છેલ્લાં 5 વર્ષમાં 19 હજારથી વધુ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી – કેન્દ્ર સરકાર

છેલ્લાં 5 વર્ષમાં 19 હજારથી વધુ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી – કેન્દ્ર સરકાર
પ્રતિકાત્મક તસવીર
રાજ્યસભા(Rajya Sabha)માં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી(Education Minister) સુભાષ સરકારે જણાવ્યું હતું કે છેલ્લાં 5 વર્ષમાં 6901 ઓબીસી(OBC), 3596 એસસી(SC) અને 3949 એસટી(ST) વિદ્યાર્થીઓએ કેન્દ્રીય યુનિવર્સિટી(Central University)ઓનું અતિમહત્વનું શિક્ષણ અધવચ્ચેથી છોડી દીધું હતું. આ જ સમયગાળામાં 2544 ઓબીસી, 1362 એસસી અને 538 એસટી વિદ્યાર્થીઓ આઈઆઈટી(IIT) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં છોડી ગયા હતા.

 

કેન્દ્ર સરકારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં રજૂ કરેલા આંકડાઓ ચોંકાવનારા છે. જેમાં જણાવ્યું છે કે વર્ષ 2018 થી 2023 વચ્ચે ઓબીસી, અનુસૂચિત જાતિ અને અનુ. જનજાતિ સમાજમાંથી આવતા 19000 થી વધુ વિદ્યાર્થીઓએ કેન્દ્રીય યુનિવર્સિટીઓ, આઈઆઈટી(IIT) અને આઈઆઈએમ(IIM) જેવી પ્રતિષ્ઠત સંસ્થાઓનું શિક્ષણ અધવચ્ચે જ છોડી દીધું હતું. કેન્દ્રીય શિક્ષણમંત્રી સુભાષ સરકારે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં આ જાણકારી આપી હતી.

તામિલનાડુના સાંસદ તિરુચિ શિવાએ રાજ્યસભામાં છેલ્લાં 5 વર્ષોમાં આઈઆઈટી, આઈઆઈએમ અને અન્ય કેન્દ્રીય યુનિવર્સિટીઓમાંથી ડ્રોપઆઉટ લેનારા અનુ. જાતિ, અનુ. જનજાતિ અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા વિશે સવાલ કર્યો હતો. વધુમાં તેમણે પૂછ્યું હતું કે શું સરકારે આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આ ત્રણેય વર્ગના વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ(Dropout)ને લઈને કોઈ રિસર્ચ હાથ ધર્યુ છે ખરાં?

જેના જવાબમાં કેન્દ્રીય મંત્રી સુભાષ સરકારે જણાવ્યું હતું કે આ સમયગાળામાં 6901 ઓબીસી, 3596 અનુ. જાતિ અને 3949 અનુ. જનજાતિના વિદ્યાર્થીઓએ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાંથી ડ્રોપઆઉટ લીધું હતું. આ જ રીતે 2544 ઓબીસી, 1362 એસસી અને 538 એસટી વિદ્યાર્થીઓએ આઈઆઈટી છોડી ગયા હતા. જ્યારે આઈઆઈએમમાંથી 133 ઓબીસી, 143 એસસી અને 90 એસટી વિદ્યાર્થીઓએ છેલ્લાં 5 વર્ષમાં શિક્ષણ છોડી દીધું હતું.

શિક્ષણ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નબળી આર્થિક સ્થિતિમાંથી આવતા વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલતું રહે તેના માટે સરકારે ફીમાં ઘટાડો, વધુ સંસ્થાઓની સ્થાપના, શિષ્યવૃત્તિ, રાષ્ટ્રીય સ્તરની શિષ્યવૃત્તિમાં તેમને પ્રાથમિકતા આપવી જેવા પગલાં લીધાં છે. એસટી અને એસટીના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આઈઆઈટીમાં ટ્યુશન ફીમાં છૂટ, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ, સંસ્થાઓમાં શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ પણ લાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2021માં શિક્ષણ મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે દેશની ટોચની 7 આઈઆઈટી સંસ્થાઓમાં ગ્રેજ્યુએશન દરમિયાન જ ભણવાનું છોડનારા 63 ટકા જેટલા વિદ્યાર્થીઓ અનામત વર્ગ એવા એસસી અને એસટીમાંથી આવતા હતા.

અહીં એ યાદ રાખવું રહ્યું કે દલિત અને આદિવાસી એક્ટિવિસ્ટો છેલ્લાં ઘણાં સમયથી આ ચર્ચા છેડી રહ્યાં છે કે આ સમાજમાંથી આવનારા વિદ્યાર્થીઓને આ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં જાતિવાદ અને અન્ય પ્રકારના ભેદભાવોનો સામનો કરવો પડે છે. જેના કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડે છે અને ભણવાનું અધવચ્ચે જ છોડી દે છે. ઘણાં વિદ્યાર્થીઓને રેગિંગ કે અન્ય પ્રકારની સતામણી કરવામાં આવે છે, જેના કારણે તેઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે. જો કે સરકારે જણાવ્યું હતું કે, ડ્રોપઆઉટ લેનારા વિદ્યાર્થીઓએ કોઈ અન્ય વિભાગ કે સંસ્થામાં એડમિશનના કારણે ભણતર છોડી ગયા હતા અથવા તો તેમણે અંગત કારણોસર આવું કર્યું છે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.