અંબાજીમાં આદિવાસી સમૂહલગ્નઃ માબાપના લગ્નમાં પુત્ર-પૌત્રની હાજરી

ગઈકાલે અંબાજી ખાતે ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજના 121 યુગલોના સમૂહલગ્ન યોજાઈ ગયા. આ યુગલોમાં ઘણાં વડીલો પણ હતા. તેની પાછળનું કારણ સમજવા જેવું છે.

અંબાજીમાં આદિવાસી સમૂહલગ્નઃ માબાપના લગ્નમાં પુત્ર-પૌત્રની હાજરી
image credit - khabarantar.com

ગુજરાત સહિત ભારતભરમાં આજની તારીખે પણ સ્ત્રીઓ, દીકરીઓને સૌથી વધુ સ્વતંત્રતા જો કોઈ સમાજમાં મળતી હોય, તો તે આદિવાસી સમાજ છે. કથિત ઉજળિયાત કોમો તેમની બહેન-દીકરીઓ પર જબરજસ્ત નિયંત્રણો લાદીને રાખે છે. ખાસ કરીને લગ્ન બાબતે કથિત સવર્ણ કોમ અત્યંત કટ્ટર રીતે વર્તે છે. તેમની બહેન-દીકરીઓ તેમની મરજી મુજબ જ લગ્ન કરે, ઘરના પુરૂષો જ્યાં નક્કી કરે ત્યાં જ લગ્ન કરે તેવો કડક દુરાગ્રહ સેવવામાં આવે છે. આટલાં કડક બંધનો વચ્ચે પણ જો કોઈ યુવતી અન્ય સમાજના, ખાસ કરીને તેમનાથી કહેવાતી નીચી જાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરી લે તો જાતિવાદી તત્વો તે યુવક અને તેના પરિવારનું ખૂન કરવા સુધીની હદે જતા અચકાતા નથી. નાગરાજ મંજુળેએ ફિલ્મ 'સૈરાટ'માં બતાવ્યું છે તેમ કથિત નીચી જાતિનો યુવક, કથિત ઉચ્ચ જાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કરે તો યુવતીના પરિવારજનો તેનું ખૂન કરતા પણ અચકાતા નથી.

ડુંગરી ગરાસિયા સમાજના અનોખી પરંપરા

પણ આપણો આદિવાસી સમાજ આ બધી બાબતોમાં પણ સદીઓથી કહેવાતા પ્રગતિશીલ સમાજોને રાહ ચીંધે તેવો છે. આદિવાસી સમાજમાં સ્ત્રીઓનું જે માન-સન્માન અને દબદબો હોય છે તેવો બીજા કોઈ સમાજમાં જોવા મળતો નથી. આજેય આદિવાસી દીકરીને તેણે ક્યાં લગ્ન કરવા છે તેનો નિર્ણય તે સ્વયં કરી શકે છે. ખાસ કરીને ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજમાં તો યુવક-યુવતી લગ્ન કર્યા વિના જ આખી જિંદગી સાથે કાઢી નાખે છે.

તેમના સંતાનોના પણ સંતાનો થઈ જાય ત્યારે કદાચ મોકો મળે તો લગ્નની પરંપરા નિભાવે છે. વિચારો, કશી જ કોઈ ઔપચારિકતા વિના માત્ર સામેની વ્યક્તિના પ્રેમ અને વિશ્વાસના સહારે આખી જિંદગી તેની સાથે કાઢી નાખવી, આટલો વિશ્વાસ આજના જમાનામાં કોણ કરે? કારમી ગરીબીને કારણે આદિવાસી સમાજમાં અનેક યુગલો વગર લગ્ને પણ જિંદગી પસાર કરી નાખતા હોય છે, પણ સામાજિક પરંપરાની દુહાઈ દેતા લોકોને સમજાવવા માટે તેઓ જતી જિંદગીએ પણ લગ્ન કરતા હોય છે.

આ પણ વાંચો: ચાંદખેડામાં મહિલાઓ દ્વારા પેટાજાતિવાદ તોડતા અનોખા સમૂહલગ્ન યોજાયા

આવા જ એક લગ્ન ગઈકાલે ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજનો ગઢ ગણાતા અંબાજી ખાતે યોજાઈ ગયા. જ્યાં માતાપિતા પરણતા હોય અને તેમના દીકરા-દીકરીઓ તથા પૌત્ર-પૌત્રીઓ હાજર રહ્યાં હોય તેવા અનોખા દ્રશ્યો સર્જાયા હતા.

લગ્નના રિવાજો નહીં પ્રેમ-વિશ્વાસ પર ચાલતો સમાજ

ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજના યુવક-યુવતીઓ જો એકબીજાને પસંદ હોય તો લગ્ન વિના ઘરસંસાર શરૂ કરી શકે છે. અનેક કિસ્સાઓમાં આવા યુગલોના સંતાનો થઈ જાય પછી લગ્ન થાય છે. જ્યારે તેમના સંતાનોના લગ્ન થાય એ પહેલા માતાપિતાનું પરણવું ફરજિયાત હોવાથી તેઓ લગ્નગ્રંથિથી જોડાતા હોય છે. આથી અહીં એવા લગ્નોની નવાઈ નથી, જ્યાં પહેલા માતાપિતા લગ્નગ્રંથિથી જોડાય અને પછી તેમના સંતાનોના લગ્ન થાય. ક્યારેક તો એવું પણ બને છે કે, દાદા-દાદીના લગ્નમાં પૌત્રો હાજર હોય.

આદિવાસી સમાજની એક માન્યતા છે કે, પિતા કે દાદા જો લગ્ન કર્યા વિના મૃત્યુ પામે તો તેની બારમાની વિધિમાં સમાજનો કોઈ વ્યક્તિ જાય નહીં. આ મેણું પોતાના માથે ન લાગે તે માટે આદિવાસી સમાજના મોટી ઉંમરના યુગલો પણ લગ્ન કરતા જોવા મળે છે. અંબાજી ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

યાત્રાધામ અંબાજી માત્ર આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને કારણે જ નહીં, પરંતુ અહીં વસતા મોજીલા, ખરા અર્થમાં પ્રકૃતિપ્રેમી આદિવાસીઓ માટે પણ જાણીતું છે. "શામળાજીને મેળે રણઝણિયું રે પંજણિયું વાગે..." એ ગીત આપણે સૌએ સાંભળ્યું છે. એ ગીત મોજીલા આદિવાસીઓનો પ્રકૃતિપ્રેમ અને મેળા માટેનો હરખ વ્યક્ત કરે છે.

આ પણ વાંચો: કચ્છમાં પહેલીવાર બહુજન સમાજની મહિલાઓ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાશે

પ્રકૃતિ જેટલા જ નિખાલસ આદિવાસી સમાજ માટે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા 8મો સમૂહ લગ્નોત્સવ બે દિવસ પહેલા યોજાઈ ગયો. જેમાં અંબાજી અને તેની આસપાસના આદિવાસી વિસ્તારના 121 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. સમૂહ લગ્ન પહેલા અહીં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ વરઘોડો નીકળ્યો હતો. સમૂહલગ્નને જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલ અને દાંતા સ્ટેટના રાજવીઓએ દીપ પ્રગટાવી ઉદ્ગાઘટન કર્યું હતું. આ સમૂહ લગ્નમાં 121 આદિવાસી યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. નવયુગલોને દોઢથી બે લાખ રૂપિયાની ઘરવખરી પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી.

કુંવારાપણું ભાંગવા લગ્ન

આ સમૂહલગ્નમાં ઘણાં વડીલોએ પણ લગ્ન કર્યા હતા અને તેમના દીકરા-દીકરીઓ તેમના લગ્નના સાક્ષી બન્યા હતા. આદિવાસી સમાજમાં સામાન્ય રીતે યુવકો ગમતી કન્યા સાથે લગ્ન કર્યા વિના જ માત્ર એકબીજાના વિશ્વાસે ઘરસંસાર શરૂ કરી દે છે. પણ જ્યારે તેમના સંતાનો લગ્ન કરવા જાય ત્યારે તેમનું પરણવું ફરજિયાત હોય છે. પછી ભલેને તેમની ઉંમર ગમે તેટલી હોય. ઘણીવાર 80-90 વર્ષના દાદા-દાદી પણ લગ્ન કરતા જોવા મળે છે. વડીલો કુંવારાપણાંનું મેણું ભાંગવા લગ્ન કરે છે અને સૌ તેમાં હોંશેહોંશે ભાગ લે છે. આ સમૂહલગ્નમાં પણ આવા અનેક ઉદાહરણો જોવા મળ્યા હતા.

.

આ સમૂહલગ્નના આયોજક રાવતાજી ખરાડી કહે છે, એક સમયે રાજાઓના ડરથી આદિવાસી યુવકો તેમની ગમતી કન્યાને લઈને ડુંગરોમાં જતા રહેતા હતા અને ત્યાં જ વસવાટ કરતા અને સંતાનોને જન્મ આપી ઉછેરતા હતા. હવે રાજાશાહી તો છે નહીં, પણ ગરીબી ચોકક્સ છે. અનેક કિસ્સાઓમાં આદિવાસી યુવકો પોતાને ગમતી કન્યાઓ સાથે લગ્ન કરીને સંસાર માંડી શકે તેટલા રૂપિયા ભેગા કરી શકતા નથી, જેથી તેઓ લગ્ન વિના જ ઘરસંસાર શરૂ કરી દેતા હોય છે. પણ તેમના સંતાનોના લગ્ન થાય તે પહેલા તેમના લગ્ન થવા જરૂરી છે, નહીંતર સમાજ તેમને સ્વીકારે નહીં.

જો લગ્ન કર્યા વિના જ યુગલમાંથી કોઈ મૃત્યુ પામે તો સમાજ તેમની બારમાની વિધિમાં પણ હાજર ન રહે અને કાયમનું મ્હેણું રહી જાય. આવું ન થાય તે માટે આવા સમૂહલગ્નોમાં આદિવાસી વડીલો પણ લગ્નગ્રંથિથી જોડાતા હોય છે. આ સમૂહલગ્નમાં પણ આવા અનેક વડીલોએ લગ્ન કર્યા હતા અને તેમના સંતાનોએ હોંશેહોંશે તેમને વધાવ્યા હતા.

આ પણ વાંચો: ડીસાના માલગઢમાં વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.