દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા

એક રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ભારતની કુલ સંપત્તિનો 89 ટકા હિસ્સો જનરલ કેટેગરીના લોકો પાસે છે, જ્યારે દલિતો પાસે ફક્ત 2.6 ટકા સંપત્તિ છે.

દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા
image credit - Google images

અત્યાર સુધી આપણે ફક્ત વાતોમાં કહેતા હતા કે ભારતમાં દલિતો સાથે અન્યાય કરવામાં આવે છે, તેમને આર્થિક, સામાજિક મોરચે પછાત રાખવામાં આવે છે. પણ હવે તેનું મજબૂત ઉદાહરણ પણ સામે આવી ગયું છે. હાલમાં જ એક સંશોધન રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતમાં દલિતો સાથે ખરેખર અન્યાય થઈ રહ્યો છે. Towards Tax Justice and Wealth Redistribution in India શીર્ષક સાથે પ્રકાશિત થયેલો આ રિપોર્ટ બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથે શેર કરવામાં આવ્યો છે. આ રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, દેશની સંપત્તિનો 85 ટકાથી વધુ હિસ્સો કથિત ઉંચી જાતિ એટલે કે જનરલ કેટેગરીના લોકો પાસે છે. જ્યારે અનુસૂચિત જાતિ વર્ગના લોકો પાસે માત્ર 2.6 ટકા હિસ્સો છે. આ આંકડા વર્ષ 2022 સુધીના છે. વર્લ્ડ ઈનઈક્વાલિટી લેબ તરફથી બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથે શેર કરવામાં આવેલા રિસર્ચમાં આ જાણકારી સામે આવી છે. આ સંશોધન ચોક્કસપણે સામાજિક-આર્થિક અસમાનતાને ઉજાગર કરે છે. સંશોધન એ પણ સાબિત કરે છે કે દેશની કુલ સંપત્તિનો મોટો હિસ્સો અમુક ગણ્યાંગાંઠ્યા લોકો પાસે છે. રિપોર્ટ પરથી એ પણ સાબિત થાય છે કે, દેશમાં સામાજિક-આર્થિક અસમાનતાના મૂળ કેટલા ઊંડા છે.

મે 2024માં બહાર પાડવામાં આવેલ આ સંશોધનને 'Towards Tax Justice and Wealth Re-distribution in India' શીર્ષક સાથે પ્રકાશિત કરવામાં આવ્યું છે. NSSO દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ દેશમાં ઓબીસી કેટેગરીની વસ્તી 40.94%, એસસી કેટેગરીની વસ્તી 19.59%, એસટી કેટેગરીની વસ્તી 8.63% અને અન્ય કેટેગરીની વસ્તી 30.80% છે. કુલ સંપત્તિમાં દરેક જાતિનો કેટલો હિસ્સો છે તે નીચે આપેલા કોષ્ટક પરથી સમજી શકાય છે.

દેશની કુલ સંપત્તિમાં ઓબીસીનો હિસ્સો 9 ટકા

વર્લ્ડ ઈનિક્વાલિટી લેબના સંશોધનમાં સામે આવ્યું છે કે દેશની કુલ સંપત્તિમાં ઓબીસી સમાજનો હિસ્સો 9% છે. હમણાં ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની ચૂંટણી રેલીઓમાં જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે દેશમાં 90 ટકા વસ્તી એસસી-એસટી, ઓબીસી અને લઘુમતીઓની છે પરંતુ તેમને તેમની વસ્તી મુજબ મીડિયા, ખાનગી સંસ્થાઓ, બ્યૂરોક્રેટ્સ અને કોર્પોરેટ સેક્ટરમાં ભાગીદારી નથી મળી રહી.

નવા અબજોપતિઓ પણ કથિત ઉચ્ચ જાતિના

આ સંશોધનમાં એક નામ પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના અનમોલ સોમાંચીનું પણ સામેલ છે. સોમાંચી કહે છે કે, "આ સંશોધન દર્શાવે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં નવા અબજોપતિ બન્યા છે તે ઉચ્ચ જાતિના છે." સોમાંચી કહે છે કે, "જ્ઞાતિ શિક્ષણ, આરોગ્ય, સોશિયલ નેટવર્ક નક્કી કરે છે. દેશના ઘણા વિસ્તારોમાં દલિતોને જમીનના માલિક નથી બનવા દેવાતા. ગામડાઓમાં હજુ પણ માથાભારે તત્વો જમીનનો એક ટુકડો પણ દલિતોના હાથમાં ન જાય તેનું પુરું ધ્યાન રાખે છે. આની અસર તેમની આર્થિક પ્રગતિ પર પડે છે."

આ પણ વાંચો: જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે

દલિતો સાથે અનેક મોરચે ભેદભાવ

આ રિપોર્ટ સિવાય અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા 'સ્ટેટ ઑફ વર્કિંગ ઈન્ડિયા 2023' શીર્ષક હેઠળના અહેવાલ મુજબ, ભારતમાં SC અને ST વર્ગના લોકો અન્ય સમાજની તુલનામાં ખૂબ જ ઓછી સંસ્થાઓના માલિક છે. એસસી-એસટી સમાજ સાથે અનેક મોરચે ભેદભાવ રાખવામાં આવે છે અને સંસાધનો, શિક્ષણ તેમજ આર્થિક તકો સુધી તેમની પહોંચ ખૂબ જ મર્યાદિત છે.

દેશના 8 ટકા આદિવાસીઓ પાસે માત્ર 3.7 ટકા સંપત્તિ

સંશોધન આગળ જણાવે છે કે, વર્ષ 2019માં એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ દલિત સ્ટડીઝ દ્વારા 2 વર્ષ સુધી કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દેશની કથિત ઉચ્ચ જાતિના હિંદુઓ, જેમની વસ્તી 22.3 ટકા છે, તેમની પાસે દેશની કુલ સંપત્તિનો 41 ટકા હિસ્સો છે અને આ સૌથી પૈસાદાર વર્ગ છે.

આ પણ વાંચો: ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ

જ્યારે 7.8 ટકા આદિવાસીઓ પાસે માત્ર 3.7 ટકા સંપત્તિ છે. આના પરથી જ આર્થિક અસમાનતાની ખાઈ કેટલી મોટી છે કે સમજી શકાય છે.

ઓક્સફેમ ઇન્ટરનેશનલનો રિપોર્ટ શું કહે છે?

ગયા વર્ષે ઓક્સફેમ ઈન્ટરનેશનલે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો અને તેમાં પણ એ ખુલાસો થયો હતો કે ભારતના સૌથી ધનિક 1% લોકો દેશની કુલ સંપત્તિના 40% થી વધુની માલિકી ધરાવે છે. જ્યારે અડધી વસ્તી કુલ સંપત્તિના માત્ર 3% જ હિસ્સો ધરાવે છે. ઓક્સફેમ ઈન્ટરનેશનલે કહ્યું હતું કે જો ભારતના દસ સૌથી ધનાઢ્ય લોકો પર 5% ટેક્સ લાદવામાં આવે તો તમામ બાળકોને શાળાએ મોકલવા માટે પૂરતા પૈસા જનરેટ થઈ શકે છે.

આ પણ વાંચો: શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • ગોહેલ ભાવેશ નાથા ભાઈ
    ગોહેલ ભાવેશ નાથા ભાઈ
    ગુજરાત ની લગભગ ગ્રાન્ટેડ સ્કૂલો એવી છે જ્યાં એસી. અના.ની જગ્યા હોય,પણ તેની ભરતી નથી થય,ત્યાં માત્ર ને માત્ર ભાગીદારી ની વાત છે,પણ આ લોકો ને એસી.ની ભરતી કરવી જ નથી.(અસ્પૃશ્યતા જિંદાબાદ).મે આવું સામભળ્યું છે હો.
    6 months ago
  • Dilip solanki
    Dilip solanki
    Sahi bat hai hisaab hona chahiye
    6 months ago