ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં રોડવેઝ બસ સ્ટેન્ડ ચોક પર એક એવી તસવીર સામે આવી છે જેણે દરેકને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં દેવાના કારણે એક પિતાને તેના હૃદયના ટુકડા સમાન તેના પુત્રને 6થી 8 લાખ રૂપિયામાં વેચવાની ફરજ પડી છે. પત્ની, એક પુત્રી અને એક પુત્ર સાથે ચોકમાં બેઠેલા આ માણસને પુત્રને વેચવાની ફરજ પડી છે. તેના ગળામાં એક તકતી લટકાવેલી હતી, "મારો પુત્ર વેચવા માટે છે, મારે મારા પુત્રને વેચવો છે."
અલીગઢના મહુઆ ખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિહાર મીરા સ્કૂલ પાસે રહેતા રાજકુમારનો આરોપ છે કે તેણે કેટલીક મિલકત ખરીદવા માટે લોકો પાસેથી લોન લીધી હતી, પરંતુ માથાભારે શખ્સે કપટ કરીને રાજકુમારને દેવાદાર બનાવી દીધો અને તેના પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો. તેની મિલકતના કાગળો બેંકમાં રાખીને તેને લોન આપવામાં આવી. રાજકુમારનો આરોપ છે કે ન તો મને પ્રોપર્ટી મળી અને ન તો મારા હાથમાં પૈસા બચ્યા. હવે પેલો શખ્સ તેના પર પૈસા વસૂલવા માટે સતત દબાણ કરી રહ્યો છે. રાજકુમારનો આરોપ છે કે થોડા દિવસો પહેલા તેની ઈ-રિક્ષા છીનવી લીધી હતી, જેને તે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ચલાવે છે.
રાજકુમાર કહે છે કે હવે તે એટલો નારાજ છે કે તે પોતાના પુત્રને વેચવા માટે તેની પત્ની, પુત્ર અને એક નાનકડી પુત્રી સાથે બસ સ્ટેન્ડના ચોક પર આવીને બેસી ગયો છે. રાજકુમારે વધુમાં કહ્યું કે તે ઈચ્છે છે કે જો કોઈ મારા પુત્રને 6થી 8 લાખ રૂપિયામાં ખરીદે તો ઓછામાં ઓછું હું મારી દીકરીને ભણાવી શકીશ. હું એના લગ્ન કરાવીને મારા પરિવારનું ધ્યાન રાખી શકીશ. તે જ સમયે, રાજકુમાર એ પણ કહે છે કે તે પોલીસ પાસે ગયો હતો, પરંતુ ત્યાંથી કોઈ મદદ ન મળી, તેથી હવે તેણે આ પગલું ભરવું પડ્યું. આ બધું જોઈને ત્યાંથી પસાર થતા લોકોના ટોળા એકઠા થવા લાગ્યા હતા. તે જ ભીડમાં હાજર એક મહિલાએ રાજકુમાર અને તેની પત્ની અને બાળકોને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું કે બાળકો મેળવવું એટલું મુશ્કેલ છે, કોઈ તેના જિગરના ટુકડા આ રીતે કેવી રીતે વેચી શકે. જોકે, લગભગ એક કલાક બાદ ગાંધી પાર્ક પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રાજકુમારને તેના પરિવાર સાથે પોતાની સાથે લઈ ગયો હતો.