બે આદિવાસી યુવકોને સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી બાંધીને માર્યા

રાહુલ શર્મા ઉર્ફે પંડિતે તેના સાગરિતો સાથે મળીને બે આદિવાસી યુવકોને ઝાડ સાથે બાંધી સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી નિર્દય રીતે ફટકાર્યા હતા.

બે આદિવાસી યુવકોને સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી બાંધીને માર્યા
image credit - Google images

મિર્ઝાપુર વેબ સિરીઝમાં જેવા હિંસાત્મક દ્રશ્યો બતાવવામાં આવે છે, તેને મળતી આવતી એક ઘટના અસલી મિર્ઝાપુરમાં બની છે. ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં બે આદિવાસી યુવકોને ગામના માથાભારે રાહુલ શર્મા ઉર્ફે પંડિત અને તેના સાગરિતોઓ મોબાઈલ ચોરીની આશંકાએ તાલીબાની સજા આપી હતી. 

સજા કેટલી ભયંકર હતી તેનો અંદાજ તમે એના પરથી પણ લગાવી શકશો કે, માથાભારે તત્વોએ બંને યુવકોને સવારે 8 વાગ્યે ગામથી બહાર લઈ જઈને ઝાડ સાથે બાંધીને માર મારવાનું શરૂ કર્યું હતું, તે છેક બપોરના 2 વાગ્યા સુધી આ સિલસિલો યથાવત રહ્યો હતો. એ પછી પીડિતના પરિવારે જેમ તેમ કરીને બંનેને છોડાવ્યા હતા.

પીડિત આદિવાસી યુવક સૂરજ કહે છે, "હું રાડો પાડતો રહ્યો, માફી માંગતો રહ્યો, તેમના પગ પકડતો રહ્યો પણ તેઓ ટસના મસ ન થયા. મારું કોઈ સાંભળનાર નહોતું. તેમણે મારા શરીર પરના કપડાં ઉતરાવ્યા અને મારવા લાગ્યા. તેનાથી પણ ધરાયા નહીં તો માથાના વાળ ખેંચીને અમને માર્યા. આટલાથી પણ તેને સંતોષ ન થયો તો અમને મારતા મારતા ઢસડીને ગામની બહાર લઈ ગયા અને ત્યાં લીમડાના ઝાડ સાથે બાંધીને ફરી મારવા લાગ્યા. લોકોનું ટોળું એકઠું થયું હતું પણ કોઈ અમને બચાવવા ન આવ્યું. બધાં તમાશો જોતા હતા. કોઈએ પણ આ માથાભારે તત્વોને રોકવાની હિંમત નહોતી કરી. અમે બંને રડી રડીને અમને છોડી દેવાની ભીખ માંગતા હતા, પણ કોઈ અમને બચાવવા આગળ નહોતું આવ્યું. ટોળું મૂકપ્રેક્ષક બનીને અમારી દયનિય હાલતની મજા લઈ રહ્યું હતું."

મામલો ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના મડિહાન પોલીસ સ્ટેશન વિસ્તારના ખંતરા ઠક્કરનગર ગામનો છે. આ આખી ઘટના યુપીની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠાવે છે. અહીં બે આદિવાસી યુવાનોને ઝાડ સાથે બાંધીને તાલીબાની સજા આપી રહ્યાંનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોબાળો મચી ગયો હતો. 

જો કે, લોકોમાં વીડિયો જેટલી જ ચર્ચા અહીં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ચર્ચાઈ રહી છે. કેમ કે, સવારના 8 વાગ્યાથી લઈને બપોરના 2 બે વાગ્યા સુધી બંને યુવાનોને આરોપીઓ બાંધીને મારતા રહ્યાં ત્યાં સુધી પોલીસ આવી નહોતી. બોલીવૂડની ફિલ્મોની જેમ પોલીસ છેલ્લે આવી અને પછી સામાન્ય કલમો સાથે કેસ નોંધીને આરોપીઓને રાહત આપી દીધી. 

આશ્ચર્યની વાત એ છે કે ગામથી પોલીસ સ્ટેશન માત્ર 8 કિમી દૂર છે. આદિવાસી સમાજની બહુમતી વસ્તી ધરાવતું આ ગામ જંગલ વિસ્તાર સાથે જોડાયેલું છે. આદિવાસીઓ અહીં ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

27 જૂનના રોજ 22 વર્ષનો પીડિત યુવક સુરેશ ઉર્ફે કલ્લુ કોલ વહેલી સવારે દાતણ કરી રહ્યો હતો. ત્યારે જ ત્યાં અરુણ કૌલનો જમાઈ રાહુલ શર્મા ઉર્ફે પંડિત ત્યાં તેના સાગરિતો સાથે આવી પહોંચ્યો હતો. અને સુરેશ કંઈક સમજે તે પહેલા જ દાતણ પણ ન કરવા દઈને તેને ઢસડીને ઘર બહાર ખેંચી ગયો હતો અને તેને મારવા લાગ્યો હતો.

સુરેશે જ્યારે તેને મારવાનું કારણ પૂછ્યું તો તેણે મોબાઈલ ચોરીનો આરોપ લગાવ્યો. એ પછી તેને જંગલ વિસ્તારમાં ઢસડીને લઈ ગયા અને ત્યાં તેના કપડાં પણ ફાડી નાખ્યા અને ઢોર માર માર્યો. એ દરમિયાન આરોપીઓ સુગાપાખ ગામના છોટક પટેલ નામના અન્ય એક આદિવાસી યુવકને પણ માર મારતા લઈ આવ્યા અને તેને પણ ચપ્પલથી લઈને હાથપગથી અને દંડાથી ફટકારવા લાગ્યા.

આ પણ વાંચોઃ આદિવાસી હિન્દુ છે કે નહીં, ડીએનએ ટેસ્ટ કરાવીશું-રાજસ્થાનના શિક્ષણમંત્રી

આશ્ચર્ય એ વાતનું પણ થાય છે કે, રાહુલ શર્મા ઉર્ફે પંડિતે પોતાના મોબાઈલ ફોન ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશને આપી નહોતી અને પોતે સીધી આ બંને યુવાનોને શંકાના આધારે તાલીબાની સજા આપવાનું નક્કી કરી લીધું હતું. આરોપી રાહુલ શર્મા બંને યુવકોને ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી તેઓ બંને બેહોશ ન થયા.

સવારે આઠ વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી આ ઘટનાક્રમ ચાલ્યો. આખરે પીડિતના પરિવારજનોએ જેમ તેમ કરીને બંનેને છોડાવ્યા અને ઘરે લઈ આવ્યા. પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસને જાણ કરવા છતાં તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નહોતી અને તરત કાર્યવાહી કરવાની પણ તસ્દી લીધી નહોતી.

આરોપી રાહુલ શર્મા ઉર્ફે પંડિત પશ્ચિમી મિર્ઝાપુરાનો રહેવાસી હોવાનું કહેવાય છે અને તેના સાસરિયામાં જ રહે છે. 26 જૂનની રાત્રે તે સૂતો હતો ત્યારે તેનો મોબાઈલ ફોન કોઈ ચોરી ગયું હતું. બીજા દિવસે સવારે તેણે પોતાના સાગરિતો સાથે મળીને આદિવાસી યુવકો સુરેશ ઉર્ફે કલ્લૂ કોલ અને સુગાપાખ ગામના છોટક પટેલને શંકાના આધારે ઘરે જઈને માર મારતો જંગલમાં લઈ ગયો હતો અને ત્યાં સવારથી બપોર સુધી ઝાડ સાથે બાંધીને મારતો રહ્યો હતો.

પીડિત સુરેશ અને છોટકના મનમાં ભય પેસી ગયો છે કે આરોપીઓ ગમે ત્યારે આવીને ફરી તેમને આ રીતે મારશે. પોલીસે હાલ તો આરોપીઓ રાહુલ શર્મા ઉર્ફે પંડિત, પ્રદીપ કુમાર, રાકેશ શ્રીરામ અને ક્રિષ્નાને કસ્ટડીમાં લઈ લીધા છે.

ગામલોકોનું માનવું છે કે, જો પોલીસે સમયસર પહોંચીને યોગ્ય કાર્યવાહી કરી હોત તો સુરેશ અને છોટકને આ રીતે માર ન પડત. પોલીસ જાણે રાહુલ શર્માનો બચાવ કરી રહી હોય તેવું લાગે છે.

આ પણ વાંચોઃ અનામતના કારણે તું ભલે સરપંચ બની ગયો, કામ અમારી મરજી મુજબ થશે...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.