દિલ્હીમાં સાવરકરના નામે કૉલેજ બનશે, PM મોદી આજે શિલાન્યાસ કરશે?

દેશમાં પહેલીવાર વિવાદાસ્પદ હિંદુત્વવાદી નેતા વિનાયક દામોદર સાવરકરના નામ પર કૉલેજ શરૂ થવા જઈ રહી છે. આજે પીએમ મોદી તેનો શિલાન્યાસ કરશે?

દિલ્હીમાં સાવરકરના નામે કૉલેજ બનશે, PM મોદી આજે શિલાન્યાસ કરશે?
image credit - Google images

દેશની રાજધાની દિલ્હીમાં વિવાદાસ્પદ હિંદુત્વવાદી નેતા વિનાયક દામોદર સાવરકર (Savarkar) ના નામ પર એક નવી કૉલેજ શરૂ થવા જઈ રહી છે. આજે પીએમ મોદી (PM Modi) આ કોલેજનો શિલાન્યાસ (lay foundation stone) કરે તેવી શક્યતા છે. આ માટે પીએમઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પણ હજુ સુધી પરમીશન ન મળી હોવાનું કહેવાય છે. દિલ્હી યુનિવર્સિટી (DU) ના બે નવા કેમ્પસ પૂર્વ અને પશ્ચિમ દિલ્હીમાં બનાવવામાં આવનાર છે. જેમાં સાવરકરના નામ પર રાખવામાં આવેલી કોલેજનો શિલાન્યાસ થશે.

સાવરકરના નામે નવી કોલેજની માહિતી દિલ્હી યુનિવર્સિટી (Delhi University) ના સૂત્રો દ્વારા આપવામાં આવી છે. અગાઉ વર્ષ ૨૦૨૧માં દિલ્હી યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે નઝફગઢમાં અંદાજિત ૧૪૦ કરોડ રૂપિયાના ખર્ચે સાવરકર કોલેજના નિર્માણને મંજૂરી આપી હતી. પીએમ મોદીને કોલેજના શિલાન્યાસ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 

દિલ્હી યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું છે કે યુનિવર્સિટીના પૂર્વ કેમ્પસની સ્થાપના સૂરજમલ વિહારમાં કરવામાં આવશે અને તેનો અંદાજિત ખર્ચ ૩૭૩ કરોડ રૂપિયા હશે. સાથે જ દ્વારકામાં યુનિવર્સિટીનું વેસ્ટર્ન કેમ્પસ સ્થપાશે.

દિલ્હી યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે વર્ષ ૨૦૨૧માં ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજના નામ પર કોલેજના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ સિવાય ડીયુના વાઇસ ચાન્સેલરને બે પ્રસ્તાવિત કોલેજો માટે નામ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ નામોની યાદીમાં સ્વામી વિવેકાનંદ, વલ્લભભાઈ પટેલ, અટલ બિહારી વાજપેયી અને સાવિત્રીબાઈ ફુલે જેવા નામો સામેલ હતા. જો કે આખરે સાવરકરના નામ પર કૉલેજ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

નામકરણને લઈને વિવાદ શરૂ
સાવરકરના ઈતિહાસને જોતા તેમના નામે કોલેજ શરૂ થાય અને વિવાદ ન થાય તો જ નવાઈ લાગે. કોંગ્રેસે આ મામલે પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે ભાજપને વિવાદાસ્પદ લોકો પર રાજનીતિ કરવાની ટેવ છે. તેઓ કોના નામે સંસ્થા બનાવી રહ્યા છે તે મહત્વનું નથી. છેલ્લા 11 વર્ષમાં તેમણે સાવરકરના નામે કોઈ યોજના શરૂ કરી નથી. આખો દેશ જાણે છે કે સાવરકરનો અંગ્રેજો સાથે કેવો સંબંધ હતો. એક નહીં 50 યુનિવર્સિટી બનાવો, બાળકો ભણવા માટે બહાર જાય.

કોંગ્રેસના સાંસદ સૈયદ નાસિર હુસૈને ભાજપ પર સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનની અવગણના કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે એક કોલેજના નામકરણ દ્વારા એક એવી વ્યક્તિની વાહવાહી કરવામાં આવી રહી છે જેણે અંગ્રેજોને માફીપત્ર લખ્યા હતા. તેમણે કહ્યું કે, ઘણા લોકો દેશ માટે જીવ્યા અને સ્વતંત્રતા સંગ્રામમાં મોટું યોગદાન આપ્યું હતું. પણ ભાજપ એવા લોકોને કાયદેસરતા આપી રહી છે જેમણે અંગ્રેજોને માફી પત્રો લખ્યા હતા અને તેમની પાસેથી પેન્શન લીધું હતું.

આ પણ વાંચોઃ સાવરકર બ્રાહ્મણ હોવા છતાં ગૌમાંસ ખાતા હતા: કર્ણાટકના મંત્રી

ભાજપે વળતો પ્રહાર કર્યો
ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કોંગ્રેસના સાંસદ નસીર હુસૈનની વીર સાવરકર વિશે કરેલી ટિપ્પણીની આકરી ટીકા કરી હતી. તેમણે પક્ષ પર સાવરકર જેવી અગ્રણી વ્યક્તિઓનું વારંવાર અપમાન કરવાનો આરોપ લગાવ્યો. પૂનાવાલાએ કહ્યું, "મહાન લોકોનું અપમાન કરવું એ કોંગ્રેસની ઓળખ બની ગઈ છે. રાહુલ ગાંધીએ તેમના એક સાંસદ નાસિર હુસૈન દ્વારા ફરી એકવાર વીર સાવરકરનું અપમાન કર્યું છે. દિલ્હી યુનિવર્સિટી (ડીયુ) એ તેની એક કોલેજનું નામ વીર સાવરકરના નામ પર રાખ્યું છે. અને કોંગ્રેસે વિરોધ શરૂ કર્યો છે. હું નાસિર હુસૈન જીને પૂછું છું કે શું ઈન્દિરા ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે કે શિવરાજ સિંહ ચૌહાણ પણ ખોટા હતા, કારણ કે આ બધાએ પણ સાવરકરની મહાનતાની પ્રશંસા કરી હતી."

પંજાબ કોંગ્રેસે શહીદોના નામે ઈન્સ્ટિટ્યૂટ ખોલવા કહ્યું
પંજાબના કોંગ્રેસના સાંસદ સુખજિન્દર સિંહ રંધાવાએ દિલ્હીમાં વીર સાવરકરના નામ પર ઈન્સ્ટિટ્યૂટ બનાવવા પર કહ્યું કે, "અંગ્રેજો પાસેથી માફી લાવનારાઓ માટે ઈન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે, પરંતુ ફાંસીએ લટકી જનારાઓ માટે ઈન્સ્ટિટ્યૂટ કોણ બનાવશે? આઝાદીની ચળવળ દરમિયાન પંજાબના ઘણા લોકોને ફાંસી પણ આપવામાં આવી હતી. આ લોકો માટે ઈન્સ્ટિટ્યૂટ કોણ બનાવશે? જો કોલેજ બનાવવી હોય તો શહીદ ભગતસિંહ, લાલા લજપત રાય, સુખદેવ સિંહના નામની બનાવવી જોઈએ. હું સમજું છું કે આવા લોકોએ દેશ માટે બલિદાન આપ્યું છે. નહીં કે, એવા લોકોના નામે કોલેજ બને જે અંગ્રેજો પાસે માફી માંગીને આવ્યા હતા."

ડૉ. મનમોહનસિંહના નામે ઈકોનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટની માંગ
સુખજિન્દર સિંહ રંધાવાએ પૂર્વ પીએમ મનમોહન સિંહના નામ પર વર્લ્ડ ક્લાસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટ બનાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, "પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહને જે સન્માન મળવું જોઈએ તે તેમને આપવામાં આવ્યું નથી. તેઓ 10 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન હતા. અમે સરકાર પાસે માંગ કરી છે કે સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવે."

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) એ પીએમ મોદીને પત્ર લખીને દિલ્હી યુનિવર્સિટીની પ્રસ્તાવિત નવી કોલેજનું નામ વીર સાવરકરને બદલે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામ પર રાખવા વિનંતી કરી છે. પત્રમાં, NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરીએ શિક્ષણ અને વહીવટમાં મનમોહન સિંહના યોગદાન પર પ્રકાશ પાડ્યો અને વિનંતી કરી કે કોલેજ તેમના વારસાને સન્માન આપે.

એનએસયુઆઈએ પીએમને પત્ર લખ્યો
પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'માનનીય વડાપ્રધાન, તમે વીર સાવરકરના નામે દિલ્હી યુનિવર્સિટી હેઠળ એક કોલેજનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છો. એનએસયુઆઈ ભારપૂર્વક માંગ કરે છે કે આ સંસ્થાનું નામ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામ પર રાખવામાં આવે. તેમનું તાજેતરનું અવસાન એ એક મોટી ખોટ છે અને તેમના યોગદાન અને વારસાને સન્માનવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમના નામે પ્રીમિયર શૈક્ષણિક સંસ્થાઓને સમર્પિત કરવામાં આવે.'

NSUIએ કહ્યું છે કે, 'મનમોહન સિંહે IIT, IIM, AIIMS જેવી ઘણી સંસ્થાઓની સ્થાપના કરી અને સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ રજૂ કર્યો. તેમના નામ પર સંસ્થાઓનું નામકરણ પેઢીઓને પ્રેરણા આપશે અને તેમની પરિવર્તનકારી દ્રષ્ટિનું સન્માન કરશે. ભારતમાં તેમના અનન્ય યોગદાનને ઓળખવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.'

આ પણ વાંચોઃ સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.