હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા

ગઈકાલે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી, અમર બલિદાની, આદિવાસી નેતા જબરા પહાડી ઉર્ફે તિલકા માંઝીની જન્મજયંતિ હતી. તિલકા માંઝી પ્રથમ સ્વાતંત્ર્યસેનાની હતા. 1771માં હૂલ વિદ્રોહ તરીકે ઓળખાતો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તિલકા માંઝીએ શરૂ કર્યો હતો. જેને 1855માં સિદો-કાન્હુએ સંથાલ વિદ્રોહ તરીકે આગળ ધપાવ્યો હતો. જો કે તમામ પુરાવાઓ હોવા છતાં ભારતીય ઈતિહાસમાં સંથાલોના વિદ્રોહ પર બહું ઓછો પ્રકાશ પડ્યો છે, ત્યારે હૂલ દિવસ નિમિત્તે મહાન સંથાલ ક્રાંતિકારીઓને યાદ કરીએ.

હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા

ગઈકાલે સંથાલ હૂલ દિવસ એટલે કે અંગ્રેજોના શાસન સામે વિદ્રોહનો દિવસ હતો. પ્રાથમિક શાળાથી જ આપણને એવું ભણાવવામાં આવ્યું છે કે ભારતીય ઈતિહાસમાં બ્રિટિશ શાસન સામેનો પહેલો વિદ્રોહ 1857નો છે, પરંતુ જ્યારે આપણે આદિવાસીઓના ઈતિહાસ પર નજર કરીએ છીએ તો જાણવા મળે છે કે આ વિદ્રોહની શરૂઆત 1771માં તિલકા માંઝીએ કરી દીધી હતી.

તે જ સમયે 30 જૂન 1855 ના રોજ, સીદો, કાન્હુ, ચાંદ, ભૈરવ અને તેમની બહેન ફૂલો, ઝાનોના નેતૃત્વમાં સાહેબગંજ જિલ્લાના ભોગનાડીહમાં 400 ગામોના 40,000 આદિવાસીઓ બહાદુરોએ અંગ્રેજોને મહેસૂલ ચૂકવવાનો ઇનકાર કરી દીધો.

એ દરમિયાન સિદોએ કહ્યું હતું કે, હવે ફિરંગીઓને ભગાડવાનો સમય આવી ગયો છે. આ માટે "કરો યા મરો, અંગ્રેજો આપણી જમીન છોડી દે" સૂત્ર આપવામાં આવ્યું હતું. અંગ્રેજોએ તરત જ આ ચારેય ભાઈઓની ધરપકડ કરવાનો આદેશ જારી કર્યો. તેમની ધરપકડ કરવા આવેલા ઈન્સ્પેક્ટરનું સંથાલ આંદોલનકારીઓએ ગળું કાપી નાખ્યું હતું. એ પછી સંથાલ પરગણાના સરકારી અધિકારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

એવું કહેવાય છે કે જ્યારે પણ આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને તેમની જળ, જંગલ જમીનને હડપ કરી લેવાનો પ્રયાસ થયો છે ત્યારે પ્રતિકારની ચિનગારીઓ ભડકી ઉઠી છે.

30 જૂન 1855ના રોજનો હૂલ આ જ કડીનો એક ભાગ છે. જ્યારે શાહુકારો, જમીનદારો અને અંગ્રેજ શાસન દ્વારા આદિવાસીઓની જમીનો કબજે કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની સામે આદિવાસીઓનો ગુસ્સો એટલો પ્રબળ બન્યો કે આ લડાઈમાં સીદો, કાન્હુ, ચાંદ, ભૈરવ સહિત તેમની બહેન ફૂલો, ઝાનો સહિત લગભગ 20 હજાર સંથાલોએ જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે પોતાના જીવનની આહૂતિ આપી દીધી.

અગાઉ ગોડ્ડા સબ-ડિવિઝનના સુંદર પહાડી બ્લોકના બારીખટંગા ગામના બાજલા નામના સંથાલ યુવકની અંગ્રેજ શાસન દ્વારા બળવાના આરોપમાં હત્યા કરવામાં આવી હતી.

અંગ્રેજ ઈતિહાસકાર વિલિયમ વિલ્સન હન્ટરે તેમના પુસ્તક 'ધ એનલ્સ ઓફ રૂરલ બેંગાલ'માં લખ્યું છે કે એવો કોઈ અંગ્રેજ સૈનિક નહોતો જે આદિવાસીઓના બલિદાનથી શરમિંદા ન થયો હોય. તેમના કેટલાક વિશ્વાસુ સાથીઓના વિશ્વાસઘાતને કારણે, સિદો અને કાન્હુને પકડી લેવામાં આવ્યા અને ભોગનાડીહ ગામમાં બધાની સામે એક ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા. 20 હજાર સંથાલોએ જળ, જંગલ અને જમીનની રક્ષા માટે બલિદાન આપ્યું હતું.

વહીવટીતંત્રની પકડ નબળી પડતી જોઈને અંગ્રેજોએ ચળવળને કચડી નાખવા લશ્કરને મેદાનમાં ઉતાર્યું અને લશ્કરી કાયદો લાદવામાં આવ્યો. હજારો સંથાલ આદિવાસીઓની ધરપકડ કરવામાં આવી, લાઠીઓ ચલાવવામાં આવી, ગોળીઓ ચલાવવામાં આવી. છેલ્લો આંદોલનકારી જીવતો હતો ત્યાં સુધી લડાઈ ચાલુ રહી.

આ પહેલા, 1771 થી 1784 સુધી તિલકા માંઝી ઉર્ફે જબરા પહાડીયાએ બ્રિટિશ સત્તા સામે લાંબી અને ક્યારેય આત્મસમર્પણ ન થાય તેવી લડાઈ લડી સ્થાનિક શાહુકારો-સામંતો અને અંગ્રેજ શાસકોની ઊંઘ હરામ કરી નાખી હતી.

વિશ્વના પ્રથમ બળવાખોર રોમના પૂર્વજ આદિવાસી લડવૈયા સ્પાર્ટાકસને માનવામાં આવે છે. જ્યારે ભારતના વસાહતી યુદ્ધોના ઈતિહાસમાં, પ્રથમ બળવાખોર બનવાનો શ્રેય ઝારખંડના રાજમહેલની ટેકરીઓ પર બ્રિટિશ શાસન સામે લડનારા પહાડીયા આદિમ આદિવાસી સમુદાયના લડવૈયાઓને જાય છે.

આ પહાડિયા લડવૈયાઓમાં સૌથી વધુ લોકપ્રિય આદિ બળવાખોર જબરા અથવા જૌરાહ પહાડીયા ઉર્ફે તિલકા માંઝી છે. 1778માં, તેમણે પહાડીયા સરદારો સાથે મળીને રામગઢ છાવણી પર કબજો મેળવનારા અંગ્રેજોને હાંકી કાઢીને કેમ્પને મુક્ત કરાવ્યો હતો.

 

જબરાએ 1784માં ક્લીવલેન્ડને મારી નાખ્યો. પાછળથી, આયરકુટની આગેવાની હેઠળ જબરાની ગેરિલા સેના પર ભારે હુમલો કરવામાં આવ્યો જેમાં ઘણા લડવૈયાઓ માર્યા ગયા અને જબરાની ધરપકડ કરવામાં આવી. કહેવાય છે કે તેમને ચાર ઘોડા સાથે બાંધી ઘસડીને ભાગલપુર લાવવામાં આવ્યા હતા. પરંતુ માઈલો સુધી ઘસડાયા છતાં તિલકા માંઝી જીવીત હતા. લોહીથી લથપથ તેમનું શરીર હજુ પણ ગુસ્સામાં હતું અને તેમની લાલ આંખો બ્રિટિશ રાજને ડરાવતી હતી. અંગ્રેજોએ પછી ભાગલપુરના ચોકડી પર સ્થિત એક વિશાળ વડના ઝાડ પર જાહેરમાં તેમને લટકાવી દીધા હતા.

તિલકા માંઝી હસતા-હસતા હજારોની ભીડ સામે ફાંસી પર લટકી ગયા હતા. તારીખ કદાચ 13 જાન્યુઆરી 1785 હતી. પાછળથી, હજારો સ્વાતંત્ર્યસેનાનીઓ તેમને અનુસર્યા અને ફાંસી પર લટકતી વખતે ગીત ગાયું – હાંસી-હાંસી ચઢબો ફાંસી! તે આજે પણ આપણને આ આદિવાસી વિદ્રોહીઓની યાદ અપાવે છે.

તિલકા માંઝી સંથાલ હતા કે પહાડિયા તે અંગે વિવાદ છે. સામાન્ય રીતે તિલકા માંઝીને મુર્મ ગોત્ર તરીકે વર્ણવતા, ઘણા લેખકોએ તેમને સંથાલ આદિવાસી તરીકે વર્ણવ્યા છે.

પરંતુ તિલકાના સંથાલ હોવાના કોઈ ઐતિહાસિક દસ્તાવેજ અને લેખિત પુરાવા નથી. તે જ સમયે, ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર, 1770 ના દુષ્કાળને કારણે સંતાલ આદિવાસી સમુદાયના લોકો 1790 પછી સંતાલ પરગણામાં આવ્યા અને સ્થાયી થયા.

સર વિલિયમ વિલ્સર હંટને, 'ધ એનલ્સ ઓફ રૂરલ બંગાળ', 1868ના પ્રથમ ખંડમાં (પાના નં. 219-227) સ્પષ્ટપણે લખ્યું છે કે સંથાલો બીરભૂમથી હાલના સિંહભૂમ તરફ રહેતા હતા.1790 ના દુષ્કાળ દરમિયાન તેઓ હાલના સંથાલ પરગણામાં સ્થળાંતર કરી ગયા. હન્ટરે લખ્યું, '1792થી સંથાલોનો નવો ઇતિહાસ શરૂ થાય છે'(પૃ. 220). 1838 સુધીમાં, હન્ટર સંથાલ પરગણામાં તેમના 40 ગામોની વસાહતનો અહેવાલ આપે છે જેની કુલ વસ્તી 3000 હતી (પૃ. 223). હન્ટર એમ પણ જણાવે છે કે 1847 સુધીમાં મિ. વોર્ડે 150 ગામોમાં લગભગ એક લાખ સંથાલોને વસાવ્યા હતા.(પૃ. 224).

1910માં પ્રકાશિત 'બંગાલ ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયરઃ સંથાલ પરગણા', ભાગ 13માં L.S.S. 'મેલીએ લખ્યું છે કે જ્યારે મિ. વોર્ડ 1827માં દામીન કોહની સીમા નક્કી કરી રહ્યો હતો, ત્યારે તેને પતસુંડામાં ત્રણ સંથાલ ગામો અને બરકોપમાં 27 ગામો મળ્યાં હતાં.

વોર્ડ મુજબ, 'આ લોકો પોતાને સાંતારો કહે છે જેઓ સિંહભૂમ અને તે વિસ્તારના રહેવાસી છે.' (પૃ. 97) દામિનેકોહમાં સંથાલોની વસાહતનો અધિકૃત અહેવાલ બંગાળ ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયરઃ સાંથાલ પરગણાના પૃષ્ઠ 97 થી 99 પર ઉપલબ્ધ છે.

વધુમાં આર.કારસ્ટેયર્સ 1885 થી 1898 સુધી સાંથાલ પરગણાના ડેપ્યુટી કમિશનર રહી ચૂકેલા તેમની નવલકથા 'હાડમા કા ગાંવ' ની શરૂઆત એ હકીકતથી કરે છે કે સંથાલો પહાડીયા લોકોના વિસ્તારમાં સ્થાયી થયા હતા.

પ્રખ્યાત બંગાળી લેખિકા મહાશ્વેતા દેવીએ તિલકા માંઝીના જીવન અને વિદ્રોહ પર બંગાળી ભાષામાં નવલકથા 'શાલગીરર ડાકે'ની રચના કરી છે. આ નવલકથામાં મહાશ્વેતા દેવીએ તિલકા માંઝીને મુર્મુ ગોત્રના સંથાલ આદિવાસી ગણાવ્યા છે. તે જ સમયે, હિન્દી નવલકથાકાર રાકેશ કુમાર સિંહે તેમની નવલકથા 'હૂલ પહાડીયા'માં તિલકા માંઝીને જબરા પહડીયા તરીકે ચિત્રિત કર્યા છે. જો કે, હૂલ વિદ્રોહના કારણો 18મી સદીમાં હતા, જે આજે પણ આદિવાસી વિસ્તારોમાં પ્રવર્તી રહેલા સંજોગો જેવા જ છે.

આદિવાસીઓને મૂડીવાદી ઘરો માટે જળ, જંગલો અને જમીનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. વિરોધ કરવા પર તેમને નક્સલવાદી કહીને સરકારી હત્યાકાંડ પણ ચાલુ જ છે. ઝારખંડમાં જ CNT અને CST એક્ટમાં ફેરફાર કરીને આદિવાસીઓની જમીન હડપ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં હૂલ વિદ્રોહની પ્રાસંગિકતા વધુ વધી જાય છે.

(મૂળ લેખ ફોરવર્ડ પ્રેસમાં પ્રમોદ રંજન દ્વારા હિન્દીમાં લખાયો હતો, જેને હિદાયત પરમારે ગુજરાતીમાં અનુવાદિત કર્યો છે.)

આ પણ વાંચો : આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.