સુરાપુરા ધામ ભોળાદ પરના અંધવિશ્વાસના કારણે યુવકે આત્મહત્યા કરી?
ધોળકા પાસે આવેલા સુરાપુરા ધામ ભોળાદ પરના અંધવિશ્વાસને કારણે સુરતના એક યુવકે કથિત રીતે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. યુવકે વીડિયો બનાવી દાનભા બાપુ પર પણ અનેક આરોપ લગાવ્યા છે. વાંચો આ રિપોર્ટ.
ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોળાદ ગામે આવેલા સુરાપુરા ધામની શ્રદ્ધા ભક્તિની ભારે ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર દાદાના પરચાનો પ્રચાર કરતા અનેક વીડિયો, રીલ્સ અને ફોટાં ફરતા જોવા મળે છે. જેમાં દાદા સૌનાં દુઃખ દૂર કરતા હોવાનો દાવો કરાય છે. ભોળાદ ગામે આવેલા સુરાપુરા ધામમાં સેંકડો લોકો ઉમટી પડે છે અને આ ધામના ભુવા દાનભા બાપુ લોકોના ગમે તેવા દુઃખને દૂર કરી દેવાનો દાવો કરે છે. અનેક લોકો અહીં પોતાના દુઃખ દૂર કરવાની માનતા માને છે અને દર્શન કરવા આવે છે. દાનભા બાપુ ધૂણીને તેમના દુઃખ નિશ્ચિત સમય મર્યાદામાં દૂર થઈ જશે તેવો દાવો કરતા હોય છે. જો કે સુરાપુરા દાદા અને ભોળાદના દાનભા બાપુના વચન પર વિશ્વાસ મૂકીને ચાલવાનું એક યુવકને ભારે પડ્યું છે અને તેણે આત્મહત્યા કરીને પોતાનો જીવ ખોયો હોવાનું સામે આવ્યું છે.
સોશિયલ મીડિયા પર ગઈકાલે સુરતના એક 30 વરસના યુવકનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે યુવક સુરાપુરા ધામ ભોળાદ અને તેના ભુવાજી દાનભા બાપુને લઈને અનેક વાતો કરે છે. વીડિયોમાં યુવક જણાવે છે કે, “તે 7માં મહિનાની 19-20 તારીખે ભોળાદ આવેલો, ત્રણ દિવસ રોકાયેલો અને મારો વારો આવ્યો હતો. જેમાં બાપુ તમે મને એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. પણ તેમાં મારા દુઃખ દૂર થવાને બદલે વધુ પડતી થઈ છે. મારી પાસે જે કંઈપણ હતું તે જતું રહ્યું હતું. હું, મારા માતાપિતા, મારો ભાઈ, મને સાથ સહકાર આપનારા મારા ભાઈબંધો સૌ કોઈ હેરાન થઈ રહ્યાં છીએ. અમને તકલીફ પડતી હતી એટલે અમે ભોળાદ આવ્યા હતા. પણ હેરાન થવાની વાત તો અલગ, મારે આજે મારે મરવાનો દિવસ છે. કેમ કે, હું જે શ્રદ્ધા અને ભરોસે તમારી પાસે આવ્યો હતો, એવું કશું પણ બન્યું નથી. તમે જાહેરમાં કહ્યું હતું કે, જેને તમારી મરજી હોય એ તમારો ઉંબરો ચડે અને અહીં વારો આવે છે. તો બાપુ એ વારામાં પણ હું આવી ગયો છું અને તમે મને વદાડ(સમય) પણ આપ્યો છે છતાં એટલો હેરાન થયો છું કે, આજે મારે મરવાનો દિવસ છે. ત્રણ મહિનામાં મારો એક દિવસ એવો નથી ગયો કે હું હેરાન ન થયો હોઉં. એ પછી પણ હું બે વાર ભોળાદ આવી ગયો છું. એક વાર બેઠક બંધ હતી એટલે પાછો જતો રહ્યો હતો, ભોળાદ આવ્યો હતો તો પણ મને ન મળવાના સમાચાર મળ્યા હતા. બીજી વાર આવ્યો ત્યારે, તમે વીડિયોમાં બધાંને એમ કહો છો કે, હું બધાંને બીજીવાર એટલા માટે બોલાવું છું કે, જેથી તમારું કંઈ બાકી ન રહી જાય. તો બાપુ હું બીજી વાર આવ્યો હતો. તમારા ત્રણ સ્વયંસેવકોને મેં પૂછેલું કે, મારે બાપુને મળવું છે, તેમણે કીધેલું છે, વદાડ આપેલો છે, કામ થયું નથી, મારે મળવું છે, પણ કોઈએ મળવા દીધો નહોતો એટલે હું થાકીને પાછો સુરત આવી ગયેલો. હું ત્યાંથી નીકળ્યો ત્યારે દાદાને પ્રાર્થના કરીને નીકળ્યો હતો તો પણ આજેય હું હેરાન છું. અને ખાસ વાત એ કે, બાપુ તમે જે વદાડ આપ્યો હતો તે પુરો તો નથી થયો, પણ મેં જેમને વદાડ આપ્યા હતા તે કાલે સોમવારે બધાય મારે પુરા કરવાના છે, જે મારાથી પુરા થાય એમ છે નહીં. એટલે આજે બાપુ મારું જીવન હું પુરું કરું છું. જો સહાય કરી શકતા હો તો આજની રાત છે મારી પાસે, સહાય કરો. આજ સુધી આ ત્રણ મહિનામાં કશું થયું નથી."
https://www.youtube.com/watch?v=yPAbJcRsDxI&ab_channel=Viralgujrati
વાયરલ વીડિયોમાં યુવક આગળ કહે છે કે, "તમે ભલે જાહેરમાં ગમે તે બોલતા હો બાપુ, બાકી મને વદાડ કરતી વખતે તમારાથી કંઈક ભૂલ થયેલી છે. કાં તો મારી પાછળ જે વસ્તુ છે, તે દાદા (સુરાપુરા દાદા) કરતા જબરી છે, કાં તમારાથી કંઈક ભૂલ થઈ છે. તમે કહો છો કે જેનો સમય પાક્યો હોય તેનો 100 લોકોમાં વારો આવે. તો બાપુ મારો 100માં વારો પણ આવેલો છે અને વદાડ પણ આપેલો છે, તેમ છતાં મને નથી ખબર કે મારો 100માં વારો સુખી કરવાનો આવ્યો છે કે દુઃખી કરવાનો? બાપુ, આજની રાત મારી છેલ્લી છે, કાલે જવાબદારી તમારી છે, કાલે હું ભોળાદ આવીશ પણ જીવતો નહીં આવું. જવાબ તમારે દેવાનો છે બાપુ. કારણ કે હું તમારા ભરોસે હતો, તમારા ભરોસે દોડ્યો હતો. મેં ઘણાં એવા વીડિયો જોયા છે, જેમાં તમે કહો છો કે મને અગાઉથી ખબર હોય કે પાંચ વરસ પછી આ માણસ શું કરશે-શું નહીં કરે. તો બાપુ તમારા વદાડ લીધા છતાં હું એટલો બધો હેરાન કેમ થયો? બાપુ, જીવ હવે અહીંયા(ગળું બતાવીને) પહોંચી ગયો છે. મારો ભાઈ બે વાર મરતા મરતા બચ્યો છે, બાપ મરતા મરતા બચ્યો છે. મારી માંને મેં રોતા જોઈ છે. નાનપણથી હું જોતો આવું છું. 30 વર્ષની મારી ઉંમર છે, કદી કોઈને દુઃખી નથી કર્યા. ઈમાનદારીથી કામ કરું છું. આ જે ઓફિસમાં (ઓફિસ બતાવીને) હું કામ કરું છું તેમાં પણ બધાં મારા પર વિશ્વાસ કરે છે. શેઠ લોકો પણ મને ચાવીઓ આપીને જાય છે, બધાં મારા ભરોસે બેઠાં છે બાપુ, કાલ સવારે હું બધાં વાયદા પુરા નથી કરી શકું તેમ. એટલે મારે જીવન ટૂંકાવવું પડે તેમ છે. મારી પાછળ જે વસ્તુ છે તેને કોઈ કાઢી નથી શક્યું, હું સમજવા શીખ્યા ત્યારથી આ જોતો આવું છું. અને હજુ સુધી કોઈ તેનું નિરાકરણ લાવી શક્યું નથી. બાપુ તમારી પાસેથી પણ આવો ભરોસો નહોતો (કદાચ એ એમ કહેવા માંગે છે કે બાપુ તમે પણ આ કામ નહીં કરી શકો એવી અપેક્ષા નહોતી.) એટલે મારે જીવન ટૂંકાવવું પડે છે. બાપુ હું બહું રોયો છું. હવે એ ઋણ ચૂકવાય એવું નથી. ત્રણ ત્રણ મહિના વીતી ગયા છે.”
https://www.youtube.com/watch?v=yWcbgbSvALI&ab_channel=TheDD2Official
વીડિયોમાં યુવક આટલી વાત કરતો જણાય છે એ પછી વીડિયો અચાનક કપાઈ ગઈ છે. જો કે, એ પછી શું થયું તેને લઈને કોઈ નક્કર વાત જાણવા મળતી નથી. યુવકે ખરેખર આત્મહત્યા કરી લીધી છે કે બીજું કંઈ તે અંગે પણ કશું જાણવા મળતું નથી. આ વીડિયો ગઈકાલનો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, જો કે ખબરઅંતર.કોમ વીડિયોની કે તેમાં યુવક દ્વારા કરવામાં આવતા કોઈપણ પ્રકારના દાવાઓ કે બીજી કોઈપણ બાબતની પુષ્ટિ કરતું નથી. યુવકનું નામ, ગામ કે અન્ય કોઈ વિગતો પણ મળી રહી નથી. ત્યારે આ સમાચારમાં કેટલું તથ્ય છે તે પણ એક સવાલ છે. આ વીડિયો ઓછામાં ઓછાં 7 થી 10 મહિના પહેલાનો હોવાનું કહેવાય છે, પણ વાયરલ અત્યારે થયો હોવાની નવેસરથી તેની ચર્ચા ઉપડી છે.
આગળ વાંચોઃ દલિત ખેડૂતના 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ભાજપને આપી દેવાયા?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.