જૂનાગઢ એટ્રોસિટી કેસમાં ગણેશ ગોંડલને હાઈકોર્ટે જામીન આપ્યા
જૂનાગઢના દલિત યુવકને માર મારી, ગોંધી રાખવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશને હાઈકોર્ટે શરતી જામીન આપી દીધાં છે.
જૂનાગઢના દલિત યુવકને માર મારી, ગોંધી રાખી, નગ્ન કરી જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કરવાના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને આજે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. ગણેશે જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી, હથિયાર બતાવી ખૂની હુમલો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર હાઇકોર્ટે ગણેશ ગોંડલને જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકતા શરતી જામીન અપાયા છે. ધારાસભ્યનો પુત્ર ગણેશ ગોંડલ 4 મહિના બાદ જેલમાંથી બહાર આવશે. આ અગાઉ અગાઉ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગણેશની જામીન અરજી ફગાવી દીધી હતી.
ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ગત તા. 29 મેના જૂનાગઢના દાતાર રોડ પરથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય ઉર્ફે ચંદુ સોલંકીનું અપહરણ કરી ખુની હુમલો થયો હતો. આ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 શખ્સો સામે અપહરણ હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તા. 5 જૂનના જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા હતા. પોલીસે કાયદા વિભાગની મંજૂરી મેળવી હાઇકોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસને જેલમાં જઈ પૂછપરછ કરવા મંજૂરી આપી હતી. ગણેશ જાડેજા સહિતનાઓના જામીન ના મંજૂર થયા હતા.
હમણાં જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી
જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે થોડા દિવસ પહેલા જેલમાંથી બેન્કની ચૂંટણી લડીને ગોંડલ નાગરિક બેન્કના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયો છે, જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળીયા ત્રીજીવાર રિપીટ થયા છે. આજે નાગરિક બેંક ખાતે ચૂંટાયેલી નવી બોડીની બેઠક યોજાઇ હતી, જેમાં ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન તરીકે અશોક પીપળીયા, વાઇસ ચેરમેન તરીકે ગણેશ ગોંડલ અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ ટોળિયાની વરણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: ગણેશ ગોંડલે જેલમાં રહીને ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં જીત મેળવી