બિરસા મુંડા ‘આદિવાસી’ યુનિવર્સિટીમાંથી ‘આદિવાસી’ અનામત કાઢી નાખી?
રાજપીપળામાં આદિવાસી મહાનાયક બિરસા મુંડાના નામે બનેલી યુનિવર્સિટીમાંથી સરકારે આદિવાસીઓની જ બાદબાકી કરી નાખી હોવાનો આક્ષેપ લાગ્યો છે.
રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીમાંથી ટ્રાઈબલોનો જ એકડો કાઢી નાખવાનો પેંતરો રચાયો હોવાના આક્ષેપો લાગ્યા છે. મળતી માહિતી પ્રમાણે યુનિવર્સિટીમાંથી આદિવાસી સહિત દલિત અને ઓબીસી અનામતને પણ ઉડાડી દેવામાં આવી છે અને અન્ય યુનિવર્સિટીઓની જેમ મોટાભાગનો સ્ટાફ સવર્ણ પ્રોફેસરોથી ભરી દેવાનો પેંતરો રચાયો હોવાનો વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે.
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા યુનિવર્સિટીને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. આદિવાસી વિસ્તારમાં બિરસા મુંડા યુનિવર્સિટી સ્થપાવાને કારણે શિક્ષણ ક્ષેત્રમાં આદિવાસી સમાજ માટે નવી અનેક તકો ઊભી થઈ છે. જોકે હવે બિરસા મુંડા યુનિવર્સિટીના પદ ઉપર જે વ્યક્તિઓ ફરજ બજાવી રહ્યા છે તેમને લઈને રાજકારણ શરૂ થયું છે. આ યુનિવર્સિટીનું નામ જ ટ્રાઈબલ યુનિવર્સિટી હોવા છતાં તેમાં આદિવાસીઓની અનામત સાથે અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. યુનિવર્સિટીના જે વહીવટી પદો છે તેમાં અનામતની કેટેગરીની જોગવાઈ કરવામાં આવી નથી. જેને કારણે આદિવાસી સમાજને અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતામાં ભારે વિરોધ
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ સુરતની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, “બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીમાં મહત્વના હોદ્દાઓ જેમ કે રજીસ્ટાર, પરીક્ષા નિયામક વગેરે પર ઉપર અનામત માટેની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. એસસી, એસટી અને ઓબીસી માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. બિરસા મુંડાના નામ પરથી આ યુનિવર્સિટીને ટ્રાઈબલ યુનિવર્સિટીનું બિરુદ્ધ અપાયું છે અને તેમ છતાં તેમાંથી આદિવાસીઓનો એકડો કાઢી નાખવામાં આવે, તેમને અન્યાય કરવામાં આવે તે દુઃખદ બાબત છે. જે સ્પષ્ટ રીતે બંધારણમાં કરાયેલી અનામતની જોગવાઈનું ઉલ્લંઘન છે.
ભાજપ સરકારની જે નીતિ અને નિયત છે તે અનામતને ખતમ કરવાની છે, અને એ દિશામાં આ એક વધુ નિર્ણય લેવાયો છે. સરકારે લાખો યુવાનોનું કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના માધ્યમથી આર્થિક રીતે શોષણ કર્યું છે. કાયમી ભરતી ન થતી હોવાને કારણે તેમાં પણ અનામત ખતમ થઈ ગઈ છે. બિરસા મુંડા યુનિવર્સિટીમાં અનામત ખતમ કરવાની દિશામાં લેવાયેલા નિર્ણયને લઈને અમે આગામી દિવસોમાં વિધાનસભામાં આ મુદ્દાને ઉઠાવવાના છીએ. જો ત્યાં અમને યોગ્ય રીતે સાંભળવામાં નહીં આવે તો અમે અંબાજીથી ઉમરગામ વચ્ચે આદિવાસી સમાજ વચ્ચે જઈશું.”
આ પણ વાંચો: કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?