દલિત અત્યાચારના 97 ટકા કેસો માત્ર 13 રાજ્યોમાં નોંધાય છેઃ રિપોર્ટ
SC-ST અત્યાચાર મામલે કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે. જેમાં આરોપીઓને સજાના દરમાં મોટો ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
આજે ભારતના દલિતો-આદિવાસીઓ આજે એક તરફ સંકલ્પ દિવસની ઉજવણી કરી રહ્યાં છે, બીજી તરફ કેન્દ્ર સરકારનો એસસી-એસટી અત્યાચાર પરનો એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે, દલિતો પર અત્યાચાર ઘટવાને બદલે વધી રહ્યાં છે.
આ સરકારી રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 2022માં અનુસૂચિત જાતિ (SC) સામે સૌથી વધુ અત્યાચાર થયા છે. ચિંતાજનક બાબત એ છે કે આરોપીઓને સજાનો દર ઘટ્યો છે. 2020માં સજાનો દર 39.2 ટકા હતો, જે વર્ષ 2022માં ઘટીને 32.4 ટકા થઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લાં 10 વર્ષમાં લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ અત્યાચારની ઘટનાઓ વધી છે, પરંતુ તેમના સંબંધિત કોઈ રિપોર્ટ સરકાર પાસે ઉપલબ્ધ નથી.
દલિત અત્યાચારના 97 ટકા કેસો 13 રાજ્યોમાં
રિપોર્ટ અનુસાર, અનુસૂચિત જાતિ વિરુદ્ધ અત્યાચારના કુલ કેસોમાંથી 97.7 ટકા કેસ માત્ર 13 રાજ્યોમાં નોંધાયા છે. જાતિવાદનું એપીસેન્ટર ગણાતું ઉત્તર પ્રદેશ આ વખતે પણ દલિત અત્યાચાર મામલે ટોચ પર છે, અહીં 12,287 કેસો નોંધાયા હતા જે કુલ કેસોના 23.78 ટકા છે. ત્યારબાદ રાજસ્થાનમાં 8,651 (16.75 ટકા) અને મધ્યપ્રદેશમાં 7,732 કેસો (14.97 ટકા) નોંધાયા છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે આ કેસો માત્ર પોલીસ ચોપડે ચડેલા આંકડાઓ પર આધારિત છે. બાકી જે પોલીસમાં નોંધાયા નથી તેવા કેસોની સંખ્યા અનેકગણી વધુ હોવાની શક્યતા છે.
એટ્રોસિટીના કુલ કેસો પૈકી 81 ટકા આ 6 રાજ્યોમાં નોંધાયા
રિપોર્ટમાં સામેલ અન્ય રાજ્યોમાં 6,799 કેસ સાથે બિહાર (13.16 ટકા), 3,576 કેસ સાથે ઓડિશા (6.93 ટકા) અને 2,706 કેસ સાથે મહારાષ્ટ્ર (5.24 ટકા) સામેલ છે. 2022માં એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા કુલ કેસોમાંથી લગભગ 81 ટકા કેસો આ 6 રાજ્યોમાં જ હતા.
આ પણ વાંચો: World Press Freedom Index: 180 દેશોમાં ભારત પાકિસ્તાનથી પણ નીચે
અધિનિયમ હેઠળ વર્ષ 2022માં અનુસૂચિત જાતિ વિરુદ્ધ અત્યાચારના કુલ 51,656 કેસ નોંધાયા હતા. રિપોર્ટ મુજબ આ તમામ કેસો પણ ભારતીય દંડ સંહિતા હેઠળ નોંધાયા હતા, નહીં કે એટ્રોસિટી એક્ટ અંતર્ગત.
આદિવાસી અત્યાચારના સૌથી વધુ કેસો પણ આ 13 રાજ્યોમાં જ નોંધાયા
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અનુસૂચિત જનજાતિ(ST) સામેના અત્યાચારના મોટા ભાગના કેસો પણ આ 13 રાજ્યોમાં જ નોંધાયેલા છે. ST સાથે સંકળાયેલા 9,735 કેસોમાંથી 2,979 કેસો એકલા મધ્યપ્રદેશમાં નોંધાયા હતા. જે કુલ કેસોના 30.61 ટકા થવા જાય છે. આ સિવાય રાજસ્થાનમાં 2,498 (25.66 ટકા) અને ઓડિશામાં 773 કેસ (7.94 ટકા) નોંધાયા હતા. અન્ય રાજ્યોમાં 691 કેસ સાથે મહારાષ્ટ્ર (7.10 ટકા) અને 499 કેસ સાથે આંધ્રપ્રદેશ (5.13 ટકા)નો સમાવેશ થાય છે.
એસસી અત્યાચારના 40 ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ નથી થતી
રિપોર્ટમાં તપાસ અને ચાર્જશીટના આધારે ડેટા આપવામાં આવ્યો હતો. SC સંબંધિત કેસોમાં 60.38 ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જ્યારે 14.78 ટકા કેસો પુરાવાના અભાવને કારણે અંતિમ રિપોર્ટ સુધી પહોંચી શક્યા નહોતા. વર્ષ 2022ના અંતે 17,166 કેસોની તપાસ હજુ બાકી હતી.
આદિવાસી એટ્રોસિટીના કેસોમાં પણ સજાનો દર 8 ટકા સુધી ઘટ્યો
અનુસૂચિત જનજાતિના 63.32 ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાંથી 14.71 ટકા અંતિમ અહેવાલમાં ખતમ થયા હતા. 2022 ના અંત સુધીમાં, 2,702 કેસો હજુ તપાસ હેઠળ હતા. રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આરોપીઓને સજાનો દર ઘટ્યો છે. 2022માં એસટી કેસોમાં આરોપીઓને સજાનો દર ઘટીને 32.4 ટકા થયો છે, જે 2020 માં 39.2 ટકા હતો.
14 રાજ્યોના 498માંથી માત્ર 194 જિલ્લાએ જ વિશેષ કોર્ટ સ્થાપી
રિપોર્ટમાં આ કેસોની સુનાવણી માટે સ્થપાયેલી વિશેષ અદાલતોની અપૂરતી સંખ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 14 રાજ્યોના 498 માંથી માત્ર 194 જિલ્લાઓમાં જ કાયદા હેઠળના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવી હતી. રિપોર્ટમાં કેટલાક ચોક્કસ જિલ્લાઓને સંવેદનશીલ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે, પરંતુ માત્ર 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જ આવા જિલ્લાઓને સંવેદનશીલ જાહેર કર્યા છે. ઉત્તર પ્રદેશ સહિત બાકીના ભાગમાં, જ્યાં અનુસૂચિત જાતિ સંબંધિત કેસો સૌથી વધુ નોંધાયા હતા, ત્યાં કોઈ જિલ્લાને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યો ન હતો. રિપોર્ટમાં જાતિ આધારિત હિંસા રોકવા અને નબળા વર્ગો માટે મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવા જિલ્લાઓની પસંદગી કરીને હસ્તક્ષેપ કરવાની હાકલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા