દલિત સાહિત્ય ‘વાહ’નું નહીં પણ ‘આહ’નું સાહિત્ય છેઃ ડો. ધીરજ વણકર

દલિત સાહિત્ય ‘વાહ’નું નહીં પણ ‘આહ’નું સાહિત્ય છેઃ ડો. ધીરજ વણકર

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી દ્વારા અમદાવાદ એક સાથે ત્રણ પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ડો. ધીરજ વણકર લિખિત વિવેચનાત્મક ગ્રંથ અન્વીક્ષા અને પૂર્વ પ્રિન્સિપાલ ડો. ઈન્દિરા નિત્યાનંદમ તેમજ ચિરાગ ઠક્કર જય દ્વારા લિખિત નવલકથા પઝાઈયાના કલાઈથાલુમ(Grip of Change)નો ગુજરાતી અનુવાદ કાંચળી ઉતારવી તથા હયાતી મેગેઝિનના સપ્ટેમ્બર-ડિસેમ્બર 2023ના વિશેષાંકનો સમાવેશ થાય છે. તારીખ 4 નવેમ્બર 2023ના રોજ અમદાવાદના ગુજરાતી સાહિત્ય પરિષદ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દલિત સાહિત્યપ્રેમીઓ, પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાંચળી ઉતારવી નવલકથા દલિત મહિલાઓને નવી રાહ ચીંધે છે

અન્વીક્ષા પર પોતાના વિચારો રજૂ કરતા ડો. ધીરજ વણકરે જણાવ્યું હતું કે, દલિત સાહિત્ય વાહનું નહીં પણ આહનું સાહિત્ય છે. સદીઓથી વંચિત સમાજ પોતાના અધિકારો માટે વલવલી રહ્યો છે, તેને પશુથી પણ બદ્દતર જીવન જીવવા માટે મજબૂર કર્યો, શિક્ષણથી વંચિત રાખ્યો, 1981માં અનામત વિરોધી આંદોલનને બહાને અમાનુષી અત્યાચારો કરવામાં આવ્યા. વંચિત સમાજના શિક્ષિત યુવાનોએ પોતાની વેદના, વાણી, આક્રોશ, વિદ્રોહ શબ્દો દ્વારા વહાવ્યા અને પોતાની ધારદાર કલમનો પરચો કરાવ્યો. દલિત સાહિત્યના કેન્દ્રમાં સમતા, બંધુતા, માનવતા રહ્યાં માત્ર કલ્પન્નોડ્ડયન નહીં. એમાં ઠોસ વાસ્તવિકતા અને સ્વાનુભૂતિ નિરૂપાયા છે, હવામાં ગોળીબાર નહીં, નક્કર યથાર્થને વણી લઈને સત્યને ઉજાગર કરવામાં આવ્યું જેથી લલિત સાહિત્યના કે જેણે સદીઓથી એક બૃહદ સમાજની બાદબાકી કરી હતી તેને ઉજાગર થતો જોઈ તેના પાયા હચમચી ગયા.

કાર્યક્રમના અધ્યક્ષ પી.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી અમદાવાદનો આમાં સિંહફાળો છે. તે કુલ 136 પ્રકાશનો કરીને સમગ્ર દેશની એકમાત્ર દલિત સાહિત્યિક સંસ્થા બની રહી છે. હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતમાં પુસ્તકો પ્રકટ કરીને વિશિષ્ટ કાર્ય બજાવ્યું છે. અસંખ્ય વિદ્યાર્થીઓને પીએચડી માટે વિનામૂલ્યે અથવા તો 50 ટકા રાહતથી અભ્યાસ સામગ્રી તેમજ માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે. ભારતીય દલિત કવિતાઓના સંસ્કૃત ભાષામાં અનુવાદ કરાવીને સૂર્યગેહે સમિસ્ત્રા સંકલન પ્રકાશિત કરવામાં આવ્યું છે જે સમગ્ર દેશમાં પ્રથમ બની રહ્યું છે. ગુજરાતના તમામ પ્રતિબદ્ધ સાહિત્યકારોને પ્રોત્સાહન પુરું પાડવા માટે વિવિધ શિલ્ડ, એવોર્ડ, પ્રમાણપત્રો આપીને બહુમાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વર્ણવ્યવસ્થા અને ભેદભાવનો ખાત્મો બોલાવવા માટે અન્યધમ્મ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. જે ગામના વંચિત લોકો, અસ્વચ્છ ધંધા સ્વેચ્છાએ છોડી દે તેમને જીવનજરૂરિયાતની તમામ ખાદ્યસામગ્રી, જરૂરિયાત મુજબ વિનામૂલ્યે પૂરી પાડી કાનૂની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં પાદરા, કડી અને થરાદ તાલુકાના 8 ગામોના સફાઈ કામદારોના કુટુંબોને મદદ કરવામાં આવી છે.

હરીશ મંગલમ્ ની માસ્ટરપીસ નવલિકા દાયણ

અધ્યક્ષ પી.ડી. વાઘેલાએ અંતમાં કહ્યું કે, ઓમપ્રકાશ વાલ્મીકિની હિન્દી કવિતા ઠાકુરકા કૂંવા જે રીતે મૂડીવાદ પર કૂઠારાઘાત કરે છે તેવો વર્ણવ્યવસ્થા પર કૂઠારાઘાત હરીશ મંગલમ્ ની નવલિકા દાયણ કરે છે. આ એક અદ્દભૂત વાર્તા છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન મોહનદાસ નૈમિશરાયે સમગ્ર દેશમાં ચાલતી દલિત સાહિત્ય ચળવળને કેન્દ્રમાં રાખીને પોતાની વાત રજૂ કરી હતી. કાર્યક્રમમાં આભારવિધિ હર્ષદ પરમારે કરી હતીજ્યારે સંચાલન ગુજરાત વિદ્યાપીઠના પ્રો. અતુલ પરમારે કર્યું હતું.

આ પણ વાંચો:ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં કવિ દાન વાઘેલા અને રાઘવજી માધડ ચૂંટાયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.