દાહોદના તોરણીમાં આચાર્ય જ બાળકીનો હત્યારો નીકળ્યો
દાહોદની તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીની હત્યા આચાર્યે જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં થયેલો ઘટસ્ફોટ જાણીને ચોંકી જશો.
દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના પીપળીયા ગામની તોરણી પ્રાથમિક શાળામા ધોરણ 1 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના મોત મામલે ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. વિદ્યાર્થીનીની હત્યા કોઈ બીજાએ નહી પણ ખુદ તેની શાળાના આચાર્ય ગોવિંદ નટે કરી નાખી હોવાનો પોલીસ તપાસમાં સનસનાટી ભરી થયો હતો. રસ્તામા શાળાએ જતી વિદ્યાર્થીનીને આચાર્યે પોતાની કારમાં બેસાડી દીધી હતી અને રસ્તા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા બાળકીએ બુમાબુમ કરતા આચાર્યે તેની હત્યા કરી માસુમને ક્લાસ રૂમની ખુલ્લી જગ્યા પાછળ મુકી દીધી હતી. આ મામલે દાહોદ જીલ્લા પોલીસે 10 ટીમો બનાવીને જુદા જુદા એંગલ અને ટેકનીકલ એનાલિલીસની મદદની આરોપી આચાર્યને ઝડપી પાડ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના પીપળીયા ગામની તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળાએ જવા નીકળી હતી. સાંજે વિદ્યાર્થીની પરત નહી આવતા તેના પિતા અને પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામા આવી હતી. વિદ્યાર્થીની ઓરડા અને કમ્પાઉન્ડ વચ્ચે બેભાન અવસ્થામા મળી આવતા પરિવારજનોને આંચકો લાગ્યો હતો. તેને સિંગવડ સરકારી હોસ્પિટલ અને ત્યાથી લીમખેડા ખાતે લઈ જવાઈ હતી પણ ફરજ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામા આવી હતી.
પોસ્ટમોર્ટમમાં તેનું મોત શ્વાસ રુંધાઈ જવાથી થયું હોવાની વિગતો બહાર આવી હતી. આ મામલે રણધીકપુર પોલીસ મથકે ગુનો નોધાયો હતો. કેસની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ ગુનાવાળી જગ્યા તેમજ સરકારી દવાખાનાની વિઝીટ કરી હતી અને એલસીબી, એસઓજી, રણધીકપુર પોલીસ સ્ટેશન, સંજેલી પોલીસ સ્ટેશન, લીમખેડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની 10 જુદી જુદી ટીમો બનાવી હતી અને કેસની ઝીણવટપૂર્વક ફોરેન્સિક ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ, ડોગ સ્ક્વોર્ડની ટીમ સહિત તપાસ હાથ ધરવામા આવી હતી.
આ પણ વાંચો: LD એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?
પોલીસ તપાસમાં વિગત બાહર આવી હતી કે મૃતક વિદ્યાર્થીની છેલ્લે આચાર્ય ગોવિંદભાઈ નટની ગાડીમાં તેની માતા દ્વારા મોકલવામા આવી હતી. આ બાજુ પોલીસે શાળામાં અભ્યાસ કરતા ત્રીસ જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા વિદ્યાર્થીની શાળામાં આવી ન હોવાની વિગત સાંપડી હતી. વધુમાં વિદ્યાર્થીની આચાર્યની કારમાં સુતેલી હાલતમાં હોવાનું એક વિદ્યાર્થી તેમજ એક શિક્ષક દ્વારા જાણવા મળ્યું હતું. આથી પોલીસ દ્વારા આચાર્ય ગોવિંદભાઈ નટની પુછપરછ કરવામા આવતા એમ જણાવામા આવ્યું હતું કે વિદ્યાર્થીની મારી સાથે આવેલી પણ તે ક્યાં ઉતરી ગયી હતી તેની મને ખબર નથી. શાળા છુટી ગયા બાદ હું મારા ઘરે જતો રહ્યો હતો. બાળકીના વર્ગ શિક્ષક દ્વારા મને તે ગુમ થઈ ગયાની જાણ થઈ હતી તેવી થીયરી પોલીસ સમક્ષ વર્ણવી હતી.
જોકે પોલીસને આ થીયરી ગળે ઉતરી નહોતી અને તેમણે તપાસ ચાલું રાખી હતી. ટેકનિકલ એનાલિસીસ કરતા બાળકીને જે સ્થળેથી બેસાડી હતી અને શાળામા આવવા-જવા માટે લાગતા રોંજીદા સમય કરતા બનાવના દિવસે વધારે સમય લાગતા તેમજ કોલ રેકોર્ડના આધારે આચાર્યની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ગુનો કબૂલી લીધો હતો.
આચાર્યે જણાવ્યું કે, બાળકી છેડછાડ અને અડપલાં કરતા બુમાબુમ કરવા લાગી હતી. આથી મોઢું દબાવી દેતા તે બેભાન થઈ ગઈ હતી. આથી ગાડીમાં પાછળ લોક કરીને મુકી રાખી હતી. શાળામાં પરત જતી વખતે ઓરડાના કમ્પાઉન્ડ વચ્ચે મુકી દીધી હતી. આમ દાહોદ પોલીસે ત્રણ દિવસમાં બાળકીની હત્યાનો ભેદ ઉકેલી કાઢી આરોપી આચાર્ય ગોવિંદ નટને ઝડપી પાડ્યો હતો. આ મામલે હત્યા, દુષ્કર્મના પ્રયત્ન સહિતની ગુનાની કલમો નોધી કાયદસેરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સમગ્ર પંથકમાં લોકો આચાર્ય પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યાં છે.
રિપોર્ટઃ વિજયસિંહ સોલંકી, શહેરા
આ પણ વાંચો: ફરીદાબાદમાં ગૌરક્ષકોએ વિદ્યાર્થીને ગૌતસ્કર સમજી ગોળી મારી દીધી