ઘરેથી દવા લેવા નીકળેલી દલિત મહિલા પર 7 લોકોએ બળાત્કાર કર્યો

ત્રણ સંતાનોની માતા એવી 30 વર્ષની એક દલિત મહિલા ઘરેથી દવા લેવા માટે બજારમાં નીકળી હતી, જ્યાંથી તેને ઉપાડી જઈને 7 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો.

ઘરેથી દવા લેવા નીકળેલી દલિત મહિલા પર 7 લોકોએ બળાત્કાર કર્યો
image credit - Google images

ઉત્તરપ્રદેશના લખનઉ નજીક ગોસાઈગંજ વિસ્તારમાં એક દલિત મહિલા પર સાત લોકોએ સામૂહિક બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. મહિલા પોતાના ઘરેથી દવા લેવા માટે બજારમાં જવા માટે નીકળી હતી. એ દરમિયાન એક ગેંગના સાગરિતોએ તેને ઝડપી પાડી હતી અને તેને ખૂણામાં લઈ જઈને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ 7 લોકો સામે કેસ નોંધાવ્યો છે. 

પોલીસે એક આરોપીના ઘરે રેડ પાડી પણ તે ફરાર છે. બાકીના આરોપીઓની પણ શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે. મહિલા હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શકી નથી. તે કશું બોલી શકવાની પણ સ્થિતિમાં નથી. હાલ તેની મેડિકલ તપાસ કરાવવામાં આવી રહી છે. ઘટના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનની છે.

મળતી વિગતો પ્રમાણે, ગોસાઈગંજ વિસ્તારમાં રહેતી દલિત પીડિતા ગઈકાલે બપોરે 12 વાગ્યા આસપાસ દવા લેવા માટે બજારમાં જઈ રહી હતી. આરોપ છે કે ખુર્દહી બજાર પાસે કટર બક્સાના રહેવાસી એક શખ્સ અને તેના 6 સાગરિતોએ મહિલાને પકડી લીધી હતી અને બળજબરીથી તેને બગીચામાં લઈ ગયા હતા અને ત્યાં તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ આ લોકોનો મજબૂતીથી સામનો કર્યો હતો પણ તેમણે તેને માર માર્યો હતો અને તેનો મોબાઈલ પણ છીનવી લીધો હતો.

એ પછી આરોપીઓ મહિલાને ધમકી આપતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મહિલા ઘરે પહોંચી અને તેણે પરિવારજનોને આખી ઘટનાની જાણ કરી હતી. એ પછી તે તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી જ્યાં સાત આરોપીઓ વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
પીડિતા ત્રણ બાળકોની માતા છે
આ મામલાની તપાસમાં લાગેલી પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતાની ઉંમર 30 વર્ષ છે અને તે પરિણીત છે. તેના ત્રણ બાળકો પણ છે. ગઈકાલે મોડી રાત્રે તેની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. જે સ્થળ પર ઘટના ઘટી હોવાનું કહેવાય છે તે એક જાહેર સ્થળ છે. પોલીસ હવે અહીં તપાસ કરી રહી છે.

પોલીસ આજે સવારે મહિલાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જનું કહેવું છે કે, ઘટના સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. પોલીસની ટીમ ચોતરફ આરોપીઓને શોધી રહી છે.

એડીસીપી સાઉથ શશાંક સિંહનું કહેવું છે કે, પીડિતા હજુ પણ આઘાતમાં છે. તેની સાથે વધુ વાત નથી થઈ શકી. આરોપીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેના પરિવારજનોની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ એક સમયે જેને 'નાચનારી' કહીને ઉતારી પાડેલી, એ દલિત યુવતી BIG BOSS માં પહોંચી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.