મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું, ધારાસભ્યોનાં ઘર, ઓફિસ-વાહનો સળગાવાયાં, મ્યુનિ. ઓફિસને આગચંપી

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું, ધારાસભ્યોનાં ઘર, ઓફિસ-વાહનો સળગાવાયાં, મ્યુનિ. ઓફિસને આગચંપી
Photo By Google Images

Maratha Reservation Movement: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં દિવસે ને દિવસે હિંસા વકરી રહી છે. રાજ્યમાં ઠેર-ઠેર મોરચા નીકળી રહ્યા છે અને હાઈવે પર રસ્તા રોકો આંદોલન ચાલી રહ્યાં છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરિયામ નિષ્ફળતા બદલ વિપક્ષે ગૃહ ખાતાંનો પણ હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાંની માગણી કરી છે. 

 

રાજ્યમાં જુદાં જુદાં ગામોમાં પણ મનોજ જરાંગે પાટીલ(manoj jarange patil)ના અનિશ્ચિતકાળના ઉપવાસના ટેકામાં ઉપવાસ યોજવાની ઘોષણા થયા બાદ આ હિંસા વકરી છે. ૪૮ કલાકમાં ૧૩થી વધુ બસોની તોડફોડ કરવામાં આવ્યા બાદ ૩૦ ડેપો દ્વારા બસ સંચાલન બંધ કરી દેવાયું છે. તોફાનોની અસર સૌથી વધુ બીડ જિલ્લામાં છે. બીડમાં તોફાનોને પગલે વીજ પુરવઠો બંધ થતાં સમગ્ર શહેર અંધારામાં ગરકાવ થઈ ગયું હતું. 

આ પણ વાંચોઃ દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ

મરાઠા આંદોલનકારીઓએ એનસીપી(NCP)ના અજિત જૂથના ધારાસભ્ય પ્રકાશ સોળંકે(prakash solanke)ના બીડ જિલ્લામાં મજલગાંવ ખાતેના આવેલા ઘરે આગ ચાંપી હતી. આંદોલનકારીઓએ ઘરની બહાર પાર્ક થયેલી કાર સહિત અન્ય વાહનો પણ સળગાવ્યાં હતાં. પ્રકાશ સોળંકેના જણાવ્યા અનુસાર આંદોલનકારીઓએ જ્યારે તેમના ઘરને આગ ચાંપી ત્યારે તેઓ તથા તેમના પરિવારજનો ઘરમાં જ હતા પરંતુ સદભાગ્યે તેમને કોઈને કોઈ ઈજા થઈ નથી. પ્રકાશ સોળંકેના ઘરને આગ ચાંપ્યા બાદ આંદોલનકારીઓ હથિયારો સાથે મજલગાંવ મ્યુનિસિપલ કાઉન્સિલની ઓફિસ પહોંચ્યા હતા અને પહેલા માળેથી ફર્નિચર, દસ્તાવેજો વગેરે બહાર કાઢી સળગાવી દીધાં હતાં. તેમણે મોટાપાયે તોડફોડ પણ કરી હતી. મુંબઈથી ૪૦૦ કિમી દૂર આવેલાં મજલગાંવ ખાતે સોમવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં આ હિંસક ઘટનાઓ બની હતી. 

પોલીસે સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે આંદોલનકારીઓની ઓળખ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. ફાયર બ્રિગેડના જવાનોએ ધસી જઈને આગ બુઝાવી હતી. આગમાં મ્યુનિસિપલ કાઉન્સિલને મોટું નુકસાન થયું હતું. જોકે, આ બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી. 

આ પણ વાંચોઃ Morbi બ્રિજ દુર્ઘટનાનું એક વર્ષઃ આરોપી જયસુખ પટેલને છોડાવવાના પ્રયાસો કેમ થઈ રહ્યા છે?

અન્ય બનાવમાં છત્રપતિ સંભાજી નગરના ગંગાપુર ખાતે ભાજપના ધારાસભ્ય પ્રશાંત બાંબની ઓફિસમાં તોડફોડ થઈ હતી. અહીં પણ આંદોલનકારીઓ હથિયારો સાથે પહોંચ્યા હતા અને તેમણે ઓફિસનાં ફર્નિચર તથા બારીબારણાંનો ખુડદો બોલાવી દીધો હતો. 

બીડમાં સાંજે NCPના રાષ્ટ્રવાદી ભવન તરીકે ઓળખાતાં કાર્યાલય તથા NCPના ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરનાં મકાન અને ઓફિસને પણ આગ ચાંપવામાં આવી હતી. સંદીપ ક્ષીરસાગરના કાકા તથા સિનિયર ઓબીસી નેતા જયદત્ત ક્ષીરસાગરના બંગલાને પણ આગ ચાંપવામાં આવી હતી. ધૂળે સોલાપુર હાઈવે પર રોષે ભરાયેલાં ટોળાએ સમતા પરિષદના બીડ જિલ્લાના પ્રમુખ સુભાષ રાઉતની હોટલ સનરાઈઝ સળગાવી દીધી હતી. 

આ પણ વાંચોઃ Exclusive: ભારતમાં દરરોજ 3 શ્રમિકોના કામના સ્થળે જીવલેણ અકસ્માતમાં મોત થાય છે

શા માટે હિંસા શરૂ થઈ?

પ્રકાશ સોળંકે મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલ વિરુદ્ધ ઉચ્ચારણો બદલ મરાઠા આંદોલનકારીઓના નિશાને આવ્યા હતા. પ્રકાશ સોળંકેએ 'મનોજ જરાંગેએ સરકારને દસ દિવસ વધારે એટલે કે દસ દિવસનું બોનસ આપ્યું હતું. પરંતુ બોનસ આપનાર મહા હોશિયાર વ્યક્તિ છે. તેણે ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી લડી નથી હવે તે બધા કરતાં હોશિયાર વ્યક્તિ બની ગયો છે..' એવી ટિપ્પણી કરી હતી. આ અંગેની ક્લિપ વાઇરલ થતા મરાઠા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સોળંકેએ જણાવ્યું હતું કે હું પોતે મરાઠા છું. મારો મરાઠા અનામતને ટેકો છે, પરંતુ કેટલાકે મારી અડધી વિડિયો ક્લીપ વાઇરલ કરીને ગેરસમજણ ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય દ્વેષરાગના વાતાવરણ વચ્ચે કેટલાક ગેરકાયદે લાભ લઇ રહ્યા છે. મરાઠા સમાજમાં મારા વિશે ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન હોવાનો દાવો પ્રકાશ સોળંકેએ કર્યો હતો. 

આગળ વાંચોઃ આનંદો! માતા સાવિત્રીબાઈ ફૂલેએ 1848માં શરૂ કરેલી દેશની પ્રથમ કન્યાશાળા રાષ્ટ્રીય ધરોહરમાં ફેરવાશે 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.