શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો એક રિપોર્ટ જણાવે છે કે ભારતીય યુવાનો જેટલું વધુ શિક્ષણ મેળવે છે તેટલી જ તેમની રોજગારી મેળવવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે.

ઈન્ટરનેશલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં દર્શાવવામાં આવેલા આંકડાઓએ સમગ્ર દેશના યુવાનોની ચિંતા વધારી દીધી છે. કારણ કે ભારતની વસ્તીનો મોટો હિસ્સો કામ કરી શકે તેવા યુવાનો છે. આ આંકડાઓનો અર્થ એવો થાય છે કે દેશ કામ કરી શકે તેવા યુવાનોને રોજગારી પુરી પાડવામાં અસમર્થ છે, તેમની ક્ષમતાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતો નથી. આ રિપોર્ટ પ્રમાણે શિક્ષણ એક સમયે નોકરીની સલામતી અને વર્ગ ગતિશીલતા મેળવવાનો સૌથી સરળ માર્ગ ગણાતું હતું, પણ હવે તે ગરીબી સામે લડવામાં બિનઅસરકારક બની ગયું છે કારણ કે ઉચ્ચ શિક્ષણમાં વળતર નબળું છે.
ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન ડેવલપમેન્ટ (IHD) ના સહયોગથી લખાયેલો ILOનો રિપોર્ટ જેનું શીર્ષક છે, 'ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024', તેમાં જણાવવામાં આવ્યું છે કે, માર્ચ 2022 સુધીમાં ભારતની યુનિવર્સિટીઓમાં અંદાજે 43.3 મિલિયન વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. છતાં બેરોજગારોમાં યુવાનો 83 ટકા જેટલા છે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં નોંધણી વધી રહી છે પણ તે વિકસિત અને મધ્યમ આવક ધરાવતા દેશોની તુલનામાં ઘણી ઓછી છે. ભારત તેના ડેમોગ્રાફિક ડિવિડન્ડનું સંચાલન કરવામાં પણ અસમર્થ છે.
રસપ્રદ વાત એ છે કે, અહેવાલ બહાર પાડતી વખતે, સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરને લોકોને કહ્યું હતું કે સરકાર બેરોજગારી જેવી તમામ સામાજિક અને આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકતી નથી. ધ હિન્દુમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આણંદના પ્રોફેસર ઇન્દ્રનીલ ડેએ જણાવ્યું હતું કે રિપોર્ટના તારણો ગરીબો પર 'ટ્રિકલ ડાઉન ઇફેક્ટ્સ'ના લાભો પર એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે.
રોગચાળા પછી આંચકો
બેરોજગારી અને અસંગઠિત ક્ષેત્રમાં યુવાનોની વધુ ભાગીદારીનો પ્રશ્ન ચિંતાજનક છે. રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં મોટાભાગની નોકરીઓ હલકી ગુણવત્તાવાળી અને અસંગઠિત છે. લોકોને નોકરીની સુરક્ષા અને અન્ય લાભો મળતા નથી કારણ કે લગભગ 82% લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. રિપોર્ટ મુજબ કોરોના પછી એટલે કે 2019 બાદ વધુ લોકોએ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું હોવાથી પરિસ્થિતિ વણસી ગઈ છે. લોકોનું વેતન કાં તો પહેલા જેટલું જ રહ્યું છે અથવા તેનાથી પણ ઘટી ગયું છે, વધ્યું નથી. રિપોર્ટમાં ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે, કૃષિ અને બાંધકામ ક્ષેત્રના ઘણાં અકુશળ કામદારોને 2022માં લઘુત્તમ દૈનિક વેતન પણ મળ્યું નથી.
રસપ્રદ વાત એ છે કે, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કૃષિ ક્ષેત્રમાં રિવર્સ એન્ટ્રી થઈ છે. કારણ કે કોરોના પછી એક મોટું પરિવર્તન એ જોવા મળ્યું હતું કે વધુ લોકોએ ફરીથી કૃષિ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને કૃષિ કર્મચારીઓના કુલ કદમાં વધારો થયો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2019 બાદ લેબર માર્કેટમાં મહિલાઓની ભાગીદારીનો દર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધુ ઝડપથી વધવા લાગ્યો છે. તેમ છતાં કોરોના બાદ તેઓ આર્થિક અને નાણાકીય સમસ્યાઓનો ભોગ બની રહી છે.
રિપોર્ટ દર્શાવે છે કે 2019 પછી મોટાભાગની નવી નોકરીઓ સ્વ-રોજગારવાળા કામદારો માટે છે. જેમાં ઘણાં કામો એવા છે જેમાં કોઈ વેતન મળતું નથી અને તે કામો પરિવારના જ લોકો કરે છે, જેમાં મોટાભાગે મહિલાઓ છે.
રિપોર્ટમાં વધુ માળખાકીય ફેરફારોની ભલામણ કરવામાં આવી છે. સાથે જ ન માત્ર રોજગાર દર વધારવાની જરૂરિયાતની વાત કરાઈ છે, પરંતુ સારી ગુણવત્તાના રોજગારને પ્રોત્સાહન આપીને શ્રમ બજારની અસમાનતાનો સામનો કરીને મહિલાઓને સંગઠિત રોજગારમાં લાવવાની વ્યૂહરચના ઘડવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.