દલિત ખેડૂતના 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ભાજપને આપી દેવાયા?

કચ્છમાં એક દલિત ખેડૂત પરિવારની જમીનની રકમમાંથી અંજાર ભાજપ પ્રમુખે વેલ્સપન કંપનીના અધિકારી અને નાયબ કલેક્ટર સાથે મળીને મહાકૌભાંડ આચર્યું છે.

દલિત ખેડૂતના 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ભાજપને આપી દેવાયા?
image credit - Google images

ભાજપને વહાલા થવાની લ્હાયમાં કચ્છના અંજારમાં આવેલી વેલ્સપન કંપનીના અધિકારી, તત્કાલિન નાયબ કલેક્ટર અને અંજાર શહેર ભાજપના પ્રમુખે મળીને એક ગરીબ દલિત ખેડૂતની જમીન વેચાવીને તેની રકમમાંથી અધધધ રૂ. 11 કરોડની રકમના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીની ભાજપને દાનમાં આપી દીધાંની સનસનીખેજ ઘટના સામે આવી છે.

સત્તાપક્ષ ભાજપને વહાલા થવાની લ્હાયમાં અંજારમાં આવેલી વેલ્સપન કંપનીના અધિકારીએ અંજાર ભાજપના પ્રમુખ અને તત્કાલિન નાયબ કલેક્ટર સાથે મળીને આખું કાવતરું રચીને દલિત ખેડૂતને નિશાન બનાવ્યા હતા અને પોતે ભાજપની વાહવાહી મેળવી હતી. આ સમગ્ર પ્રકરણનો ભાંડો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર કર્યા પછી સામે આવ્યો હતો. જેમાં સૌ કોઈ અંજારના દલિત ખેડૂતે ભાજપને આપેલા રૂ. 11 કરોડના દાનથી ચોંકી ઉઠ્યાં હતા. જો કે, એ દલિત ખેડૂતને તેની જાણ સુદ્ધાં નહોતી. કેમ કે, આખું કાવતરું ભાજપના નેતા, નાયબ કલેક્ટર અને વેલ્સપન કંપનીના અધિકારીએ રચ્યું હતું, જેની ગરીબ દલિત ખેડૂતને તો જાણ પણ નહોતી. એક ગરીબ દલિત ખેડૂત રૂ. 11 કરોડનું માતબર કહી શકાય તેવું ભંડોળ ઈલેક્ટોરલ બોન્ડ સ્વરૂપે ભાજપને કેવી રીતે આપી શકે તે સવાલ સૌ કોઈના મનમાં ઉઠ્યો હતો અને તેમાંથી આ મહાકૌભાંડનો પર્દાફાશ થયો હતો.

સુપ્રિમ કોર્ટના આદેશના પગલે જયારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ બોન્ડ ખરીદનારા લોકોનું લિસ્ટ સાર્વજનિક કરવામાં આવ્યું અને તેમાં ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ખેડૂત પરિવારનું નામ જોવા મળ્યું ત્યારે સૌ કોઈની આંખો પહોળી થઇ ગઈ હતી. સમગ્ર મામલાની તપાસ કરતા ખબર પડી કે, વેલસ્પન કંપનીના એક ઉચ્ચ અધિકારીએ અંજારના જમીન સંપાદન અધિકારી એવા અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર અને અંજાર ભાજપના શહેર પ્રમુખ સાથે મળીને આ ગરીબ દલિત ખેડૂત પરિવારને લલચાવી ફોસલાવીને 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદને ભાજપમાં પોતાની વાહવાહી મેળવી છે. જેમાં હવે સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે.

મામલો શું છે?
કચ્છ અંજારના બિપિન મણિલાલ વેગડ તેમજ અંજાર તાલુકાના વરસામેડી ગામના સવાભાઈ કારાભાઈ મણવર દ્વારા પોલીસને લેખિતમાં કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, અંજાર શહેર ભાજપના પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહ, જમીન સંપાદન અધિકારી એવા અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર ડો. વી. કે.જોશી ઉર્ફે વિમલભાઈ કિશોરચંદ્ર જોશી તેમજ વેલસ્પન અંજાર SEZ લિમિટેડના સિગ્નેચરી ઓથોરિટી મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢા સહિતના લોકોએ ગરીબ દલિત ખેડૂતોને જમીન સંપાદનની પ્રક્રિયાથી લઈને વળતરમાં મળેલા કરોડો રૂપિયાને ઈલેક્ટોરલ બોન્ડમાં રોકાણ કરો દોઢ ગણું વળતર મળશે તેવી વાતો કરી લલચાવી ફોસલાવીને છેતરપિંડી કર્યાના આક્ષેપ કર્યો છે. ભાજપના મોવડીમંડળને વહાલા થવાની લ્હાયમાં આ ત્રણેય લોકોએ મળીને એક દલિત પરિવારની મહામૂલી જમીન વેચીને તેમાંથી મળેલી રકમ ઈલેક્ટોરલ બોન્ડ થકી ભાજપને દાનમાં અપાવી દીધી હતી.

આ બંને ખેડૂતોને ન્યાય મળે તે માટે લડી રહેલા અંજારના વકીલ ગોવિંદભાઈ દાફડાએ એક મીડિયા સાથે કરેલી વાતચીતમાં આખા કૌભાંડની શરૂઆત કેવી રીતે થઈ અને મામલો રૂ. 11 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદવા સુધી કેવી રીતે પહોંચ્યો તેની વિસ્તારથી માહિતી આપી છે. ગોવિંદભાઈના જણાવ્યા પ્રમાણે, વરસામેડી ગામના સવાભાઈ કારાભાઇ મણવર તેમજ ખમું કારાના પરિવારની જમીન વેલસ્પન SEZ લિમિટેડ કંપની દ્વારા સંપાદિત કરવામાં આવી હતી. આ જમીનના સંપાદનથી તેમને કંપનીના જમીન સંપાદન અધિકારીના માધ્યમથી રૂ. 16.61 કરોડ મળ્યાં હતા. વેલસ્પન SEZ દ્વારા અગાઉ 2.80 કરોડનું વળતર તેમને ચૂકવી દેવામાં આવ્યું હોવાથી તેમને બાકીના 13.81 કરોડ ચૂકવવાના થતા હતા. વળતર મળવાનું હતું તેના એક સપ્તાહ પહેલાથી વેલસ્પન SEZ લિમિટેડ કંપનીના ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાએ કંપનીના વરસામેડી ખાતે આવેલા વેલહોમ નામના ગેસ્ટહાઉસમાં મીટિંગો રાખીને ખેડૂત પરિવારને સમજાવી રહ્યા હતા કે, આટલી મોટી રકમ જો તમારા બેન્ક એકાઉન્ટમાં રાખશો તો ઈન્ક્મટેક્સ સહિતના સરકારી ડિપાર્ટમેન્ટ તમને હેરાન કરી શકે છે. માટે વળતરની કરોડો રૂપિયાની રકમથી જો ઈલેક્ટોરલ બોન્ડ ખરીદશો તો કાયદાકીય માથાકૂટમાંથી બચી જશો અને રકમ પણ દોઢી થઈને તમને મળશે. વેલસ્પન કંપનીના ગેસ્ટહાઉસમાં મળતી આ મિટિંગ દરમિયાન અંજાર ભાજપ શહેરના પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહ પણ હાજર રહેતા હતા અને ગાંધીનગર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી ઈલેક્ટોરલ બોન્ડ લેવામાં આવ્યા ત્યાં સુધી સતત તેઓ માર્ગદર્શન કરી રહ્યા હતા. પરંતુ ત્રણેક મહિનાનો સમય પસાર થવા છતાં દોઢ ગણી રકમ પરત ન મળતાં ખેડૂત પરિવારને શંકા ગઈ હતી. એટલે તેમણે બોન્ડની રકમ કયારે મળશે તે અંગે પૂછવાનું શરુ કરી દીધું હતું. ત્યારે વેલસ્પન SEZ લિમિટેડ કંપની અધિકૃત ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાએ એમ કહી દીધું કે, હવે તમને રૂપિયા મળશે નહીં. એટલે કિસાન પરિવારે સતત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશને પગલે જયારે SEZ બોન્ડ ખરીદનારા લોકોનું લિસ્ટ જાહેર કર્યું ત્યારે ખબર પડી કે, તેમની જમીનના વળતરના કરોડો રૂપિયા તો ઈલેક્ટોરલ બોન્ડ સ્વરૂપે સત્તા પક્ષ ભાજપના એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. જમીન સંપાદિત કરીને એવોર્ડની પ્રક્રિયા એક વર્ષમાં સંપન્ન કરી દેવી જરૂરી હોય છે. પણ આ કિસ્સામાં નાયબ કલેક્ટર વી.કે. જોશી બેથી વધુ વખત એક્સટેન્શન લઈ ચૂક્યાં હતા. એટલે નવા આવેલા અધિકારી મેહુલ દેસાઈએ 17મી ઓગસ્ટ, 2023ના રોજ એક વર્ષની નિયત મર્યાદા પુરી થાય તે પહેલા જ 14મી ઓગસ્ટ, 2023ના રોજ કચ્છ કલેક્ટરની પૂર્વ મંજૂરીની અપેક્ષાએ લેન્ડ વેલ્યુએશન કમિટીના જૂના ઓર્ડરને ધ્યાનમાં લીધા વિના તાબડતોડ જમીનનું મૂલ્ય 76 કરોડને બદલે 16 કરોડ ઠેરવીને એવોર્ડ જાહેર કરી દે છે. જેટલી રકમ સરકાર એવોર્ડ થકી નક્કી કરે એટલી રકમ જે તે કંપનીને સરકારમાં જમા કરવી પડે. અને તે રકમ પછી જેમને વળતર આપવાનું હોય તેને ચેક દ્વારા આપવામાં આવતું હોય છે.”

આ ઘટનામાં જેમના પણ નામ આવે છે, આક્ષેપો થયા છે તેવા લોકોનો સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કરતા અંજાર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શૈલેન્દ્ર ડી. સિસોદિયાએ જણાવ્યું હતું કે, અમને ફરિયાદ સંદર્ભે કોઈ દસ્તાવેજ આપવામાં આવ્યા નથી. અમુક ડોક્યુમેન્ટ જ આપવામાં આવ્યા છે. તપાસ હાલમાં ચાલુ છે. સંબંધિત સરકારી વિભાગોમાંથી પણ પુરાવા તરીકે દસ્તાવેજો મેળવવા પડશે અને ત્યારબાદ હકીકતનો ખ્યાલ આવશે.”

જેમની ઉપર જમીન સંપાદનની પ્રક્રિયા સંબંધે આક્ષેપો થયા છે તે અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર ડો. વિમલ જોશી જેઓ હાલમાં ગુજરાત ગેસ CNG સ્ટેશન કંપનીમાં પ્રતિનિયુક્તિ ઉપર ફરજ બજાવી રહેલા GAS કેડરના ઓફિસર જોશીએ કહ્યું કે, સર્વે નંબર કહો તો ખબર પડે. જયારે તેમને જમીનના સર્વે નંબર આપવામાં આવ્યા તો તેમણે કહ્યું કે, તેઓ અંજારમાં આવ્યા તે પહેલાથી આ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ હતી. તેમણે આ હુકમ કર્યો નથી. તેમની ટ્રાન્સફર બાદ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. ડો. જોશીએ તેમની સામે થયેલા એક કોર્ટ કેસ સંદર્ભે પણ ઉમેર્યું કે, તેમની સામે અંજારના બિપિન મણિલાલ વેગડની સર્વે નંબર 404 વાળી જમીન અંગે અંજારની કોર્ટ દ્વારા તપાસનો તેમજ પાંચ હજારના જામીન ઉપર મુક્ત કરવાનો જે હુકમ થયો છે તેમાં તેમને ગુજરાત હાઇકોર્ટે એક દિવસમાં સ્ટે આપી દીધો છે.

વેલસ્પન કંપનીના ગેસ્ટહાઉસમાં થયેલી મિટિંગ દરમિયાન હાજર રહેતા હતા અને ગાંધીનગર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી ઈલેક્ટોરલ બોન્ડ લેવામાં આવ્યા ત્યાં સુધી સતત વેલ્સપનના અધિકારીને માર્ગદર્શન કરતા હોવાનો આરોપ જેમના ઉપર મુકવામાં આવ્યો છે તે અંજાર ભાજપ શહેરના પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહનો જયારે મીડિયાએ સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે, મને કંઈ જ ખ્યાલ નથી.

પોલીસ સમક્ષ કરવામાં આવેલી ફરિયાદમાં જેમનો રોલ આ પ્રકરણમાં મુખ્ય હોય તેવું દેખાય રહ્યું છે તે વેલસ્પન SEZ લિમિટેડ કંપની અધિકૃત ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાનો સંપર્ક કરવામાં આવતા તેઓ મળી શક્યા ન હતા.


76 કરોડની જમીન 16 કરોડમાં પડાવી લીધી?
ડૉ. આંબેડકરે દલિતોને શા માટે ભણવું જોઈએ તેવું કહ્યું છે, તેનું સૌથી મોટું ઉદાહરણ આ કૌભાંડમાં જોવા મળે છે. કેમ કે, આ જમીનની કિંમત સંપાદન વખતે રૂ. 76 કરોડ આંકવામાં આવી હતી જે પછી 16 કરોડમાં પડાવી લેવાઈ હોવાનું કહેવાય છે

કચ્છમાં આવેલી વેલસ્પન ગ્રુપની કંપનીને તેના પ્રોજેક્ટના વિસ્તરણ માટે જમીનની જરૂર હતી. જેમાં અંજાર તાલુકાના વરસામેડી ગામના સવાભાઈ કારાભાઇ મણવરના પરિવારજનોની જમીન વચ્ચે આવતી હતી. આ જમીન નવી શરત તેમજ જમીનના ટોચ મર્યાદાના કાયદા હેઠળ આવતી હોવાને પગલે તેને સીધી રીતે બજારમાં વેચી કે ખરીદી શકાય તેમ ન હતું. દરમિયાન વેલસ્પન ગ્રુપ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી કે, તેમને તેમાં ભવિષ્યના SEZ માટે જમીનની જરૂર છે. માટે તેને સરકારના નિયમ મુજબ સંપાદિત કરીને તેમને આપવામાં આવે. એટલે જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં કચ્છ કલેક્ટર કક્ષાએ જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા જમીનનું મૂલ્ય 76 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું હતું. કંપનીને આટલી મોંઘી જમીન લેવી પરવડે તેમ ન હતું. એટલે પછી શરૂ થયો સરકારી કાવાદાવાનો ખેલ. એવોર્ડની પ્રક્રિયા થોડા સમય માટે ભેદી સંજોગોમાં અટકી ગઈ હતી.

છેતરપિંડીનો ભોગ બનેલા દલિત પરિવારના વકીલ ગોવિંદભાઈ દાફડાના જણાવ્યા પ્રમાણે “જો મૂલ્યાંકન સમિતિએ નક્કી કરેલી કિંમત મુજબ એવોર્ડની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હોત તો સરકારને 70 ટકા પ્રીમિયમ લેખે કરોડો રૂપિયાની આવક પણ થાય તેમ હતું. દરમિયાન થોડા સમય બાદ અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર અને જમીન સંપાદન અધિકારી વિમલ જોશી દ્વારા પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવે છે. જેમાં બિપિનભાઈ વેગડ તેમજ રૂગનાથ મહાદેવ મંદિરના પૂજારી શંભુ શંકરના વારસદારોએ વાંધો ઉઠાવવામાં આવે છે. તેમના વાંધાને ડેપ્યુટી કલેક્ટર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા ન હતા. આ સમય સમયગાળા દરમિયાન ડેપ્યુટી કલેક્ટર જોશીની અમદાવાદ ખાતે RAC તરીકે ટ્રાન્સફર થઈ જાય છે અને તેમના સ્થાને ડેપ્યુટી કલેક્ટર તરીકે મેહુલ દેસાઈ નામના અધિકારીની નિયુક્તિ થાય છે.”

સમગ્ર પ્રકરણમાં જેમની સહીથી જમીન સંપાદિત કરીને એવોર્ડ આપવામાં આવ્યો હતો તેમને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાનેથી મળેલી જમીન મૂલ્યાંકન સમિતિએ જે ભાવ નક્કી કર્યો એ વાત ખબર જ નથી. અંજારના તત્કાલીન કલેક્ટર અને હાલમાં કચ્છમાં જ નાયબ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારી મેહુલ દેસાઈએ સમગ્ર પ્રક્રિયા નિયમ મુજબ ત્રણ વિકલ્પોને ધ્યાનમાં લઈને ભાવ નક્કી કર્યા હોવાનો દાવો કર્યો હતો. દેસાઈએ એમ પણ કબલ્યું કે, જમીન મૂલ્યાંકન સમિતિએ ઉક્ત જમીનનો ભાવ 76 કરોડ નક્કી કર્યા હતા તે તેમના ધ્યાનમાં નથી.

સામાન્ય કૌભાંડમાં ભલભલાં લોકોને પકડીને જેલમાં પુરી દેતી પોલીસ અને વર્તમાન સરકાર એક દલિત પરિવારના અધધધ..11 કરોડ રૂપિયાના આ મહાકૌભાંડીઓને જેલમાં નાખશે કે કેમ તે સવાલ હાલ તો મહત્વનો છે. સાથે જ આ દલિત પરિવારને તેમની મહામૂલી જમીનની રકમ પરત મળવી પણ જરૂરી છે. પણ બધો આધાર સરકારની દાનત પર છે, કારણ કે કૌભાંડના 11 કરોડ રૂપિયા તો તેમના જ પક્ષના ખાતામાં ઈલેક્ટોરલ બોન્ડ થકી જમા થયા છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં દલિતો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટ પર ITની રેડ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Vaghela premji
    Vaghela premji
    આને તત્કાલિ જેલ્ ભેગા કરો
    13 days ago
  • સુરેશ બથવાર
    સુરેશ બથવાર
    તાત્કાલિક કોર્ટ માં જવું જોઈ એ
    3 months ago