દલિતોને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ જતા અત્યાર સુધીમાં આટલી હત્યાઓ થઈ

સુરક્ષિત મનાતા ગુજરાતમાં પણ વાત જ્યારે દલિતોને જાતિવાદી માથાભારે તત્વો સામે પોલીસ રક્ષણ આપીને સુરક્ષિત રાખવાની આવે છે ત્યારે ગુજરાતનું પોલીસતંત્ર નિષ્ફળ નીવડતું જણાય છે. આવું આંકડાઓ કહે છે. સ્થિતિ એવી પેદા થઈ છે કે માથાભારે તત્વો દલિતોને જાનથી મારી નાખવાની ધમકી આપે છે છતાં પોલીસ પીડિતને સમયસર પોલીસ રક્ષણ પુરું પાડતી નથી. જો કાયદો કાયદાનું કામ કરે તો માથાભારે તત્વોની ખેર નથી કે કોઈ નિર્દોષ લોકોને આંગળી પણ અડાડી શકે. પરંતુ કમનસીબે જાતિવાદીઓ જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ છે. પરિણામે અત્યાર સુધીમાં અનેક એવી ઘટનાઓ બની છે જેમાં પીડિતની હત્યા થઈ ગઈ હોય. આ રહ્યાં કેટલાક ઉદાહરણો.
1 - બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના જાળીલા ગામના ઉપ સરપંચ મનજીભાઈ સોલંકીને માથાભારે તત્વો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. તેમનું પોલીસ રક્ષણ હટાવી લેવાયું કે તરત તેમની હત્યા કરવામાં આવી. આ કેસના સાક્ષી રાજેશભાઈ મકવાણા (ગામ-બગડ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ)ની પણ પંચમાં સાક્ષી તરીકે સહી કરી હોવાથી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી.
2 – રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામના નાનજીભાઈ સોંધરવાની પણ સુરક્ષાના કારણોસર હત્યા થઈ હતી. તેમણે સોશિયલ મીડિયા પર, જિલ્લા કલેક્ટર અને એસપી સમક્ષ રૂબરૂ લેખિતમાં પોલીસ રક્ષણ માંગ્યું હતું છતાં મળ્યું નહોતું. આખરે તેમની હત્યા થઈ હતી.
3- આ જ કેસમાં નાનજીભાઈ સોંધરવાના દીકરા રાજેશભાઈએ પિતાની હત્યા મામલે સમાધાન ન કરતા માથાભારે તત્વો તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, આથી તેમણે પણ પોલીસ સુરક્ષા માંગી હતી. જો કે તેમને માણેકવાડાના ઘરે પોલીસ રક્ષણ અપાયું પણ બહાર નહોતું અપાયું. પરિણામે રાજકોટથી ઘરે પરત આવતી વખતે રસ્તામાં જ તેમની હત્યા થઈ.
4 – જાતિવાદ માટે કુખ્યાત સૌરાષ્ટ્રના વધુ એક જિલ્લા સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના સમઢિયાળામાં માથાભારે તત્વો વર્ષોથી મનોજભાઈ અને આલજીભાઈ નામના બે ભાઈઓની જમીન પડાવી લેવા માટે મથતા હતા. જમીનનો કેસ તેઓ જીતી ગયા હોવા છતાં માથાભારે તત્વોએ એક સંપ થઈ તેમના સહિત પરિવારના લોકો પર હુમલો કર્યો હતો. બંને ભાઈઓએ જમીન પર વાવણી કરવા જવા માટે પોલીસ રક્ષણ માંગ્યું હતું, પણ મળ્યું નહીં અને તેમની હત્યા થઈ. પરિવારના લોકોને પણ ગંભીર ઈજાઓ થઈ.
5 – અમરેલી સબ જેલમાં રાજુલા તાલુકાના ડુંગર ગામના દલિત યુવાન જિગ્નેશ સોંધરવાની પોલીસની હાજરીમાં જ હત્યા થઈ ગઈ.
6 – પોરબંદર જિલ્લાના ભોળાદર ગામમાં માથાભારે તત્વોએ 80 વરસથી અહીં રહેતા મારખીભાઈ બેડવાનું ઘર તોડી પાડ્યું હતું, પરિવારે પોલીસ રક્ષણ માંગ્યું હતું પણ બાદમાં હટાવી દેવાતા આરોપીઓએ મારખીભાઈના પિતા દુદાભાઈ બેડવાની હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દીધી હતી.
7 – થાનગઢમાં ખુદ પોલીસે દ્વારા જ ત્રણ દૂધમલ દલિત યુવાનોની ગોળીબારમાં હત્યા કરવામાં આવી હતી, આ મામલે એક કેસમાં ચાર્જશીટ કરાઈ હતી, જ્યારે બે કેસમાં સી-સમરી ભરવામાં આવી હતી.
8 – અમદાવાદના ઈસનપુર ખાતે 17 વરસના રિતિક અરવિંદભાઈ પરમારનું પોલીસ દ્વારા માર મારતા રિમાન્ડ હોમમાં દવાખાને નહી લઈ જવાતા મોત- કસ્ટોડિયલ ડેથ
9 – ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આકોલાળી ગામે લાલજીભાઈ સરવૈયા નામના દલિત યુવાનને ઘરમાં જ જીવતા સળગાવી દેવાયા હતા.
10 – પોરબંદરના બરડા ડુંગરમાં અનુસૂચિત જાતિના દંપતિની હત્યા.
11 – અમરેલીના વરસડા ગામમાં યુવાન દલિત સરપંચની જાતિવાદીઓ દ્વારા હત્યા.
આ તમામ કેસોમાં મૃતક અથવા તેમના પરિવારજનોએ ક્યારેકને ક્યારેક જાતિવાદીઓ દ્વારા તેમને અપાતી હત્યાની ધમકીઓને લઈને પોલીસ રક્ષણ માંગ્યું હતું, અમુક કેસમાં તે મળ્યાં બાદ હટાવી દેવાયું હતું એ પછી પીડિતની હત્યા થઈ હતી, જ્યારે અન્ય કેસમાં પોલીસ દ્વારા રક્ષણ પુરું પડાયું નહોતું તેના કારણે હત્યા થઈ હતી. 2024નું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે પરંતુ દલિતો માટે સ્થિતિ જાણે વધુ કપરી થઈ રહી હોય તેવું ચિત્ર ભાસે છે.
આ પણ વાંચો : Bhima Koregaon Battle - જ્યારે મુઠ્ઠીભર મહાર યોદ્ધાઓએ પેશ્વાની વિશાળ સેનાને પરાસ્ત કરેલી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.