દલિત સરપંચે અંતિમવિધિમાં મદદ કરતા તેમના ઘર સામેનો રસ્તો ખોદી નાખ્યો
દલિત મહિલા સરપંચે ગામની એક દલિત મહિલાના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે લાકડાની વ્યવસ્થા કરી આપી હતી. જેનાથી મનુવાદીઓ ઉશ્કેરાયા હતા. હવે મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.

મનુસ્મૃતિમાં શ્રદ્ધા ધરાવતા જાતિવાદી તત્વોને દલિતો સાથે ક્યારે અને કેવી બાબતમાં માઠું લાગી આવશે કે કળી શકાય તેમ નથી. વાસ્તવમાં તેઓ દલિત સમાજના લોકો સામે વાંધો પડે ત્યારે તેમને સબક શીખવાનું કોઈને કોઈ બહાનું શોધતા હોય છે. પછી ભલેને તે મામલો સ્મશાનમાં અંતિમવિધિ માટે લાકડા આપવાનો જ કેમ નથી. સામાન્ય રીતે ગમે તેવો હલકટ માણસ પણ કોઈ વ્યક્તિની અંતિમવિધિ કે તેની સાથે જોડાયેલી કોઈ બાબતને લઈને દખલગીરી ન કરે. પણ મનુવાદી તત્વો હલકટ લોકોને પણ ટપી જાય તેવું કૃત્ય કરતા અચકાતા નથી અને તેનું સૌથી મોટું ઉદાહરણ આ ઘટના છે.
ઘટના બટેંગે તો કટેંગે ફેઈમ જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશની છે. અહીંના બલરામપુરના રાજઘાટ કાકડા ગામમાં 20 જાન્યુઆરી 2025ના રોજ એક ગામની દલિત મહિલા સરપંચે આરોપ લગાવ્યો છે કે, તેમણે ગામની એક દલિત મહિલાના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે લાકડાની વ્યવસ્થા કરાવી હતી. જેના કારણે બાજુના ગામના સરપંચે તેમના ઘર સામે જેસીબી મશીનથી મસમોટો ખાડો ખોદાવીને તેમનો અવરજવરનો રસ્તો જ બંધ કરી દીધો હતો. આ મામલે દલિત મહિલા સરપંચે પોલીસ ફરિયાદ કરતા એસપીએ તપાસના આદેશ આપ્યા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના રાજઘાટ કાકરા ગામમાં બની હતી. બફવા ગામની દલિત મહિલા સરપંચ સુનિતા દેવીએ રાજઘાટ કાકરા ગામના સરપંચ સુનિલ સિંહ પર જમીન પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે સુનીલ સિંહે સુનિતા દેવીના ઘરની સામે ખાડો ખોદી નાખ્યો અને તેમના પરિવારનો ઘરે આવવા-જવાનો રસ્તો બંધ કરી દીધો.
આખા મામલામાં એક દલિત મહિલાની અંતિમવિધિમાં સરપંચ સુનિતા દેવીએ કરેલી મદદ જવાબદાર હોવાનું કહેવાય છે. આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ગત શનિવારે સોહનલાલ નામનો એક દલિત સુનિતા દેવી પાસે તેની પત્નીની અંતિમવિધિ માટે લાકડા માંગવા માટે આવ્યો હતો. સુનિતા દેવીએ મેવાલાલ નામના એક માણસને કહીને ગામના તળાવ પાસે આવેલા ઝાડમાંથી સૂકી ડાળીઓ તોડીને સોહનલાલને મદદ કરવા કહ્યું હતું. જેનો બાજુના ગામના સરપંચ સુનીલ સિંહે આવીને વિરોધ કર્યો હતો અને મેવાલાલને જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કર્યું હતું.
મેવાલાલે દાવો કર્યો હતો કે તેણે અંતિમ સંસ્કાર માટે લાકડા એકઠા કરી રહ્યાં હોવાની વાત કહી હતી તેમ છતાં સુનીલ સિંહે લાકડા લઈ જવા દીધા નહોતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના પછી સુનિલ સિંહે બફવા ગામમાં દલિત સરપંચ સુનિતા દેવીના ઘર સામેની જમીનને ખળું જાહેર કરીને ત્યાં જેસીબી મશીનથી 100 મીટર લાંબી અને 8 ફૂટ ઊંડી ખાઈ ખોદી નાખી હતી. જેના કારણે સુનિતા દેવીના પરિવારને ચાલવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.
સુનિતા દેવી અને તેમના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેમણે આ અંગે શહેર પોલીસ સ્ટેશન અને મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ નોંધાવી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
અધિક પોલીસ અધિક્ષક (ASP) નમ્રતા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ફરિયાદ મળી છે અને તપાસ ચાલી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન, આરોપી સુનિલ સિંહે પોતાના બચાવ કરતા કહ્યું હતું કે, આ જમીન તેમના ગામની હદમાં છે અને તેને ગામના ખળાં તરીકે જાહેર કરવાનો અમને હક હોવાથી અમે ત્યાં ખાડો ખોદી વાડ કરવા માંગીએ છીએ. આખો મામલો સ્પષ્ટ રીતે દ્વેષભાવનાથી પ્રેરિત હોવા છતાં આરોપી સુનિલ સિંહે નફ્ફટ થઈને સુનિતા દેવી સાથે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ હોવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: ધર્મ પરિવર્તન કરનાર શખ્સની સ્થાનિકોએ અંતિમક્રિયા ન થવા દીધી