સાવરકર બ્રાહ્મણ હોવા છતાં ગૌમાંસ ખાતા હતા: કર્ણાટકના મંત્રી
કર્ણાટકના આરોગ્યમંત્રીએ કહ્યું કે, સાવરકર કટ્ટરવાદી વિચારધારા ધરાવતા હતા અને તેમને ગૌહત્યા સામે કોઈ વાંધો નહોતો.
કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે સાવરકર પર નિવેદન આપીને વિવાદ સર્જ્યો છે. દિનેશ ગુંડુ રાવે દાવો કર્યો છે કે વીડી સાવરકર ગૌહત્યાના વિરોધી નહોતા કારણ કે તેઓ પોતે માંસાહારી હતા. દિનેશ ગુંડુ રાવે વધુમાં કહ્યું, “સાવરકર બ્રાહ્મણ હોવા છતાં માંસ ખાતા હતા અને માંસ ખાવાનો ખુલ્લેઆમ પ્રચાર કરતા હતા."
ગુંડૂ રાવે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી અને સાવરકરના વિચારોની પણ સરખામણી કરી હતી. તેઓ પત્રકાર ધીરેન્દ્ર ઝાના પુસ્તક 'ગાંધી'સ એસેસિન્સઃ ધ મેકિંગ ઓફ નાથુરામ ગોડસે એન્ડ હિઝ થોટ્સ ઓન ઈન્ડિયા'ની કન્નડ આવૃત્તિના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા.
મંત્રીએ વધુમાં કહ્યું કે, સાવરકરની વિચારધારા કટ્ટરવાદ તરફ ઝુકેલી હતી, જ્યારે ગાંધીજીની માન્યતાઓ લોકશાહી તરફી હતી. તેમણે કહ્યું કે ગાંધીજીના કાર્યો સહિષ્ણુતા અને સર્વસમાવેશકતાને પ્રતિબિંબિત કરે છે જેણે તેમને કટ્ટરવાદી વિચારસરણીથી અલગ કર્યા.
ગુંડુ રાવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, લોકશાહીમાં ગાંધીજીની માન્યતા એ સાવરકરની વિચારધારાના વધતા પ્રભાવ અને આજના સમયમાં કટ્ટરવાદની વધતી લહેર સામે એક શક્તિશાળી જવાબ છે.
દેશ સાવરકરનું અપમાન સહન નહીં કરે – ભાજપ
ગુંડુ રાવના નિવેદનના જવાબમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસને 'જૂઠાણાની ફેક્ટરી' ગણાવી અને ચેતવણી આપી કે દેશ સાવરકર પ્રત્યે કોઈપણ પ્રકારનો અનાદર સહન કરશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારતની છબી ખરાબ કરવા માટે વિશ્વભરમાં જૂઠાણું ફેલાવે છે અને તેમની પાર્ટીએ હવે સ્વતંત્રતા સેનાનીઓને બદનામ કરવાનું શરૂ કર્યું છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ભારત સાવરકરનું અપમાન સહન નહીં કરે. કોંગ્રેસના નેતાઓએ સાવરકર પાસેથી કંઈ શીખ્યું નથી અને માત્ર સત્તા ભોગવી છે.
રણજીત સાવરકરે વિરોધ કર્યો
દરમિયાન, વીડી સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કહ્યું છે કે, સાવરકરે ગૌરક્ષાનું પુરજોશથી સમર્થન કર્યું હતું અને જે કોઈ કોંગ્રેસી નેતા તેમનું અપમાન કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માર્ચની શરૂઆતમાં રણજીતે રાહુલ ગાંધી પર રાજકીય લાભ માટે સાવરકરનું વારંવાર અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: ભાજપની તિરંગા યાત્રામાં બાળકો સાવરકરના ટિશર્ટમાં જોવા મળ્યાં