“પોલીસે મને પટ્ટાથી માર્યો, ગુપ્ત ભાગમાં પેટ્રોલ નાખ્યું, હજુ બળતરા થાય છે...” છારા યુવકે સેટેલાઈટ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

“પોલીસે મને પટ્ટાથી માર્યો, ગુપ્ત ભાગમાં પેટ્રોલ નાખ્યું, હજુ બળતરા થાય છે...” છારા યુવકે સેટેલાઈટ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના ચોરીના કેસમાં પકડાયેલા એક આરોપીએ પોલીસે તેને ગુપ્ત ભાગોમાં પેટ્રોલ કે જ્વલનશીલ પદાર્થ નાંખી માર માર્યાની ફરિયાદ કરતાં મેટ્રોર્પોલીટન કોર્ટે આરોપીનું મેડિકલ કરાવવા હુકમ કર્યો હતો અને મેડિકલ કરાવ્યા બાદ કોર્ટે આરોપીને એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં એક કારમાંથી 5.50 લાખ રૂપિયાની ચોરી કરવાના કેસમાં પકડાયેલા આરોપી રોહિત ઉર્ફે કાલા દિપકભાઈ માછરેકર(છારા)ને પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતો. જ્યાં પ્રોસીજર મુજબ કોર્ટે આરોપીને પોલીસ સામે કોઈ ફરિયાદ છે કે કેમ તેવું પૂછતાં આરોપીએ કોર્ટને લેખિતમાં ફરિયાદ આપી હતી કે, 'પોલીસ સ્ટેશનમાં મને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે અને કમર તથા શરીરના અન્ય ભાગોએ ફેંટોનો માર મારવામાં આવ્યો હતો. મને બેભાન જેવો કરી ગુપ્ત ભાગોમાં પેટ્રોલ કે અન્ય જ્વલનશીલ પદાર્થ નાખ્યો હતો, જેના કારણે હજુ બળતરા થાય છે.'

આ પણ વાંચોઃ 'બેટા લે લો... બેટા લે લો...' એક પિતા પોતાના લાડકા દીકરાને વેચવા મજબૂર કેમ બન્યો?

આરોપીએ PSI તથા અન્ય પોલીસકર્મી વિરૂધ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા. જો કે, કોર્ટે આરોપીની ફરિયાદ ધ્યાનમાં લીધા બાદ તેનું મેડિકલ કરાવવા હુકમ કર્યો હતો. મેડિકલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીને એક દિવસના રિમાન્ડ પર સોંપ્યો હતો. કોર્ટે પોલીસને સુપ્રીમકોર્ટના ડી.કે.બાસુના ચુકાદાની માર્ગદર્શિકા અનુસરવા તાકીદ કરી હતી.

 

અગાઉ નળસરોવર પોલીસ સામે પણ આવા જ આક્ષેપો થયેલા

થોડા દિવસ પહેલા વીરમગામ પાસેના નળસરોવરની પોલીસ સામે પણ આરોપી પર આવા જ અત્યાચારો ગુજારવાના આરોપો થયા હતા. જેમાં ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે પોલીસે આરોપીઓને ગેરકાયદે રીતે અટકાયતમાં લીધા બાદ તેમના પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને ગુપ્ત ભાગે વીજશોક આપ્યાનો અને ગુદામાર્ગે પેટ્રોલ નાખવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો, જેને લઈને હાઇકોર્ટ સમક્ષ ન્યાયની માંગણી કરવામાં આવી હતી. પોલીસનું કામ ગુનાની તપાસ કરવાનું હોય છે, છતાં ગુજરાતમાં બેફામ બની ગયેલી પોલીસ સીધી આરોપીઓને સજા કરવા માંડે છે તે ગંભીર ગણાય. મોટાભાગના આવા કેસોમાં આરોપી બહુજન સમાજનો જોવા મળતો હોય છે એવું આંકડાઓ કહે છે.

આગળ વાંચોઃ કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, છેલ્લાં 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીઓના મોત થયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.