દલિત મહિલા સરપંચને ભાજપના નેતાઓએ મંદિરમાં ન જવા દીધાં

એકબાજુ આરએસએસ 8 હજાર દલિત બાળકોને કુંભમેળામાં લઈ જઈ હિંદુ બનાવવા મથી રહ્યું છે, બીજી તરફ તેમની જ ભાજપના નેતાઓ દલિતો સાથે આભડછેટ રાખવા શરમાતા નથી.

દલિત મહિલા સરપંચને ભાજપના નેતાઓએ મંદિરમાં ન જવા દીધાં
image credit - Google images

RSS દલિત અને આદિવાસી બાળકોને કુંભ મેળામાં લઈ જઈને પોતે દલિત, આદિવાસીઓના હામી હોવાનો દેખાડો કરી તેમને હિંદુ વોટબેંકમાં પરિવર્તિત કરવા મથી રહ્યું છે. બીજી તરફ આરએસએસના જ લોકોનું જ્યાં સાશન છે તેવા અનેક રાજ્યોમાં દલિતો, આદિવાસીઓ પર અત્યાચાર, ભેદભાવનો સિલસિલો અટકી રહ્યો નથી. નવો મામલો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે. જ્યાં એક દલિત મહિલા સરપંચને ભાજપના જ નેતાઓએ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા.

મધ્યપ્રદેશના દેવાસના હાથલોઈ ગામની ઘટના

મામલો મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના હાથલોઈ ગામનો છે. અહીં એક દલિત મહિલા સરપંચને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. સરપંચે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓએ તેમને મંદિરમાં જતા અટકાવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ પટવારી મહિલાને મંદિરમાં લઈ ગયા અને દર્શન કરાવ્યા. પટવારીએ આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

તમે હિંદુ નથી, મંદિરમાં ન આવોઃ ભાજપના નેતાઓ

દલિત સરપંચનો આરોપ છે કે તેમને કહેવામાં આવ્યું હતું કે તમે હિન્દુ નથી, તેથી મંદિરમાં ન આવો. આ મામલામાં જે રીતે ભાજપના નેતાઓના નામ બહાર આવી રહ્યા છે તેણે ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોવાનું પણ સામે લાવી દીધું છે. એક બાજુ પીએમ મોદી અને યોગી આદિત્યનાથ કુંભ મેળામાં સમરસતાનો પ્રચાર કરીને દલિતો, આદિવાસીઓને હિંદુ વોટબેંકમાં જોડવા મથી રહ્યાં છે, બીજી તરફ ભાજપના નેતાઓ તેમની અસલી સવર્ણ માનસિકતાનું પ્રદર્શન કરતા જરાય ખચકાતા નથી. દેશમાં દરરોજ આભડછેટ અને દલિત અત્યાચારના અનેક કિસ્સાઓ બને છે, જેમાં ભાજપના નેતાઓ દલિતોને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે જરાય પ્રયત્ન નથી કરતા.

આ બધું સરેરાશ દલિત હવે સમજવા માંડ્યો છે. પરિણામે આરએસએસ અને ભાજપના નેતાઓ પરથી તેમનો વિશ્વાસ દિન પ્રતિદિન ઉઠતો જઈ રહ્યો છે. ભાજપના ટોચના નેતાઓ સમરસતાની વાતો કરે છે, બીજી તરફ તેમના નીચલા સ્તરના નેતાઓ દલિતો પર અત્યાચાર કરે છે, દલિતોને મંદિરોમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે. જે ભાજપની બેવડી નીતિઓને ખૂલ્લી પાડે છે.

કોંગ્રેસના નેતા જીતુ પટવારી મહિલાને મંદિરમાં લઈ ગયા

આ ઘટનાની જાણ થતા જ મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા જીતુ પટવારી દલિત મહિલા સરપંચની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે મહિલાનું સમર્થન કરીને તેને મંદિરમાં લઈ ગયા હતા અને તેને દર્શન કરાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો ઉતારીને તેમણે શેર કર્યો હતો. જીતુ પટવારીના આ પગલાંથી દલિત મહિલા રાજી થઈ હતી અને સમાજમાં સંદેશ પણ ગયો કે અસમાનતા અને ભેદભાવ સામેની લડાઈ હજુ પણ ચાલું છે.

પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી

જીતુ પટવારીએ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રને આ ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સાથે તેની જાતિ, ધર્મ કે સામાજિક દરજ્જાના આધારે ભેદભાવ ન થવો જોઈએ. જો કોઈ આવું કરે છે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવા અને અન્ય કોઈ વ્યક્તિને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

દલિતો સાથે ભેદભાવ હજુ પણ અસ્તિત્વમાં છે

આ ઘટના ભારતમાં હજુ પણ અસ્તિત્વમાં રહેલી સામાજિક અસમાનતા તરફ ઈશારો કરે છે. દેશમાં ઘણી જગ્યાએ, ખાસ કરીને ધાર્મિક સ્થળોએ દલિતોને તેમના બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. તે ફક્ત એક મંદિર પૂરતું મર્યાદિત નથી પરંતુ તે તમામ સામાજિક અવરોધોને પ્રતિબિંબિત કરે છે જે સમાજના પછાત વર્ગોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખે છે.

આ પણ વાંચો: દલિત મહિલા સરપંચ ને ઉપસરપંચ-તલાટીએ બેસવા ખુરશી ન આપી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.