ભયંકર નોનસેન્સ: નારાયણ મૂર્તિ બેશરમ અને નિર્દય બજારનું પ્રતીક બની ગયા!
બજાર માણસને ઉત્પાદનનું સાધન અને ગ્રાહક ગણે છે, એક જીવંત મનુષ્ય નહિ. અને ઉદ્યોગપતિઓ અને માલિકો માણસને શોષણ માટેનું સાધન ગણે છે, એ સિવાય કશું જ નહિ.
Infosys નામની જાણીતી કંપનીના માલિક રહેલા અને દેશમાં જેમનું નામ બહુ સન્માનથી લેવામાં આવે છે એવા નારાયણ મૂર્તિ નામના એક ઉદ્યોગપતિએ ભારતના યુવાનોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાનું કહ્યું છે. આ નારાયણ મૂર્તિ રૂ. 35,000 કરોડની સંપત્તિના માલિક છે. ભારતના સૌથી ધનવાન લોકોમાં એમનો ક્રમ 48મો છે અને દુનિયામાં 618મો. એમનાં પત્ની સુધા મૂર્તિ અને પરિવારના અન્ય લોકોની સંપત્તિ તો જુદી!
આટલા બધા ધનવાન થઈ ગયેલા વ્યક્તિ હવે એમ કહે છે કે બધાએ અઠવાડિયામાં 70 કલાક એટલે કે છ દિવસમાં રોજના લગભગ પોણા બાર કલાક કામ કરવું જોઈએ. અઢળક સંપત્તિમાં રાચનાર આવું જ બોલે ને! ભયંકર નોનસેન્સ વાત છે આ!
શક્ય છે કે પોતાની યુવાનીમાં સપ્તાહના 70 કલાક કામ કરીને તેઓ આટલા ધનવાન બન્યા હશે. પણ સપ્તાહના 70 કલાક કામ કરનારા બીજા 70 કરોડ લોકો ખાસ્સા અભાવમાં અને વંચિતતામાં જીવે છે એનું શું? એ બધા એમના જેવી એશોઆરામની જિંદગી 70 વર્ષે પણ જીવી શકતા નથી એનું શું?
એમને ખબર હશે જ કે મોલ, દુકાનો અને કારખાનાંમાં અને ખેતરોમાં કરોડો લોકો રોજના દસ કે બાર કલાક કામ કરે જ છે અને તેમની પાસે 10 લાખ રૂ.ની પણ સંપત્તિ હોતી નથી. નારાયણ મૂર્તિ બેંગ્લોરમાં રહે છે. તેઓ એ જ શહેરના કોઈ મોલમાં જઈને તેના યુવાન કામદારને પૂછી આવે કે તે કેટલા કલાક કામ કરે છે અને તેને કેટલો પગાર મળે છે. એ બધા ખૂબ શારીરિક અને માનસિક મહેનત કરે છે પણ એમને જેટલું વેતન કે પગાર મળવાં જોઈએ એટલાં એમને મળતાં નથી. એને માટે કયા ઉદ્યોગપતિ, વેપારી કે જાગીરદાર ખેડૂતો જવાબદાર છે એને વિશે નારાયણ મૂર્તિ કશું કહેશે ખરા?
આ પણ વાંચો:કે.આર. નારાયણનો જન્મદિવસઃ ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર આસાન નહોતી
1919માં સ્થપાયેલી સંસ્થા ILO દ્વારા 1930માં જે ઠરાવ પસાર થયેલો છે તેમાં એક અઠવાડિયામાં મહત્તમ 48 કલાક અને રોજના મહત્તમ 8 કલાક વ્યક્તિ રોજગારીમાં કામ કરે તેમ લખેલું છે. ભારતે એ ઠરાવ પર સહીઓ કરેલી છે અને તેને માટે કાયદા પણ કરેલા છે. પરંતુ અનેક દુકાનો, મોલ અને કારખાનાં વગેરેમાં તેનો અમલ થતો નથી એ તો નરી આંખે દેખાય તેમ છે. એ શું નારાયણ મૂર્તિને ખબર નથી? હવે તેઓ એને કાયદેસરનું કરવા કે કરાવવા માગે છે.
આશ્ચર્ય થાય છે અને આઘાત લાગે છે કે જ્યારે નારાયણ મૂર્તિ જેવી સન્માનનીય વ્યક્તિ આવું કહે છે! અદાણી કે અંબાણી જેવા કોઈ કહેતા હોત તો સમજ્યા! માણસ જિંદગીનો મોટો ભાગ રોજગારી પાછળ જ કાઢે તો જિંદગીનો આનંદ ક્યારે ભોગવે? જો માણસ 12 કલાક કામ કરે અને ઊંઘવાના 8 કલાક ગણીએ તો બાકી રહેતા 4 કલાકમાં જિંદગીની બાકીની તમામ પ્રવૃત્તિઓ કરવાની!
સીધીસાદી વાત એ છે કે રોજના આઠ કલાક અને સપ્તાહના 48 કલાકથી વધુ કામ કમાણી કરવા ન જ હોય. એથી વધુ કામ કમાણી માટે થાય તો એ અર્થતંત્ર અને બજારની નિષ્ફળતા ગણાય.
આ પણ વાંચો:ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે
આટલું કરીએ તો ખબર પડે કે શું થાય છે -
(૧) આઠ કલાક મોલમાં સતત ઊભા રહીને કામ કરવું.
(૨) કોઈ દુકાનદારને ત્યાં કે વખાર જેવા સ્થળે સતત 10 કે 12 કલાક બેઠાબેઠા કે ઊભા ઊભા કામ કરવું.
(૩) કોઈ કારખાનામાં સતત 10 કે 12 કે 15 કલાક કામ કરવું.
(૪) કાદવ જેવા થઈ ગયેલા કે બે ફૂટ પાણી ભરેલા ખેતરમાં આઠ કલાક કામ કરવું વગેરે....
અને આટલી શારીરિક મહેનત પછી એમને શું અને કેટલું મળે છે એની તુલના બીજાઓને મળતા પગાર અને પેન્શન સાથે કરવાનું ભૂલવાનું નહિ હોં.
મહાત્મા ગાંધીના સર્વોદયના ત્રણ સિદ્ધાંતોમાંનો બીજો સિદ્ધાંત: વકીલ અને વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે બંનેને આજીવિકા રળવાનો હક સરખો છે.
આ તો આદર્શ છે, અને કદાચ કદી ત્યાં ન પહોંચાય. ગાંધીએ પણ એ સ્વીકારેલું. એટલે એમણે પણ પછી ન્યાયની વાત કરી હતી. સંપૂર્ણ સમાનતા શક્ય નથી, પણ સંપૂર્ણ આર્થિક અને સામાજિક ન્યાય શક્ય છે. સપ્તાહમાં 70 કલાક કામ કરવાથી પણ સામાજિક અને આર્થિક ન્યાય આ દેશના 70 કરોડ લોકો માટે ઊભો થાય છે ખરો?
દેશનો વિકાસ માણસને ભોગે ન થાય, બધા માણસોનો વિકાસ થાય તો દેશનો વિકાસ એની મેળે થઈ જાય. માણસનાં સુખ, શાંતિ, મજા અને આનંદ બીજા બધા કરતાં વધુ મહત્વનાં છે. અર્થતંત્ર અને બજાર કે દેશ પછી આવે.
-પ્રોફેસર હેમંતકુમાર શાહ