સુરક્ષા સાધનો વિના ગટરમાં ઉતરેલા ત્રણ કામદારોના ઝેરી ગેસથી મોત
સુરક્ષા સાધનો પહેર્યા વિના ગટરમાં ઉતરેલા ત્રણ કર્મચારીઓના ઝેરી ગેસના કારણે ગૂંગળાઈને લીધે મોત થઈ ગયા છે.
સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે, ગટરમાં કોઈપણ સફાઈકર્મીએ સલામતી સાધનો વિના ઉતરવું નહીં. તેમ છતાં તેમને આ કામ માટે મજબૂર કરવા આવતા હોય છે અને તેની કિંમત તેમણે જીવ આપીને ચૂકવવી પડતી હોય છે. આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સલામતી સાધનો વિના ગટરની અંદર ઉતરેલા ત્રણ સફાઈકર્મીઓઓનું ઝેરી ગેસમાં ગુંગળાઈ જવાને કારણે મોત થઈ ગયું છે.
મામલો ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવનનો છે. અહીં ઝેરી ગેસના કારણે ગટરમાં ઉતરેલા ત્રણ મજૂરોના મોત થયા છે. આ તમામ કામદારો વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન હતા. આ પૈકીના બે મજૂરો ગટરમાં પાણી ખેંચવાની મોટરના કામ માટે અંદર ઉતર્યા હતા અને ઝેરી ગેસના સંપર્કમાં આવતા તેમનું મોત થઈ ગયું હતું. શરૂઆતમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તમામનું મોત ઈલેક્ટ્રીક શોકથી થયું છે. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટથી બધું સ્પષ્ટ થઈ ગયું છે. એવો આરોપ છે કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાની અવગણના કરીને કામદારોને સલામતી સાધનો વિના અંદર ઉતારવામાં આવ્યા હતા. જો તેમને સુરક્ષા સાધનો આપ્યા હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત.
બેદરકારીમાં સુપરવાઈઝર સાળા-બનેવી સાથે મજૂરનું મોત
અમિત ગુપ્તા નામનો શખ્સ ફરિદાબાદની કંપની મેટ્રોઇડનો સુપરવાઈઝર હતો, આ કંપની બિકાનેરવાલા રેસ્ટોરન્ટોની ગટર રિપેરિંગનું કામ જોતી હતી. કંપની વૃંદાવનમાં એક રેસ્ટોરન્ટ બનાવી રહી છે. જેના કારણે અમિત ગુપ્તાને અહીં મોકલવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, અમિત ગુપ્તા પોતે સેફ્ટી ઇક્વિપમેન્ટ પહેર્યા વિના ગટરની ટાંકીમાં ઘૂસી ગયો હતો અને તેણે મજૂર શ્યામને પણ ગટરની ટાંકીમાં પ્રવેશતી વખતે જરૂરી એવા કોઈ સેફ્ટી ઇક્વિપમેન્ટ આપ્યા ન હતા. સુપ્રીમ કોર્ટની કડક ગાઈડલાઈન છે કે કોઈ પણ કામદારને સેફ્ટી ઈક્વિપમેન્ટ વગર ગટરની ટાંકીમાં સફાઈ કે અન્ય કોઈ કામ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમ છતાં અમિત ગુપ્તા શ્યામને લઈને ગટરમાં ઉતર્યો હતો. જેના કારણે ત્રણેયનું મોત થઈ ગયું હતું.
આ પણ વાંચોઃ છેલ્લાં 5 વર્ષમાં ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈ દરમિયાન દેશભરમાં 339 લોકોના મોત
અકસ્માત બાદ વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ પાસેથી રેસ્ટોરન્ટ ઓપરેટર વિશે માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે આગ્રાના મનોજ શર્માને આ ફ્રેન્ચાઇઝી મળી હતી. ડીએમએ કહ્યું કે વહીવટીતંત્રે આ અકસ્માત અંગે ઓપરેટર સાથે વાતચીત કરી છે અને તેણે કહ્યું કે હાલમાં આ રેસ્ટોરન્ટ ટ્રાયલ મોડ પર ચાલી રહી છે. અમિત ગુપ્તા ગટરના કામ માટે બિકાનેરની કંપની દ્વારા અધિકૃત મેટ્રોઇડ ફર્મનો સુપરવાઇઝર હતો. ઇલેક્ટ્રિશિયનનું કામ અન્ય વ્યક્તિ પાસે છે. મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદ કરવામાં આવશે. ગયા અઠવાડિયે, બિકાનેરમાં એક રેસ્ટોરન્ટમાં વીજ કરંટથી એક કામદારનું મોત થયું હતું. આ ઘટનાને જેમતેમ કરીને દબાવી દેવામાં આવી હતી. પરિવારજનોએ ન તો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું કે ન તો પોલીસમાં કોઈ ફરિયાદ કરી.
શ્યામે માત્ર રૂ. 400ના વેતન માટે જીવ ગુમાવ્યો
વૃંદાવન ગટર અકસ્માતમાં જીવ ગુમાવનાર મજૂર શ્યામ એક ગરીબ પરિવારનો દીકરો હતો. તે પરિવાર સાથે અહીંના સલ્લા ગામમાં પત્ની નીલમ અને ત્રણ બાળકો સાથે એક ભાડાના મકાનમાં રહેતો હતો. માત્ર 400 રૂપિયા મજૂરી માટે શ્યામે ગટરમાં ઉતરવું પડ્યું અને જીવ ગુમાવ્યો હતો.
મૃતક શ્યામના ભાઈ નીરજે જણાવ્યું કે, તેને સાંજે 4 વાગ્યા આસપાસ ગામના સરપંચ દ્વારા તેના ભાઈના મોતના સમાચાર મળ્યા હતા. દુર્ઘટનાની જાણ થતા જ શ્યામની પત્ની નીલમ બેહોશ થઈ ગઈ હતી અને તેની 15 વર્ષની દીકરી પૂનમની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે.
વૃંદાવનમાં ગટર દુર્ઘટનાની માહિતી મળતા જ કલેક્ટર શૈલેન્દ્રકુમાર સિંહ અને એસએસપી શૈલેષ કુમાર પાંડે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળનું નિરીક્ષણ કરી અકસ્માતના કારણોની તપાસ કરી હતી. એ પછી અકસ્માતનો સંપૂર્ણ અહેવાલ સરકારને મોકલવામાં આવ્યો હતો.
કલેક્ટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અકસ્માતનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલી દેવામાં આવ્યો છે. પરિવારને આર્થિક મદદ અપાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી નક્કી છે."
આ પણ વાંચોઃ સરકારે સંસદમાં સ્વીકાર્યું, કાયદેસર પ્રતિબંધ હોવા છતાં ગટરની સફાઈ દર વર્ષે 70 લોકોના જીવ લે છે
એસએસપી શૈલેષ કુમાર પાંડેએ કહ્યું કે આ મામલે પરિવારના સભ્યોની ફરિયાદની હજુ રાહ જોવાઈ રહી છે. જો પરિવાર ફરિયાદ નહીં કરે તો પોલીસ તેમના સ્તરે કાર્યવાહી કરશે.
મૃતકોના પરિવારને રૂ. 30 લાખનું વળતર મળશે?
ગુજરાત દેશભરમાં ગટરની સફાઈ વખતે તંત્રની ઘોર બેદરકારીને કારણે અનેક શ્રમિકો અને કર્મચારીઓ અકાળે મૃત્યુ પામે છે, એવામાં સુપ્રીમ કોર્ટે ગટરમાં સફાઈ વખતે મોતને ભેટતા કે જીવનભરની ખોડખાપણનો ભોગ બનતા મજૂરો-સફાઇ કામદારો માટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2023માં સરકારને આદેશ આપ્યો હતો કે જે પણ મજૂરનું ગટરમાં સફાઇ દરમિયાન મોત થાય તેના પરિવારને સરકાર તરફથી ફરજિયાત રૂ. ૩૦ લાખ રૂપિયા વળતર તરીકે આપવાના રહેશે. જ્યારે ગટરની સફાઇ દરમિયાન જો કોઇને કાયમી ખોડખાપણ રહી જાય તો તેવા કિસ્સામાં પીડિતને રૂ. ૨૦ લાખ આપવાના રહેશે.
સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી થઇ હતી, જેમાં ગટરમાં સફાઇ કરતી વેળાએ મોતને ભેટતા કર્મચારીઓ ઉપરાંત ગટરના ગેસ અને અન્ય જોખમને કારણે ખોડખાપણનો ભોગ બનતા કર્મચારીઓ કે મજૂરોના હિતો માટે આદેશ આપવાની માગણી કરવામાં આવી હતી.
આ રિટ પિટિશન સાથે સુપ્રીમ કોર્ટને આવા મજૂરોના મોત અને ઇજાગ્રસ્ત થયેલા કામદારોનો ડેટા પણ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીને માન્ય રાખી હતી અને સરકારને આદેશ આપ્યો હતો કે તે ગટર સફાઇમાં મોતને ભેટતા કામદારોના પરિવારને રૂ. ૩૦ લાખ, કાયમી ખોડખાપણનો ભોગ બનનારાને રૂ. ૨૦ લાખ જ્યારે અન્ય કોઇ પણ પ્રકારની ખોડખાપણ માટે રૂ. ૧૦ લાખ રૂપિયા વળતર આપે.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો ચૂકાદોઃ ગટરની સફાઈ કરતા કર્મચારીનું મોત થાય તો સરકારે રૂ. 30 લાખ વળતર આપવું પડશે