ઓબીસી સમાજના મસીહા કર્પૂરી ઠાકુરને મળશે ભારતરત્ન, જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ જાહેરાત

આ વર્ષે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારતરત્ન આપવાની જાહેરાત કરાઈ છે. તેમની જન્મશતાબ્દિની પૂર્વ સંધ્યાએ આ જાહેરાત કરવામાં આવી છે. કર્પૂરી ઠાકુરને ઓબીસી સમાજના મસીહા માનવામાં આવે છે ત્યારે ભાજપે બિહારમાં જેડીયુ-આરજેડી તરફ ઓબીસી મતોને જતા અટકાવવા આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

ઓબીસી સમાજના મસીહા કર્પૂરી ઠાકુરને મળશે ભારતરત્ન, જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ જાહેરાત
image credit - Google images

Karpuri Thakur bharat ratna: બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવામાં આવશે. કેન્દ્રની ભાજપ સરકારે 24મી જાન્યુઆરીની તેમની જન્મશતાબ્દીને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરી છે. કર્પૂરી ઠાકુરને પછાત વર્ગના મસીહા કહેવામાં આવે છે. આજે તેમની જન્મશતાબ્દીના દિવસે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

કહેવાય છે કે, બિહારમાં જેડીયૂ અને આરજેડીની યુતિ તરફ વળી રહેલા ઓબીસી મતોને પોતાની તરફે ખેંચવા માટે ભાજપ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં લોકસભાની 40 બેઠકો છે અને હાલ ત્યાં નીતિશ-લાલુની જોડી સત્તામાં છે અને ઓબીસી મતો પર તેમની મજબૂત પકડ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.


કોણ હતા કર્પૂરી ઠાકુર
બિહારના સમસ્તીપુરમાં જન્મેલા કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી રહ્યાં હતા. જો કે, એકેય વાર તેઓ તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા. તેમને પછાત વર્ગ માટે અનામતનો રસ્તો કંડારનાર મસીહા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે મુંગેરીલાલ કમીશનની ભલામણોને લાગુ કરાવી હતી. તેના માટે તેમણે પોતાની સરકારનું પણ બલિદાન દેવું પડ્યું હતું. આ સિવાય તેમણે બિહારની શિક્ષણ વ્યવસ્થામાં પણ અનેક પ્રકારના પરિવર્તનો આણ્યાં હતાં. પોતાના નાયબ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે મેટ્રિકની પરીક્ષામાં અંગ્રેજી પાસ કરવાની અનિવાર્યતાને ખતમ કરી દીધી હતી.

હજુ ગઈકાલે જ નીતિશકુમારની પાર્ટી જેડીયૂએ કર્પૂરી ઠાકુરને ભારતરત્નથી સન્માનિત કરવાની માંગ કરી હતી. પાર્ટીના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે તેમણે સમાજ માટે ઘણું કામ કર્યું છે તેથી જ તેમને જનનેતા કહેવામાં આવે છે. તેમનું સમગ્ર જીવન સમાજના વિકાસ માટે સમર્પિત હતું. 


કર્પૂરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી 1924ના રોજ બિહારના સમસ્તીપુરના પિતૌઝિયામાં થયો હતો. હવે આ ગામ કર્પુરીગ્રામ તરીકે ઓળખાય છે. લોકો તેમને પ્રેમથી જનનાયક કહે છે. 17 ફેબ્રુઆરી 1988ના રોજ તેમનું અવસાન થયું. તેઓ 1952થી સતત ધારાસભ્ય રહ્યા હતા. 1984ની લોકસભા ચૂંટણીમાં જ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.


કર્પૂરી ઠાકુર બે વખત મુખ્યમંત્રી અને એક વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. સાથે જ તેઓ દાયકાઓ સુધી ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા રહ્યા હતા. 31 વર્ષની ઉંમરે તેઓ સમસ્તીપુરના તાજપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે સમાજવાદી ચળવળને ધાર આપી હતી, તેને જમીન પર ઉતાર્યો હતો. તેમણે મહાત્મા ગાંધીના આંદોલનમાં પણ ભાગ લીધો હતો, જેના કારણે તેમને જેલમાં પણ જવું પડ્યું હતું.


કર્પૂરી ઠાકુરને લઈને રાજકારણમાં હોડ
કર્પૂરી ઠાકુરનું નિધન 17 ફેબ્રુઆરી 1988ના રોજ થઈ ગયું હતું. પણ રાજકીય ગલીઓમાં તેમના નામ પર આજે પણ હોડ લાગેલી રહે છે. તેમને લઈને ભાજપ અને જેડીયૂમાં પણ જંગ ચાલુ છે. મિલર હાઈસ્કૂલના મેદાનમાં જન્મજયંતિ સમારોહ ઉજવવાને લઈને જેડીયૂ અને ભાજપ સામસામે છે. ભાજપે કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની જાહેરાત કરી એ પહેલા જ જેડીયૂએ તેમની જન્મજયંતી પર જંગી રેલી કરવાનું આયોજન કરી ચૂકી છે.

આગળ વાંચોઃ સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.