ગુજરાત વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ ગુજરાતથી દંડવત કરતા દિલ્હી જશે
વાલ્મિકી સમાજની પડતર માગણીઓ સરકાર સાંભળતી ન હોવાથી તેના અધ્યક્ષ ગુજરાતથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી પીએમ મોદીને વેદનાપત્ર પાઠવશે.

ગુજરાત સહિત દેશભરમાં સફાઈકર્મીઓની સ્થિતિ કેવી છે તેના વિશે વધુ કશું કહેવાની જરૂર નથી. એમાં પણ ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યા પછી સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટ આધારિત કરી દેવાતા તેમની રોજીરોટીના અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સફાઈ માટે ફાળવવામાં આવતા બજેટમાંથી મોટાભાગની રકમ કોન્ટ્રાક્ટરો ખાઈ જાય છે અને જમીની સ્તરે કામ કરતા સફાઈ કામદારોને કશું પણ મળતું નથી. સફાઈકર્મીઓની આવી અનેક સમસ્યાઓને લઈને રાજ્યમાં ગુજરાત વાલ્મિકી સંગઠન લડત ચલાવી રહ્યું છે. અનેકવાર આ સંગઠન સફાઈકર્મીઓની માગણીઓને લઈને સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપવાથી લઈને ધરણાં કરવા સુધીની રજૂઆતો કરી ચૂક્યું છે, પણ સરકાર સફાઈકર્મીઓની માગણીઓને જરાય ગંભીરતાથી લેતી નથી. પરિણામે આ સંગઠનના અધ્યક્ષે હવે અરવલ્લી જિલ્લાના માલપુરથી દેશની રાજધાની દિલ્હી સુધી દંડવત કરતા જઈ પીએમ મોદીને વેદનાપત્ર આપવાનું નક્કી કર્યું છે.
ગુજરાતભરના સફાઈકર્મીઓની પડતર માગણીઓને લઈને ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા શરૂ કરવામાં આવી છે. ગુજરાત વાલ્મિકી સંગઠન છેલ્લાં ઘણાં સમયથી સફાઈ કામદારો અને અન્ય કર્મચારીઓને કાયમી કરવાની માગને લઈ આવેદનપત્ર, ધરણાં, પ્રદર્શન જેવા આંદોલન ચલાવી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા તેના પર ધ્યાન આપવામાં નથી આવતું. જેના કારણે હવે ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે અરવલ્લી જિલ્લાના માલપુરથી દેશની રાજધાની દિલ્હી સુધીની દંડવત યાત્રા શરૂ કરી છે. એક વર્ષ સુધી ચાલનારી આ દંડવત યાત્રા બાદ તેઓ દિલ્હી પહોંચશે અને ત્યાં વાલ્મિકી સમાજની વિવિધ માંગણીઓને લગતું વેદનાપત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે.
દંડવત યાત્રા શરૂ કરવાને લઈને ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે જણાવ્યું હતું કે, "વર્ષોથી સરકારી કચેરીઓમાં કામ કરતા સફાઈ કામદારોને એજન્સીઓ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. સફાઈનું કામ અમે કરીએ છીએ પણ સરકારની ખાનગીકરણની નીતિને કારણે બધો લાભ કોન્ટ્રાક્ટરો લઈ જાય છે. અમારી બેઝીક માગણીઓ પર સંતોષાતી નથી. સફાઈકર્મીઓનું શોષણ થાય છે, તેમના પગારથી લઈને અનેક મોરચે અન્યાય થઈ રહ્યો છે. આ બાબતે અમે અનેકવાર સરકારના લાગતા વળગતા અધિકારીઓ, કચેરીઓએ અરજી, આવેદનપત્ર અને ધરણાં કાર્યકર્મો કર્યા છે. પણ સરકાર દ્વારા અમારી કોઈ જ માગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી. આથી હવે અમે તેના માટે દંડવત કરીને દિલ્હી જવાનું નક્કી કર્યું છે. એક વર્ષ સુધીમાં દંડવત કરીને દિલ્હી પહોંચી પીએમ મોદીને મળીને સમસ્ત વાલ્મિકી સમાજની વેદનાને વાચા આપતું વેદનાપત્ર આપીશું."
આ પણ વાંચો: અમિત શાહે ડૉ.આંબેડકર સામે કરેલા નિવેદનનો હવે વિદેશોમાં પણ વિરોધ