15 દિવસ ચાલતા મેળામાં 2 દિવસમાં 4200 ભેંસોની બલિ ચડાવાઈ

5 વર્ષમાં એકવાર મેળો ભરાય છે. 15 દિવસમાં લાખો જાનવરોની બલિ ચડાવી દેવામાં આવે છે. ગિનીસ બુકમાં સૌથી વધુ સામૂહિક બલિ પ્રથા તરીકે આ મેળો કુખ્યાત થઈ ચૂક્યો છે.

15 દિવસ ચાલતા મેળામાં 2 દિવસમાં 4200 ભેંસોની બલિ ચડાવાઈ
image credit - Google images

પાડોશી દેશ નેપાળ (Nepal) ના બારા જિલ્લામાં ગઢીમાઈ દેવી (Gadhimai Devi) ના સ્થાનકે દર પાંચ વર્ષે એક વાર મેળો ભરાય છે. જેમાં ૨.૫ લાખથી ૫ લાખ પશુઓની બલિ (animals sacrificed) ચઢાવવામાં આવે છે. આ વખતે, સશસ્ત્ર સીમા દળ અને સ્થાનિક વહીવટીતંત્રે પ્રાણીઓને બચાવવા માટે દિવસ-રાત કામ કર્યું હતું. મળતી માહિતી મુજબ ૧૫ દિવસ સુધી ચાલનારા મેળામાં આ વખતે ૮ અને ૯ ડિસેમ્બરના બે દિવસમાં જ ૪૨૦૦ ભેંસોની બલિ ચડાવવામાં આવી હતી. સાથે જ વહીવટી તંત્રની સતર્કતાના કારણે ૭૫૦ જેટલા પશુઓને બચાવી લેવાયા છે, જેમાં ભેંસ, ઘેટાં, બકરા અને અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ પ્રાણીઓને જામનગરમાં રિલાયન્સના વાઇલ્ડલાઇફ રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

બારા જિલ્લામાં ગઢીમાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગઢીમાઈ મંદિર ખાતે દર પાંચ વર્ષે આયોજિત મેળાનું ઉદ્‌ઘાટન ૨જી ડિસેમ્બરે નેપાળના ઉપરાષ્ટ્રપતિ રામ સહાય યાદવે કર્યું હતું. આ મેળો ૧૫ ડિસેમ્બર સુધી ચાલ્યો હતો. ૮મી ડિસેમ્બરે એક વિશેષ પૂજા કરવામાં આવી હતી અને તે પછી, જેમની મનોકામના પૂર્ણ થઈ હતી તેવા લોકોએ તેમની માનતા મુજબ પશુ-પક્ષીઓની બલિ ચઢાવી હતી.

લોહીયાળ આ પરંપરા પાછળ શું માન્યતા છે?

આ લોહિયાળ પરંપરા સાથે જોડાયેલી માન્યતા એવી છે કે, ગઢીમાઈ મંદિરના સ્થાપક ભગવાન ચૌધરીને સપનું આવ્યું હતું કે માતા તેમને જેલમાંથી મુક્ત કરવા માટે બલિ માંગી રહી છે. એ પછી પૂજારીએ પ્રાણીનું બલિદાન આપ્યું હતું. ત્યારથી  લોકો આ મંદિરે આવે છે અને માનતા માની, તે પૂર્ણ થતા પ્રાણીઓની બલિ ચઢાવે છે.

કહેવાય છે કે ગઢીમાઈનો આ ઉત્સવ ૨૬૫ વર્ષથી ચાલ્યો આવે છે. નેપાળની સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૯માં અહીં પ્રાણીઓની બલિ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. નિષ્ણાતો કહે છે કે જ્યારે લોકો તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે ગઢીમાઈના મંદિરમાં બલિ ચઢાવે છે. વિશ્વમાં સૌથી વધુ બલિ આ મંદિરમાં અપાય છે. અહીં બલિ આપવા માટે જાનવરોની ખરીદી કરવામાં આવે છે.

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ

ગઢીમાઈનો મેળો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટી સામૂહિક બલિ પ્રથા તરીકે નોંધાયેલો છે. અહીં સૌથી પહેલા વારાણસીના ડોમ રાજને ત્યાંથી આવતા 5100 પ્રાણીઓની બલિ ચઢાવવામાં આવે છે. આ મેળો લગભગ ૧૫ દિવસ સુધી ચાલે છે અને તેમાં નેપાળ અને ભારતના ભક્તો ભાગ લે છે. દરરોજ લગભગ પાંચ લાખ ભક્તો આવે છે.

ભારતમાં આ મેળાનો ભારે વિરોધ થઈ રહ્યો છે

આ મેળામાં નેપાળ ઉપરાંત ભૂટાન, બાંગ્લાદેશ અને ભારત સહિતના અનેક દેશોમાંથી કરોડો શ્રદ્ધાળુઓ આવે છે. વિશ્વના ઘણા દેશોમાં બલિ પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો છે ત્યારે ભારતમાં પણ આ બલિ પ્રથા સામે અવાજ ઉઠવા લાગ્યો છે. ભારતમાં આ મેળાને લઈને પશુઓની તસ્કરી થવા લાગી છે. આ મામલો નેપાળની સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. જો કે વર્ષ ૨૦૧૯માં અહીંની કોર્ટે અહીં પ્રાણીઓની બલિ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ આદેશમાં તેણે કહ્યું હતું કે ગઢીમાઈના મેળા દરમિયાન પશુઓની બલિ ધીરેધીરે ઘટાડવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે મામલો ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો છે, તેથી તેની સાથે જોડાયેલા લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકાય નહીં.

આ પણ વાંચો: ભારતનું માંસ ઉત્પાદન 5% વધીને 1.02 કરોડ ટન સુધી પહોંચી ગયું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.