ચોખાની ચોરીના બહાને દલિતને ઝાડ સાથે બાંધી ઢોર માર મારતા મોત

પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી. માનવ અધિકાર કાર્યકરોએ મોબ લિંચિંગની કલમ હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી છે.

ચોખાની ચોરીના બહાને દલિતને ઝાડ સાથે બાંધી ઢોર માર મારતા મોત

છત્તીસગઢ (Chhattisgarh)ના રાયગઢ જિલ્લામાં એક દલિત વ્યક્તિની કથિત રીતે ચોખાની ચોરીના બહાને મારી મારીને હત્યા કરી દેવામાં આવી(Dalit man beaten to death). આ કેસમાં 3 શંકાસ્પદોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. માનવાધિકાર કાર્યકરોનો દાવો છે કે આ મોબ લિંચિંગનો મામલો છે. જ્યારે પોલીસનું કહેવું છે કે આ કેસ ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની કલમ 103 (2) એટલે કે મોબ લિંચિંગ હેઠળના ગુનાનો નથી. પોલીસે અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ કરવાની વાત કરી છે.

ઘટના રાયગઢ જિલ્લાના ડુમરપુર ગામમાં 22-23 ડિસેમ્બરની રાત્રે બની હતી. આ ગામ પાટનગર રાયપુરથી લગભગ 250 કિલોમીટરના અંતરે આવેલું છે. 50 વર્ષીય વીરેન્દ્ર સિદાર (મુખ્ય શંકાસ્પદ) એ પોલીસને જણાવ્યું કે તે કોઈ અવાજને કારણે જાગી ગયો. ત્યારે તેણે જોયું કે પંચરામ સારથી ઉર્ફે બુટુ તેના ઘરમાં ઘુસી ગયો હતો અને ચોખાની બોરી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એટલે તેણે પાડોશી અજય પ્રધાન (42) અને અશોક પ્રધાન (44)ને બોલાવ્યા. ત્યારબાદ ત્રણેયે મળીને પંચરામને ઝાડ સાથે બાંધી દીધા.

આ પણ વાંચો: 'પંચાયતમાં દેખાયો તો હાથપગ સાજા નહીં રહે' કહી દલિત સરપંચને માર્યો

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલીસ સૂત્રોનું કહેવું છે કે ગામના સરપંચે 23 ડિસેમ્બરના રોજ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પીડિત પંચરામ સારથી (ચોરીનો આરોપી) બેભાન અવસ્થામાં પડેલો હતો અને ઝાડ સાથે બાંધેલો હતો. પોલીસે જણાવ્યું કે તેને વાંસના દંડા વડે માર મારવામાં આવ્યો હતો અને લાત-મુક્કા પણ મારવામાં આવ્યા હતા. ત્રણેય શકમંદો સામે BNS (હત્યા)ની કલમ 103(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરી છે. પરંતુ આ મામલે વિરોધ પણ થઈ રહ્યો છે. માનવાધિકાર કાર્યકરોએ BNSની કલમ 103(2) એટલે કે મોબ લિંચિંગ હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. રાયગઢ જિલ્લાના વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા ડિગ્રી પ્રસાદ ચૌહાણે આરોપ લગાવ્યો છે કે ગામલોકોએ ટોળું બનીને મૃતક પંચરામ સારથીને ચોરીના આરોપમાં પકડ્યો, તેને દોરડા વડે થાંભલા સાથે બાંધી દીધો અને મારી-મારીને તેની હત્યા કરી નાખી.

મીડિયા સાથે વાત કરતા ડિગ્રીપ્રસાદે કહ્યું કે, "તેના પર હુમલો કરવા પાછળનું કારણ શું હતું તેનાથી કોઈ ફરક પડતો નથી. આરોપીઓ કેવી રીતે કાયદો પોતાના હાથમાં લઈ શકે? આ મોબ લિંચિંગનો મામલો છે."

ઉલ્લેખનીય છે કે, BNS ની કલમ 103(2) જણાવે છે - જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓનું જૂથ નસ્લ, જાતિ અથવા સમાજ, લિંગ, જન્મ સ્થળ, ભાષા, વ્યક્તિગત માન્યતા અથવા અન્ય સમાન આધારે હત્યા કરે છે, તો આવા જૂથના દરેક સભ્યને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા થશે અને દંડ પણ ભરવો પડશે. બીજી તરફ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ કેસ BNSની કલમ 103(2)ના માપદંડોને પૂર્ણ કરતો નથી. જોવાનું એ રહે છે કે, આખા મામલામાં મૃતક દલિત પંચરામ સારથીને ન્યાય મળે છે કે નહીં.

આ પણ વાંચો: દલિત કિશોરને પોલીસે વીજ કરંટ આપી ઉંધો લટકાવીને મારતા મોત?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.