકોએ જોઈ છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકો સોસાયટીના જાતિવાદી લોકોની આકરી ટીકા કરી રહ્યાં છે.

https://twitter.com/AnirudhKejriwal/status/1761462616696750524

અનિરુદ્ધ કેજરીવાલે X પર કરેલી પોસ્ટ પ્રમાણે તેમણે ગાંધીનગર ગિફ્ટ સિટી પાસેની સંતવિહાર 1 સોસાયટીમાં એક ફ્લેટ ખરીદવા પ્રયત્ન કર્યો હતો. તેના માટે તેમણે જરૂરી દસ્તાવેજી કાર્યવાહી કરીને એડવાન્સ રકમ પણ ચૂકવી દીધી હતી. સોદો અંતિમ તબક્કામાં હતો ત્યારે સોસાયટીના અધ્યક્ષ અને મેનેજમેન્ટ આવીને તેમને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે, તેઓ અન્ય જાતિના લોકોને પોતાની સોસાયટીમાં ફ્લેટ નહીં ખરીદવા દે. જોતજોતામાં 30થી વધુ લોકો એકઠા થઈ ગયા હતા અને અનિરુદ્ધ કેજરીવાલને ધમકી આપી હતી કે અમારી મરજી વિરુદ્ધ તમે અહીં ફ્લેટ નહીં ખરીદી શકો. જો તમે અહીં રહેવા આવશો તો તમારું અને તમારા પરિવારનું જીવવું મુશ્કેલ બનાવી દઈશું.


સોસાયટીના રહીશોએ પૂર્વજો અને જાતિના પુરાવા માંગ્યા
અનિરુદ્ધ કેજરીવાલે કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, સંતવિહાર 1 સોસાયટીના અધ્યક્ષ અને મેનેજમેન્ટે તેમની જાતિના પુરાવા અને તેમના વંશ વિશેની વિગતો માંગી હતી જે તેમણે આપવી પડી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મને સોસાયટીના ચેરમેન અને મેનેજમેન્ટ તરફથી સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું હતું કે હું અન્ય જાતિનો હોવાથી મને અહીં ઘર નહીં ફાળવાય. તેઓ મને અહીં રહેવાની પરવાનગી નહીં આપે. આ ઘટનાને કારણે મને ભારે આઘાત લાગ્યો હતો.


ગુજરાતને જાતિવાદીઓએ વૈશ્વિક સ્તરે બદનામ કર્યું
આ ઘટનાના છાંટા ગાંધીનગરથી લઈને છેક દિલ્હી અને અન્ય મેટ્રો સિટી સુધી ઉડ્યાં છે. જાતિવાદની આ ઘટના બાદ મોટી કંપનીઓ અહીં રોકાણ કરવામાં પાછી પાની કરે તો નવાઈ નહીં. દરેક બાબતને જાતિના ચશ્માથી જ જોવા ટેવાયેલા ગુજરાતના કથિત સવર્ણોએ વિકાસની ટ્રેનના એન્જિન મનાતા ગુજરાતની આબરૂને મોટો ધક્કો પહોંચાડ્યો છે. અનિરુદ્ધ કેજરીવાલ જે કંપનીમાં કામ કરે છે તે જે. પી. મોર્ગનની પોતાની આગવી ઓળખ છે. જે.પી. મોર્ગનને અમેરિકાના ઈતિહાસના સૌથી મોટા બેંકર માનવામાં આવે છે. તેમની કંપનીના કર્મચારીઓ દુનિયાભરમાં ફેલાયેલા છે. એ બધાંને ગુજરાતમાં તેમની કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ જેવા ઉચ્ચ હોદ્દા પર રહેલી વ્યક્તિ સાથે ઘટેલી જાતિવાદની ઘટના વિશે જાણી લીધું છે. જેના કારણે મામલો વિદેશો સુધી પહોંચી ગયો છે. હવે કંપનીના અન્ય કર્મચારીઓ પણ આખી વાતને અન્ય લોકોમાં ફેલાવશે. સરવાળે જાતિવાદી તત્વોને કારણે ગુજરાતની વૈશ્વિક બદનામી થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ દાંતામાં વાલ્મિકી યુવકને મર્યા પછી પણ આભડછેટ નડી, જાતિવાદી ગામલોકોએ સ્મશાનમાં અંતિમવિધિ ન થવા દીધી


અનિરુદ્ધ કેજરીવાલ કાયદેસર કાર્યવાહી કરશે
જે. પી. મોર્ગન કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે મૂકેલી પોસ્ટમાં કહ્યું છે કે, આ ઘટનાથી તેઓ અત્યંત દુઃખી થયા છે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. તેમણે વધુમાં લખ્યું હતું કે, “ભેદભાવની આ ઘટનાને લીધે મારી નાણાંકીય ગોઠવણો અને પર્સનલ અરેન્જમેન્ટ સુધીની તૈયારીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. ભારત માટે વિકાસનું એન્જિન ગણાતાં ગુજરાતમાં મારી સાથે આવી ઘટના બનશે તેની મેં કલ્પના પણ નહોતી કરી, આ આંચકાજનક છે.

આ મારા માટે એક દુઃસ્વપ્ન સમાન બાબત છે. તે લોકોએ મને ધમકાવ્યો અને જો હું ગમે તેમ કરીને પણ ફ્લેટ ખરીદવામાં સફળ થઇ જઈશ તો તેઓ મારી ખુશીઓ છીનવી લેશે અને મારા તથા પરિવાર માટે મોટી મુશ્કેલીઓ ઊભી કરશે. મેં સિંગાપોર જવાની તક છોડીને મુંબઈથી ગુજરાતમાં શિફ્ટ થવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ જાતિગત ભેદભાવને લીધે મારું સપનું રોળાઇ ગયું છે. પણ હું મારા અધિકારો અને મારા રોકાણને પાછું મેળવવા માટે કાયદાકીય પ્રક્રિયાનો સહારો લઈશ.”

આગળ વાંચોઃ દલિતોને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ જતા અત્યાર સુધીમાં આટલી હત્યાઓ થઈ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • પરેશ
    પરેશ
    હદ ના હલકાઓ જાતિવાદી બીમાર લોહી ની જરૂર પડે હરામિયો વાંકા રેસે
    4 months ago